મધુર સુગંધ, બારીમાંથી દેખાતા અદ્ભૂત દ્રશ્યો અને હવે અગમ્ય વસ્તુ રૂમમાં ઘૂસતા ધમસાણ!
ભૂત બંગલો 4
ફોજદાર જયદેવ પોતાની નવી નોકરી મસ્તીથી અને આનંદથી કરતો હતો, પરંતુ રાત્રે કવાર્ટર ઉપર સૂવા જવાનું થાય એટલે જૂની ભૂતકાળની વાતો અને પોતે અનુભવેલ અલૌકિક સુગંધ અને જોયેલ અદ્ભુત નજારાની બાબતો મગજમાં એક પછી એક ચલચિત્ર માફક ફરતી રહેતી તેથી થોડો અસ્વસ્થ થઈ જતો, પરંતુ તેને નિંદર તો આવી જ જતી.
પરંતુ હંમેશાં રાત્રે સૂતાં પહેલાં વચલા રૂમમાંથી પીવાનું પાણી લઈને તે રૂમનો દરવાજો અવશ્ય બંધ કરી દેતો અને જે રૂમમાં સુતો તે ઓસરી તરફનો દરવાજો ખુલ્લો રાખતો અને ઓસરીની બહારનો દરવાજો જે લાકડાની પટ્ટીઓવાળો હતો તે સાંકળ અંદરથી વાસી બંધ રાખતો, પલંગ રૂમમાં વચ્ચે રાખી ઓશીકું દરવાજાની વિરુદ્ધ દિશામાં રાખતો. જેથી સૂતાં-સૂતાં જ રૂમના દરવાજામાંથી ઑસરીનો દરવાજો, પોલીસ લાઈનની ઓસરી, પોલીસ સ્ટેશનની ઓસરી રીબડા ગોંડલ રોડ અને બસ સ્ટેન્ડ જોઈ શકાય. પાણીનો લોટો પલંગ નીચે અને લોડેડ રિવોલ્વર ઓશીકા નીચે રાખતો. રૂમમાં ફક્ત પાછળની દીવાલે એક ખુરશી અને એક ટેબલ રહેતું. ટેબલ ઉપર જયદેવ પોતાનાં વાંચવાનાં પુસ્તકો રાખતો. બાકી આખો રૂમ ખાલી જ હતો.
થોડા દિવસ પછી એક વખત જયદેવ વાળુપાણી કરીને રાત્રીના પથારીમાં સૂઈ ગયો. અડધી રાત્રીના તેણે ઓસરીના દરવાજાની સાંકળ ખૂલીને બંધ થવાનો અવાજ સાંભળ્યો અને એકદમ સફાળો જાગી ગયો. પરંતુ સામે ઓસરીમાં જોયું તો કોઈ જ ન હતું. પરંતુ ઓસરીમાં ગેલેરીમાં ડાબી બાજુ કોઈ ગયું હોય કે સંતાયું હોય તો પલંગ ઉપરથી દેખાય નહિ. નોકરીમાં જયદેવ અન્યાય કે કાયદાનો ભંગ કરનાર દાદાઓ માટે હાથનો છૂટો હતો અને કાયદાનો કડકાઈથી અમલ કરાવતો. તેથી સહજ રીતે ઓગણચાલીસ ગામના તાલુકામાં કેટલાક તો જયદેવથી નારાજ અને અસંતુષ્ટ હોય જ. જયદેવે અનુમાન કર્યું કે કોઈ નાલાયક વ્યકિતએ ચોકકસ ઓસરીમાં આવવા સાંકળ ખોલી દરવાજો બંધ કરી તેની સાંકળ પાછી બંધ કરી દીધી છે. કેમ કે જયદેવે તેવો ખૂલવા બંધ થવાનો સાંકાળનો અવાજ સાંભળેલ તે નક્કર હકીકત હતી.
જયદેવે માથા નીચે ઓશીકા તળે રાખેલી ભરેલી રિવોલ્વર હાથમાં લીધી અને પલંગ ઉપરથી અવાજ ન આવે તે રીતે ઊતરીને રૂમના દરવાજા પાછળ આવી ને ઊભો રહી ગયો. પાંચેક મિનિટ દરવાજા પાછળ ઊભો રહ્યો અને આવનારને રૂમમાં દાખલ થાય એટલે જોઈ લેવાની તૈયારી કરી. પરંતુ રૂમમાં કોઈ આવ્યું નહીં કે ઓસરીમાંથી કાંઈ અવાજ પણ સંભળાયો નહિ. આમ આમ થોડો સમય થયો અને જયદેવના મગજમાં પેલું જૂનું ચલચિત્ર ચાલુ થયું. ફોજદાર રાવ, ચૌધરી, રિટાયર્ડ ફોજદાર વલીચાચા, અલૌકિક સુગંધ અને અદ્ભુત નજારો… એ યાદ આવતાં જ જયદેવને પરસેવો વળી ગયો. પાછું મન મનાવ્યું કે જાળીમાં હાથ નાખીને દરવાજો ખોલી શકાય? પરંતુ સાંકળ આસપાસ લાકડાની પટ્ટીઓ એવી રીતે લગાવેલી હતી કે લગભગ માણસના હાથનો પંજો અંદર જઈ શકે નહિ. અંદર તરફથી બંધ કરેલ સાંકળ ખોલી જ ન શકાય. એટલે કોઈ માણસ તો અંદર આવી જ ન શકે. તો? જયદેવ ચમકયો. તો અંદર કોઈ આવ્યું? હવે જયદેવ બરાબર મૂંઝાયો. હવે શું કરવું? પરંતુ તેણે નક્કી કર્યું કે હવે પોલીસ સ્ટેશન તો જવું જ નથી અને જૂના લિસ્ટમાં પોતાના નામનો ઉમેરો કરવો જ નથી.
