નર્મદા ડેમમાં ૯૬,૪૮૩ ક્યૂસેક પાણીની આવક : છેલ્લા ૨૪ કલાકમાં ૨.૫ મીટરનો વધારો થયો ૧૨૦૦ મેગાવોટ વીજ ક્ષમતાના રિવર બેડ પાવર હાઉસનું એક યુનિટ શરૂ કરાયું
ભારે વરસાદ અને મધ્યપ્રદેશના તમામ ડેમ ઓવરફ્લો થતાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી આજે સવારે ૬ વાગ્યા સુધીમાં ૧થી ૨ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે, તેવી નર્મદા નિગમે જાહેરાત કરી હતી. જોકે હજી સુધી પાણી છોડાયુ નથી. આજે સાંજ સુધીમાં પાણી છોડાય તેવી શક્યતા છે. નર્મદા ડેમમાં હાલ ૯૬,૪૮૩ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જે સાંજ સુધીમાં વધી જશે. નર્મદા ડેમની સપાટી હાલ વધીને ૧૨૯.૬૦ મીટર ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૨.૫ મીટરનો વધારો થયો છે.
૩૦ જેટલા ગામને સાવચેત રહેવા અપીલ
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સતત ૭૦ હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી કાંઠાના ભરૂચ અને નર્મદા જિલ્લાના ૩૦ જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ ડેમને ૧૩૮.૬૮ મીટર સુધી ભરી શકાય છે. જોકે નર્મદા ડેમની જળ સપાટી વધતા ઘણા દિવસોથી બંધ ૧૨૦૦ મેગાવોટ વીજ ક્ષમતાના રિવર બેડ પાવર હાઉસનું એક યુનિટ શરૂ કરવામાં આવ્યું છે અને રિવર બેડ પાવર હાઉસ ચાલુ કરવામાં આવતા ૫૦ હજારથી વધુ પાણી નર્મદા નદીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ૩૧૩૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો જમા થયો છે.
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલુ ૭૦ હજાર ક્યૂસેક પાણી આજે સાંજ સુધીમાં કેવડિયા સ્થિત નર્મદા ડેમ ખાતે પહોંચશે. જેને પગલે નર્મદા ડેમમાંથી ૧થી ૨ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે તેવી નર્મદા નિગમે મંગળવારે સાંજે ૭ વાગ્યે જાહેર કરેલા પત્રમાં જાહેરાત કરી હતી. જોકે હજી સુધી પાણી છોડાયુ નથી. જોકે આજે સાંજ સુધીમાં ૧થી ૨ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે.
નમર્દા ડેમના ઉપરવાસમાં વરસાદ અને નર્મદા ડેમમાંથી પાણીની આવકને લઇ નર્મદા નદીના પાણી ભરૂચના ગોલ્ડન બ્રિજે સિઝનમાં પહેલીવાર ૧૫.૦૯ ફૂટે પહોંચ્યા બાદ ઘટીને ૯ ફૂટે પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી વધી રહેલી પાણીની આવક વચ્ચે ડેમમાંથી નિયત જથ્થા કરતા વધુ પાણી હાલ ડાઉન સ્ટ્રીમમાં છોડાતા નદીમાં નવા નીરનો વધારો થયો છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ૨ કાંઠે વહેતી જોવા કેબલ સ્ટેઇડ બ્રિજ પાસે લોકોનો જમાવડો થયો હતો.