ખેતીને લઈ રાજકારણ ગરમાયું!
પ્રિમિયમ ઉંચુ હોવાના મુદ્દે વિપક્ષ શાસિત એક પછી એક રાજય સરકારોનો પ્રધાનમંત્રી પાક વિમા યોજનાનો અમલ કરવાનો ઈન્કાર
ખેતીપ્રધાન ગણાતા આપણા દેશ ભારતમાં દાયકાઓથી ખેડુતો દયનીય સ્થિતિમાં છે. અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ મબલખ પાકનું ઉત્પાદન કરતા જગતના તાત ગણાતા ખેડુતોને પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે મોટાભાગે આર્થિક તંગીનોસામનો કરવો પડે છે. કેન્દ્રની મોદી સરકારે આગામી વર્ષ ૨૦૨૦ સુધીમા ખેડુતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ બનાવી છે. જેમાં પાક વિમા યોજના દ્વારા પાકના નિષ્ફળ જવાની સ્થિતિ ખેડુતોને આર્થિક સહાય ઉપરાંત, નકલી બિયારણથી ખેડુતોને છેતરાતા બચાવવા સરકારેકમર કસી છે. પરંતુ ખેડુતોની આ યોજનાને રાજકારણનું ગ્રહણ લાગ્યું હોય તેમ એક પછી એક વિપક્ષ શાસીત રાજયો આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.
કુદરતી આફતની સ્થિતિમાં પાક નિષ્ફળ જવાથી ખેડુતોને થતી નુકશાનીથી નિવારવા પ્રધાનમંત્રી પાક વિમા યોજના ચલાવવામાં આવે છે. જેમાં ખેડુતોએ માત્ર ૨ ટકા પ્રિમીયમ આપવાનું હોય છે. જયારે પ્રિમીયમની બાકી રકમ કેન્દ્ર અને રાજય સરકારે સરખે ભાગે વહેંચીને વિમા કંપનીને ચુકવવાનું હોય છે. પરંતુ ખેડુતોના હિતલક્ષી ભાજપ શાસિત કેન્દ્ર સરકારની આયોજનાને રાજકારણ નડયું હોય તેમ વિપક્ષ શાસિત રાજય સરકારો આ યોજનાનો વિરોધ કરીરહી છે. પાક વિમા યોજનામાં રાજય સરકારના ભાગે આવતુ પ્રિમીયમ વધારે હોવાના મુદા પર તાજેતરમાં તેલગાંણા અને ઝારખંડ સરકારેઆ યોજનાનો અમલ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ બંને રાજયોમાં વિપક્ષી પક્ષોની સરકાર છે.
આ પહેલા પણ પશ્ર્ચિમ બંગાળ, બિહાર, પંજાબ, આંધ્રપ્રદેશની રાજય સરકારો પણ આ પ્રધાનમંત્રી પાક વિમા યોજનાનો અમલ કરવાનો ઈન્કાર કરી ચૂકી છે. આ રાજય સરકારોએ એવો દાવો કર્યો છે. આ યોજનામાં જોડાનારા ખેડુતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જયારે રાજય સરકારોના ફાળે આવતી પ્રિમીયમની રકમમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી રાજય સરકારોને આ ગાળા ભરવો મુકેલ બની રહ્યો છે. જોકે, આ યોજનાનો અમલ કરવામાં આ રાજય સરકારોના ઈન્કાર પાછળ કેન્દ્રની મોદી સરકારની યોજના હોવાનું મુખ્ય કારણ હોવાનું રાજકીય પંડીતોનું માનવું છે. જેથી આ રાજયોનાં ખેડુતો ઈચ્છતા હોવા છતા પ્રધાનમંત્રી પાક વિમા યોજનાનો લાભ નહી લઈ શકે.
ઉપરાંત, ખેડુતોને નકલી બિયારણથી છેતરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા ગુજરાતની રૂપાણી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં રાજય સરકારે ગુજકોમાસોલના નામે ઓળખાતા ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લીમીટેડ કંપની મારફતે મગફળીના બિયારણનું વેચાણ શરૂ કર્યું છે. રાજયનાં ૧૫૦૦ સેન્ટરો પરથી મગફળીના ૯૩.૩૮૦ કિવન્ટલ મગફળીના બિયારણનું વેચાણ હાલમાં ચાલી રહ્યું છે. જેમાં ૫૦,૬૦૦ કિવન્ટલ બિયારણનું વેચાણ થઈ ચૂકયું છે. આમ રાજય સરકાર કંપની મારફતે બિયારણનું વેચાણ થવાથી ખેડુતો લૂંટાતા ઉપરાંત તેમને પ્રમાણિત બિયારણ મળે તેવી સરકારની યોજના છે.
વતનમાં પરત ગયેલા ‘ખેત મજૂરો’ને લાવવા રાજય સરકાર યોજના બનાવશે
હાલ ગુજરાતમાં મોટભાગના ખેડુતો ખેત મજૂરો રાખીને ખેતી કરાવે છે. તેમાં પણ ગોધરા અને દાહોદના ખેત મજૂરોનું પ્રમાણ વધારે છે. તાજેતરમાં ઉભી થયેલી કોરોના સંક્રમણ અને ત્યારબાદ લોકડાઉનની સ્થિતિમાં આ ખેત મજૂરો પોતાના વતનમાં પરત ગયેલા ખેત મજૂરોના કારણે હાલમાં રાજયમાં ખેત મજરોની ભારે તંગી ઉભી થવા પામી છે. હાલમાં ખેતી સીઝન આવી રહી છે. ત્યારે પોતાના વતનમાં ગયેલા ખેત મજરોને પરત લાવવા રાજય સરકાર યોજના બનાવી રહ્યાનું રાજયના કૃષિ મંત્રી આર.સી. ફળદુએ ગઈકાલે વીડીયો કોન્ફરન્સથી યોજાયેલી રાજય મંત્રી મંડળની કેબીનેટ બેઠકમાં જણાવાયું હતુ.