ભુતકાળની ભુલોને દોહરાવી આતંકવાદી પ્રવૃતિઓને નજર સમક્ષ નિહાળી ન શકાય: પાક. વિદેશ મંત્રી
આતંકવાદી સંગઠનો માટે પાકિસ્તાન સ્વર્ગ સમાન હોવાની વાત જગજાહેર છે. હજારો પુરાવા આપ્યા છતાં પાકિસ્તાને આ વાત કયારેય કબુલી નથી. જો કે, હવે આતંકવાદને પનાહ આપવા મુદ્દે પાકિસ્તાને પોતાના નાપાક પાપનો સ્વીકાર કર્યો છે. લશ્કર એ તોયબા અને જૈસ એ મહમદ જેવા આતંકવાદી સંગઠનો પોતાની જમીન ઉપર પનાહ લઈ રહ્યાં હોવાનો પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા મહમદ આસીફે એકરાર કર્યો છે.
બ્રિકસમાં પાક પ્રેરીત આતંકવાદ મુદ્દે ઘોષણાપત્ર તૈયાર કરાયું હતું. આ ઘોષણાપત્રના કારણે પાકિસ્તાન મુંઝવણમાં મુકાઈ ગયું છે. એની નાપાક હરકતો વિશ્ર્વ સમક્ષ ખુલ્લી પડી ગઈ હોય હવે કોઈ દેશ સાથ નહીં આપે તેવા વિચારથી ખસીયાણા પાક વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, લશ્કર એ તોયબા અને જૈસ એ મહમદની ગતિવિધિઓ નિયંત્રીત કરવા આપણે પ્રયાસો કરવા પડશે. જેનાથી આપણે વૈશ્ર્વિક સમુદાયને પાકિસ્તાન આતંકવાદ સામે યોગ્ય પગલા લઈ રહ્યું હોવાનો સંદેશો આપી શકીશું.
આતંકવાદના મુદ્દે હવે મિત્રોની મહેરબાની જોઈતી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. વૈશ્ર્વિક પરિસ્થિતિ બદલાઈ રહી છે ત્યારે ચીન જેવા મિત્રનો સહયોગ દર વખતે ન લઈ શકાય. પાક વિદેશ મંત્રી ખ્વાજા આસીફના નિવેદનથી આતંકવાદ વિરુધ્ધ ભારતની લડાઈને વધુ એક વિજય મળ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે બ્રિકસ સંમેલનના ઘોષણાપત્રનો પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તુરંત જ વિરોધ કર્યો હતો. અલબત પાકિસ્તાનના વિદેશ મંત્રી ઉપર આ મુદ્દે દબાણ આવ્યું છે અને તેમણે આતંકવાદ મુદ્દે કહ્યું છે કે, હું કોઈ રાજકીય નિવેદન આપી રહ્યો નથી. પાકિસ્તાનમાં આતંકી સંગઠનોની ગતિવિધિ જોઈ શકીએ નહીં. જો આપણે આતંકવાદને ટેકો દેવાનું ચાલુ રાખીશું તો આવી શરમજનક પરિસ્થિતિમાં દરેક વખતે મુકાવું પડશે.
તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાને ભૂતકાળમાં અનેક ભુલો કરી છે. જીયા ઉલ હકના સમયે અફઘાનિસ્તાન સાથે પ્રોકસી યુધ્ધની જ‚ર ન હતી. માટે હવે આવા ભૂતકાળ સાથે તુરંત સંબંધો તોડવાની જ‚રીયાત ઉભી થઈ છે. વર્ષ ૧૯૭૯માં પણ અમે ખોટો નિર્ણય લીધો હતો જે અમને ૧૦ વર્ષ સુધી ભારે પડયો હતો. ૯/૧૧ બાદ પણ અમે બીજાનું યુધ્ધ પોતાના ખંભે લઈ મહાકાય ભૂલ કરી હતી. પરિણામે હજારો જીવ ગુમાવ્યા હતા. આપણે ત્યાં સુધી આપણી જાતને સાચી સાબીત ના કરી શકીએ જયાં સુધી ભુતકાળની ભુલોને ન સ્વીકારીએ.