બે કર્મચારીઓને વિદેશ મંત્રાલય દ્વારા ૨૪ કલાકમાં જ દેશ છોડી દેવા આદેશ કરાયા એફઆઈઆર દર્જ કરાઈ
ભારતીય સેનાનાં ગુપ્તચર વિભાગ અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા પાકિસ્તાનનાં દૂતાવાસ કચેરીનાં કર્મચારીઓ ભારતની જાસુસી કરતા અને કિંમતી દસ્તાવેજોની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ નાદાર બનેલા પાડોશી દેશ સાથે સંઘર્ષની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેવા સંજોગોમાં સુરક્ષા દળોનાં હાથે જાસુસીનું મોટું કાવતરું ઝડપી લેવાયું હતું. આબીદ હુસેન, તાહિર ખાન અને જાવેદ હુસેન નામના ૩ વ્યકિતઓ આઈએસઆઈ સાથે સીધા સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. બે વ્યકિતઓને વિદેશ મંત્રાલયે સોમવાર સવાર સુધીમાં જ દેશ છોડી જવા આદેશો કરી દીધા હતા. છેલ્લી વખત આજ રીતે ૨૦૧૬માં પાકિસ્તાની રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા. સરકારે આ બે વ્યકિતઓને અવૈદ્ય પ્રવૃતિ અંગે કસુરવાન ઠેરાવી તેઓને ૨૪ કલાકમાં દેશ છોડી દેવા તાકિદ કરી છે. ભારતે પાકિસ્તાન વિરુઘ્ધ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સાથે નુકસાનકારક પ્રવૃતિ બદલ રાષ્ટ્રીય સુરક્ષાને લઈ ભારે વિરોધ નોંધાવ્યો છે.
ઓફિશિયલ સિક્રેટ એકટ ગુપ્તચર ધારા અંતર્ગત આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે જોકે આદત મુજબ પાકિસ્તાને આ આક્ષેપોને ફગાવીને પોતાના કર્મચારીઓને જુઠ્ઠા અને પાયાવિહોણા આક્ષેપોમાં ફસાવ્યા હોવાનું જણાવ્યું હતું. ભારત-પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધોમાં દરવાજા બંધ કરવાની પેરવી કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઈસ્લામાબાદ દ્વારા એવો પણ આક્ષેપ કર્યો હતો કે, જમ્મુ-કાશ્મીરમાં થતી માનવ અધિકાર ભંગની ગતિવિધિઓ પરથી ધ્યાન હટાવવા માટે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. દિલ્હીનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ૩ પાકિસ્તાની નાગરિકને સંરક્ષણ વિભાગનાં કર્મચારીને આર્ય સમાજ રોડ સહિતનાં અનેક વિસ્તારોમાં સંવેદનશીલ માહિતીઓ મેળવતા ઝડપી લીધા હતા. આ પાકિસ્તાની લોકો છેલ્લા કેટલાક સમયથી ગુપ્તચર વિભાગની નજરમાં આવેલા હતા.
ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા તમામ પાકિસ્તાની લોકો પાસેથી વાંધાજનક દસ્તાવેજો, ૧૫ હજારની રોકડ અને બે ફોન મળી આવ્યા છે. આ તકે તપાસ દરમિયાન એક દુતાવાસ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તે રાજદ્વારી પ્રવૃતિ કરી રહ્યા છે પરંતુ તે અંગે કોઈપણ પુરાવા મળી શકયા નથી. આ જાસુસી કાંડમાં પાકિસ્તાનની હાઈ કમિશનરનાં અન્ય કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગેની તપાસ હાલ ચાલી રહી છે. એફઆઈઆર નોંધાયા પછી ધરપકડ કરાયેલા આરોપીઓની મેડિકલ ચેકઅપની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારબાદ તેઓને હાઈકમિશનને સોંપી દેવામાં આવશે.