૭ હજાર કરોડની સૈન્ય સહાય રોકવાનો અમેરિકાનો નિર્ણય
આતંકી સંગઠનો સામે પાકિસ્તાન પગલા નહીં લે ત્યાં સુધી કડક વલણ જાળવશે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પાકિસ્તાનને કડક ભાષામાં સંદેશો આપવાનો નિર્ધાર કર્યો હતો. અત્યાર સુધી પાક.ને ખોળામાં રાખતા અમેરિકાને હવે પાકિસ્તાનના નાપાક કારનામાનો અનુભવ થયો છે. પરિણામે અમેરિકાએ પાકિસ્તાનને અપાતી ૭ હજાર કરોડની સૈન્ય સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આતંકવાદ મામલે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે હવે આરપારની લડાઈ થવાની છે. અમેરિકાના પૈસે તાગડધીના કરતા પાકિસ્તાનના હાલ બેહાલ થાય તેવી શકયતા છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાને વર્ષો સુધી અમેરિકાને મુર્ખ બનાવ્યું હોવાની કબુલાત અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપી હતી. ત્યારબાદ પાકિસ્તાન સામે કડક પગલા લેવાનો નિર્ધાર કરાયો હતો. જેના પરિણામ સ્વ‚પે આજે અમેરિકાએ પાકિસ્તાનને રૂ.૭ હજાર કરોડની સૈન્ય સહાય આપવાનું બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. અમેરિકાએ કહ્યું છે કે, જયાં સુધી પાકિસ્તાન તાલીબાન અને હક્કાની નેટવર્ક જેવા આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવાનું નિશ્ર્ચિત નહીં કરે ત્યાં સુધી તમામ પ્રકારની સૈન્ય સહાય આપવામાં આવશે નહીં. અમેરિકાના આ વલણથી પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોટો ફટકો પડયો છે. એકાએક આર્થિક ભંડોળ ઓછુ થવાની ભીતિના પગલે પાકિસ્તાની સરકાર થઈ ગઈ છે.
ગઈકાલે પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસીફે અમેરિકા ઉપર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. પાકિસ્તાનમાં અમેરિકાએ લોહીની નદીઓ વહાવી હોવાનું ખ્વાજા આસીફે કહ્યું હતું. પાકિસ્તાનની ધરતી ગન પાવડરથી ભરાયેલી હોવા પાછળ અમેરિકાનું કારસ્તાન જવાબદાર હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. અમેરિકાના યુદ્ધના કારણે હજ્જારો પાકિસ્તાની સૈનિકો અને નાગરિકોના મોત નિપજયા હોવાનો ગંભીર આક્ષેપ પણ ખ્વાજા આસીફે કર્યો હતો.
બીજી તરફ અમેરિકાએ પાકિસ્તાનને ધાર્મિક સ્વતંત્ર્તા બાબતે થનારી હિંસાની વોચ લીસ્ટમાં રાખ્યું છે. પાકિસ્તાનમાં ધાર્મિક ઝનુનનું પ્રમાણ બહોળુ છે. પરિણામે ધાર્મિક આઝાદી નથી. માટે ધાર્મિક સ્વતંત્ર્તા મામલે થતી હિંસા અંગે અમેરિકાએ પાકિસ્તાન ઉપર વોચ રાખવાનું શરૂ કરી દીધુ છે.