ઇન્સ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યુરો ઓફ ઈન્ડિયા પર સાયબર એટેકનો અહેવાલ મળતા ખળભળાટ

દિન પ્રતિદિન વધતા જતા સાયબર એટેકના બનાવોને લીધે લોકોની ખાનગી વિગતો જોખમમાં મુકાઈ રહી છે. અનેકવિધ સોશિયલ મીડિયા, સરકારી એજન્સીઓની વેબસાઈટ પર અવાર નવાર સાઇબર એટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક સરકારી એજન્સી સાયબર એટેકનો ભોગ બની હોય તેવા સમાચાર મળી રહ્યા છે. દેશની ઇન્સ્યોરન્સ ઇન્ફોરમેશન બ્યુરો હાલ સાયબર એટેકમાં સંપડાઈ જતા કરોડો વિમાધારકો જોખમમાં મુકાઈ ગયાં છે.

ઈન્સ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યુરો ઓફ ઈન્ડિયા (આઈઆઈબી) સાયબર એટેકનો સામનો કરી રહી છે અને તેની પાસે રહેલા કેટલાક ડેટા સાથે ચેડા કરવામાં આવ્યા હોઈ શકે છે, તેવું હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જયારે સાયબર એટેક કરવામાં આવ્યો છે તેનો એકમાત્ર ઉદેશ્ય લોકોના ખાનગી ડેટા ચોરવાનો હોય છે. ઉલ્લેખનીય બાબત છે કે, આઈઆઈબી બિઝનેસની વિવિધ લાઇન માટે વીમા કંપનીઓ પાસેથી ટ્રાન્ઝેક્શન ડેટા એકત્રિત કરે છે.

મળતી માહિતી મુજબ ઇન્સ્યોરન્સ બ્યુરો પર થયેલા સાયબર એટેક મામલે ઉચ્ચ સ્તરે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બ્યુરોને ડેટા મળ્યા છે કે, બ્યુરો પાસે રહેલા અમુક ડેટા સાથે છેડછાડ કરવાની પણ કોશિશ હેકરો દ્વારા કરવામાં આવી છે. ત્યારે વિમાધારકોની ખાનગી વિગતોને સુરક્ષિત રાખવા માટે બ્યુરો સહીતની મહત્વની એજન્સીઓ હાલ સતત કાર્ય કરી રહી છે.

સમગ્ર ઘટના અંગે આઈઆઈબી દ્વારા કોઈ જ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી કે કોઈ નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું નથી પણ સાયબર એટેક થયો હોય તેવી પાક્કી વિગતો મળી રહી છે.

 શું છે ઇન્સ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યુરો?

ઈન્સ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યુરો ઓફ ઈન્ડિયા (આઈઆઈબી)ની સ્થાપના ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર(આઈઆરડીએઆઈ) દ્વારા ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રી અને સંબંધિત હિતધારકોના હિતોને પૂરી કરવા માટે ડેટા રિપોઝીટરી અને એનાલિટીક્સ બોડી તરીકે કરવામાં આવી છે. ભારતની તમામ નોંધાયેલ વીમા કંપનીઓને જીવન, મોટર, આરોગ્ય, અગ્નિ અને વીમા વ્યવસાયની અન્ય પરચુરણ રેખાઓ હેઠળનો ડેટા આઈઆઈબીને સબમિટ કરવાનો ફરજિયાત છે. આઈઆઈબી વિશાળ ડેટા હેન્ડલ કરે છે અને હિસ્સેદારોને વિશ્લેષણાત્મક આંતરદૃષ્ટિ અને સેવાઓ પ્રદાન કરે છે. ઉલ્લેખનીય છે કે, આઈઆઈબી વેબ સેવાઓ અને એપ્લિકેશન આધારિત છે.

અંદાજિત 15 દિવસ પૂર્વે જ દેશના 67 કરોડ લોકોની ખાનગી વિગતો ચોરી વેંચી મારવાના કૌભાંડનો થયો’તો પર્દાફાશ

ગત તારીખ 5 એપ્રિલના રોજ ભારતના ઇતિહાસની સૌથી મોટી ડેટા ચોરીનો પર્દાફાશ થયો હતો. અંદાજિત 67 કરોડ જેટલાં ભારતીયોના ડેટા ચોરી કરીને ઓનલાઈન વેંચી મારવાનું કૌભાંડ સામે આવ્યું હતું.  જીએસટી, આરટીઓ જેવી સરકારી એજન્સીના ડેટા પણ ચોરાઈ ગયાના અહેવાલ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી રાજકોટની એક શૈક્ષણિક સંસ્થાના ડેટા પણ ચોરી લેવામાં આવ્યા હતો.  ટેકનોલોજી યુગમાં વધતા સાઈબર કાંડ વચ્ચે ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી ડેટા ચોરીનો ખુલાસો થયો હતો. ગુજરાત સહીત 24 રાજયો તથા આઠ મહાનગરોનાં 66.9 કરોડના પર્સનલ ડેટા ચોરી લેવાયાનો ઘટસ્ફોટ થયો હતો જેમાં એક વ્યકિતની ધરપકડ થઈ છે અને ગુજરાતનાં બે લોકોના કનેકશન ખુલ્યા હતા.

વારંવાર થતી ડેટા ચોરીને પગલે સરકારી એજન્સીઓને ખાનગી વિગતો આપવી કે કેમ તે અંગે પ્રજામાં અવઢવ

જે રીતે વારંવાર ખાનગીની સાથે સરકારી એજન્સીઓ ઓર સાયબર એટેક થઇ રહ્યો છે ત્યારે હવે સરકારી એજન્સીઓને પોતાની ખાનગી વિગતો આપવી કે કેમ? તે અંગે લૂમાં અવઢવ જોવા મળી રહી છે. લોકોની પારિવારિક, ધંધાકીય સહીતની વિગતો ચોરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદ આ વિગતો ઓનલાઇન વેંચી મારવામાં આવે છે જેના લીધે લોકોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.