બોગસ ઈ વે બીલમાં સિરામિક એકમોની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ
મોરબીમાં ચકચારી ૧૭ કરોડથી વધુના જીએસટી ચોરીના કોભાંડમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને અગાઉ આરોપીઓની ધરપકડ થયા બાદ કોભાંડમાં સિરામિક ફેકટરીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં જીએસટી ટીમે સઘન તપાસ શરુ કરતા કોભાંડ સાથે સંકળાયેલા ઈસમોમાં દોડધામ મચી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ૧૬ સિરામિક પેઢીઓ રાજન સિરામિક, લેરીક્સ સિરામિક, ઓમકાર સિરામિક, વિનસેટ સિરામિક, હેસ્ટક્ષ સિરામિક, ડેલફાઈન સિરામિક લેવોર્ડ સિરામિક, વિલિયમ સિરામિક, વોલ્ગાસ સિરામિક, ક્લાસિક સિરામિક, કુમકુમ સિરામિક, સેલોની સિરામિક, સેમ્સ સિરામિક, ક્રિશ્ના સિરામિક, કેરોન સિરામિક અને મોસ્કો સિરામિક પેઢી સામે જીએસટી ચોરીનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો જેમાં બોગસ સિરામિક પેઢીઓ બનાવીને જીએસટી નંબર મેળવીને ૩૮૫૨ ઈ વે બીલ જનરેટ કરી ટાઈલ્સનું વેચાણ કર્યું હતું જે વેચાણના ૧૭.૭૬ કરોડ રૂ ની જીએસટી ચોરી કરવામાં આવી હતી જેમાં પોલીસે સીએ, વકીલ સહિતના ૧૫ આરોપીની અટકાયત કરી હતી અને જીએસટી ચોરી મામલે સઘન તપાસ ચાલી રહી છે.
ત્યારે સિરામિક કંપનીઓની જીએસટી ચોરીમાં કોઈ સંડોવણી છે કે કેમ, સિરામિક ફેક્ટરીની મિલીભગતથી જ જીએસટી ચોરી કરવામાં આવી હતી કે ભેજા બાજોએ ફેક્ટરીને પણ ચૂનો લગાડવાનું કાર્ય કર્યું છે તે દિશામાં જીએસટી ટીમે સઘન તપાસ હાથ ધરી છે અને જેટલા ઈ વે બીલ જનરેટ કરવામાં આવ્યા હોય જેની ક્રોસ ઇન્ક્વાયરી શરુ કરવામાં આવી છે તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે તો કરોડોના જીએસટી ચોરીના કોભાંડમાં સઘન તપાસને પગલે સિરામિક ઉદ્યોગમાં તેના પડઘા જોવા મળી રહ્યા છે.