આર્થિક સંકટને કારણે અંધાધૂંધી ચરમસીમાએ: લોકોનો ભારે વિરોધ, સરકારના રાજીનામાંની માંગ: દેશમાં ખાદ્ય પદાર્થો અને દવાઓની તિવ્ર અછત, ઇંધણ ખરીદવુ સ્વપ્ન સમાન બન્યું : જન જીવન અસ્તવ્યસ્ત
આર્થિક સંકટમાં મુકાયેલા શ્રીલંકામાં અંધાધૂંધી ચરમસીમાએ પહોંચી ગઈ છે. જેને પગલે રાષ્ટ્રપતિએ રાતોરાત દેશમાં કટોકટી જાહેર કરી દીધી છે. ગંભીર મંદીના કારણે જનતાના ઉગ્ર વિરોધનો સામનો કરી રહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ મધ્યરાત્રિથી દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
આ પહેલા શુક્રવારે સવારે શ્રીલંકાની સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે ટીયર ગેસના શેલ અને વોટર કેનન છોડ્યા હતા.બીજી તરફ શ્રીલંકાના અનેક વેપારી સંગઠનોએ સરકારના રાજીનામાની માંગ સાથે હડતાળ શરૂ કરી છે. દરમિયાન, શ્રીલંકામાં છેલ્લા એક મહિનાથી આર્થિક સંકટ ઘટવાને બદલે સતત વધી રહ્યું છે.
દેશમાં ખાદ્ય પદાર્થો અને દવાઓની તીવ્ર અછત છે. બીજી તરફ દેશમાં પેટ્રોલ ખરીદવાના પણ પૈસા નથી. સરકારની વિદેશી તિજોરી ખાલી થઈ ગઈ છે. શ્રીલંકાના 220 મિલિયન લોકો માટે જીવન અને મૃત્યુ સામે આવી ગયા છે.
સરકાર સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો સરકાર પર આર્થિક સંકટનો સામનો કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવીને રાજીનામાની માંગ કરી રહ્યા છે. શ્રીલંકા 1948માં આઝાદી બાદ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. હજારો વિદ્યાર્થીઓ સંસદ તરફ જતા રસ્તા પર એકઠા થયા છે.
શુક્રવારે વિદ્યાર્થીઓના એક જૂથે શ્રીલંકાની સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે તેમના પર ટીયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ભીડ પોલીસ બેરિકેડિંગની પાછળ છુપાઈ ગઈ હતી.
જેના કારણે પોલીસને પીછેહઠ કરવી પડી હતી. આ પહેલા ગુરુવારે પોલીસે સંસદ સ્ટ્રીટ પરથી ભીડને હટાવવા માટે આવા જ ટીયર ગેસના શેલ અને વોટર કેનન છોડ્યા હતા, પરંતુ ગુરુવારે પણ પોલીસને સફળતા મળી ન હતી.