મંડપ, ખુરશી અને વાહન ચેકીંગના રજીસ્ટરમાં તોડફોડ કરી પોલીસની ફરજમાં કરી રૂકાવટ
કોરોના વાયરસને અટકાવવા કરાયેલા લોક ડાઉનનો અમલ કરાવવા ભાડલા નજીકના ભંડારીયા ખાતે ઉભી કરાયેલી ચેક પોસ્ટનો સ્ટાફ વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે ભાડલના ૧૬ જેટલા શખ્સો ઉશ્કેરાયા હતા. ચેક પોસ્ટ પર ઘસી ગયેલા ટોળાએ તોડફોડ કરી પોલીસ સ્ટાફની ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ભંડારીયા ગામના હિતેશ ભનાભાઇ મકવાણા નામનો યુવાન નંબર વિનાના બાઇક પર ચેક પોસ્ટ પાસેથી પસાર થતા તેની પાસે લાયસન્સ અને બાઇકના કાગળ માગી પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસ સ્ટાફ સાથે રકઝક થયા બાદ થોડી વારમાં ભંડારીયાથી જસા ગોરધન કાકડીયા, રમેશ ધના વાવડીયા, આશિષ હિમત ગોહેલ, કિરણ હક્કા ગોહેલ, મનસુખ છના ગોહેલ, વિપુલ હિમત ગોહેલ, વિનુ કાળુ બગડા, દિલીપ કાળુ બગડા, કાનજી મનસુખ ગોહેલ, સંજય કાળુ પરમાર, જીવરાજ બીજલ ગોહેલ, સાગર દેવા ગોહેલ, રાજુ કરશન સુમરા, નરેશ ગોવિંદ ગોહેલ, પિન્ટુ હમીર ગોહેલ અને હિતેશ ભના ગોહેલ સહિતના શખ્સો ઘસી આવ્યા હતા.
રોષે ભરાયેલા ટોળાએ ચેક પોસ્ટમાં ફરજ બજાવતા જીઆરડીના જયસુખભાઇ, જગદીશભાઇ, અશોકભાઇ અને પોલીસમેન દિલાવરભાઇ પઠાણ સાથે ઉગ્ર બોલાચાલી કરી ચેક પોસ્ટમાં તોડફોડ શરૂ કરી હતી.
ટોળાએ ચેક પોસ્ટનો મંડપ, ટેબલ, ખુરશી, વાહન ચેકીંગનું રજીસ્ટર અને હેલોજન લાઇટમાં તોડફોડ કરી નુકસાન કરી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. ભાડલા પોલીસે ભંડારીયાના ૧૬ શખ્સો સામે ગુનો નોંધી પી.એસ.આઇ. એચ.પી.ગઢવી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.