તા.૫મી ઓગષ્ટને આપણે ક્રાંતિ-દિન તરીકે ભલે નવાજિયે પરંતુ આપણા દેશને અને આપણી માતૃભૂમિને આપણા સુકાનીઓ-રાજકર્તાઓએ કેટલી હદે બેહાલ અને બેઆબરૂ કરી દીધા છે!.. તા.૫મી ઓગષ્ટે અયોધ્યા-મંદિરનાં નિર્માણની શિલાન્યાસ-ભૂમિપૂજન વિધિ આપણા વડાપ્રધાનની માંગલ્યભીની સન્નિધિમાં શાસ્ત્રોકત વિધિ વિધાન પૂર્વક આપણા વિદ્વાન શાસ્ત્રીગણ દ્વારા થનાર છે. આ તવારિખી દિવસે પૂન: જયઘોષ સાથે થશે. ‘હમ મંદિર વહી બનાયેગેં’ અસંખ્ય કારસેવકો અને દુર્ગાવાહિનીના દુર્ગાદેવીઓની શ્રી રામ સેના તે ટાંકણે વિજયદિન ગૌરવદિન મનાવશે. પરંતુ શહીદોની સ્મૃતિનાં ઋણનું શું ?
આપણા દેશે મોગલ અને અંગ્રેજી સલ્તનતની ૧૫૦ વર્ષની ગુલામી વેઠયા બાદ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલ્યો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી એ અરસામાં અસંખ્ય વતન પરસ્ત લોકોએ જુલ્મો સહન કર્યા હતા અને પ્રાણની આહુતિઓ આપી હતી.
આપણો દેશ કયારેય ભીરૂ નહતો અને શહીદો વિહોણો ન હતો. ‘રકત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે’ એમ લખીને આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ એ વખતના દેશકાળને બિરદાવ્યોહતો. સાચી રાષ્ટ્રભાવનાનું તે વખતે દર્શન થતું હતુ.
શહીદોના ‘સ્મૃતિશેષ’ના ઓવારણાં લેવાતા હતા અને એમની પ્રતિમાઓ પૂજાતી હતી. ગ્રામ્ય દેવતાઓનાં દહેરા પર ઘીના દીવાઓ પ્રગટાવાતા હતા અને ફૂલો ચઢાવાતાં હતા. ક્સરભીની દેશભકિત ઝળુંબતી હતી. અને બહાદૂરીનાં હાલરડા ગવાતા હતા. આજે એ જમાનો ગોત્યો જડતો નથી. એ જાણે સંપૂર્ણ પણે માયકાંગલો બની ગયો છે.
આવા વતન પરસ્ત અને દેશાભિમાની લોકો લગભગ સ્મૃતિ શેષ બની ગયા છે ! તા.૫મી ઓગષ્ટના મંગલમય દિવસે આપણા વડાપ્રધાન અયોધ્યા-રામમંદિરનાં નિર્માણ અર્થેની શિલારોપણ વિધિ અને ભૂમિપૂજન કરવાના છે. શાસ્ત્રોકત વિધિવિધાન પૂર્વક વારાણસીના વિદ્વાન શાસ્ત્રીઓ આ વિધિ કરાવનાર છે.
‘હમ મંદિર વહીં બનાયેંગે’ની પ્રતિજ્ઞા આમતો બાબરી મસ્જીદના ધ્વંશની સાથે સાથે જ લેવાઈ હતી. એને માટે લાઠીચાર્જ અને ગોળીબાર વેઠનારા શહીદો આ અવસરે એમને સલામ કરવા અને વંદન કરવા જીવંત નહી જોવા મળે… જે બધા જોવા મળશે અને યશ લેવા મળશે તેતો જુદા જ નરબંકા હતા એમ કહેવું જ પડશે ! કારસેવકોની સેવાનું અહી સ્મરણ થશે ?
એમ કહેવાય છે કે, જે દેશ તેના શહીદોનાં સ્મૃતિશેષનાં ઓવારણા નથી લેતો અને તેમનાં હૃદયસ્થ-મંદિરો નથી સર્જતો એ દેશમાં ફરી શહીદો જન્મતા નથી અને શહીદો વગરનો દેશ કેવો માયકાંગલો બની જાય એનું પ્રતિબિમ્બ આપણા દેશની વર્તમાન કઢંગી સ્થિતિમાં પડયા જ કરે છે.
આપણે સખેદ કહેવું પડે છે કે આપણા દેશના સુકાનીઓ અને રાજકર્તાઓએ કેટલી હદે આપણી માતૃભૂમિને બેહાલ તથા બેઆબરૂ કરી દીધા છે. એનું કશું જ માપ કાઢી શકાય તેમ નથી!
શહીદ ભગતસિંહ એક તબકકે એવી ટકોર કરી હતી કે, આપણા દેશને કોઈ નેતાઓની જરૂ ર નથી. આમ કહેવા પાછળના એના ઈરાદાનું વિશ્ર્લેષણ કોણ કરી શકે ?… કોરોનાગ્રસ્ત આપણાદેશે હજુ ઘણાં બધા કપરાં ચઢાણ ચડવા પડે તેમ છે. એ નિર્વિવાદ છે.
ગરીબો અને નીચલા મધ્યમ વર્ગનાં પરિવારો આપણા દેશને કઈ હોંશે મહાન દેશ કહે એ આજનો સવા લાખનો સવાલ છે !
આપણે રાજકીય લાભાલાભનો ખ્યાલ કરવાનું જ નહિ છેડીએ અને રાજગાદીલક્ષી તેમજ ચૂંટણી લક્ષી રાજકીય દાવપેચો બંધ નહિ કરીએ ત્યાં સુધી, દેશની એકતાને છિન્નભિન્ન કરવાનું અને આપણી સંસ્કૃતિને બે આબરૂ થતી નહિ રાકેએ ત્યાં સુધી આપણા દેશને કોઈ મહાન નહિ કહે; ભ્રષ્ટાચાર અને ગરીબાઈ તથા રાજકીય કંગાલિયત આપણા દેશના મુખ્ય દૂશ્મનો છે. અમે કહ્યે જ છૂટકો છે!