ઓસરીમાં અને રૂમમાં બંને બાજુ અંધારું હતું. જો જયદેવ રૂમની લાઈટ કરે તો બહારની વ્યક્તિ જયદેવને જોઈ શકે પરંતુ જયદેવ બહારની વ્યક્તિને જોઈ શકે નહિ. ઓસરીની લાઇટની સ્વીચ ઓસરીમાં જ હતી અને ત્યાં તો જવાનો પ્રશ્ર્ન હતો! કેવી રીતે જવું ? જેથી બંધ લાઇટે જ જયદેવ દસ પંદર મિનિટ રૂમના દરવાજા પાછળ ઊભો રહ્યો અને પોતાની જાત સાથે જ મગજમારી કરતો રહ્યો. જયદેવ ખૂબ મૂંઝાયો. ભરેલી રિવોલ્વર હાથમાં હોવા છતાં કયાંક કાચું ન કપાય તે માટે, ખોટો ધજાગરો ન થાય તે માટે પણ મૂંઝાઈને ધીરજ રાખી ઊભો રહ્યો. શરીર ઉપર વળેલ પરસેવો રેલો બની રૂમની લાદી ઉપર આવી ગયો હતો.
આખરે કંટાળીને અને મૂંઝાઈને નિર્ણય કર્યો કે જે થવું હોય તે થાય; પહેલાં ઓસરીમાં જાઉં અને પછી જોઈને જે કરવાનું (રિવોલ્વર ફાયરિંગ) હોય તે કરીશું. એમ નકકી કરી હિંમત એકઠી કરી જમણા હાથમાંની રિવોલ્વરની પકકડ મજબૂત કરી ટ્રિગર ઉપર તર્જની આંગળી રાખી ઓસરીમાં આવવા જેવો ઓરડાનો ઉમરો વટાવીને એક પગ ઓસરીમાં મૂકયો અને એક પગ હજુ રૂમમાં હતો. ત્યાં જ ઓસરીમાં ઉપર આવેલ લાકડાની નાટ ઉપરથી કાંઈક જયદેવ તરફ આવ્યું અને જયદેવના ડાબા ખંભે એવું જોરદાર અથડાયું કે જયદેવ આખો રિવોલ્વર સાથે ગોળ આંટો મારી ગયો અને તે અદ્રશ્ય વસ્તુ રૂમમાં જતી રહી. જયદેવ હબકાઈ ગયો: શું થયું! શું આવ્યું ? શું થઈ રહ્યું છે ? જયદેવનાં ગાત્રો ધ્રૂજી ગયાં. પરસેવો તો ચાલુ જ હતો અને શ્વાસ પણ વધી ગયા. પણ તે શું હતું? જયદેવ તે નકકી કરી શકયો નહિ. હવે જયદેવની ધીરજનો અંત આવી ગયો હતો.
હવે આખું દૃશ્ય ફરી ગયું હતું. જયદેવ ઓસરીમાં અને પેલી ‘વસ્તુ’ રૂમમાં અને બંને જગ્યાએ અંધારું, જયદેવ ધ્રૂજી ગયો હતો. હાથમાં રિવોલ્વર ભરેલી જ હતી. પરંતુ રૂમમાં અંધારું હતું. કયાં ફાયરિંગ કરવું ? વળી જયદેવે વિચાર કર્યો કે માનો કે કાંઈ ન હોય તો પોલીસ અને પ્રજા બંને વાતો કરવાના કે આ ફોજદાર જયદેવ પણ ડરી ગયો અને હવામાં ખોટું ફાયરિંગ કરી નાખ્યું. વળી આ અરધી રાત્રે પોલીસ સ્ટેશને જાય તો પણ પોતાનું નામ ફોજદાર ચૌધરી સાથે લખાઈ જાય કે રાત્રીના ડરીને પોલીસ સ્ટેશને આવી ગયા. આવા તરંગો સાથે જયદેવે મરણિયો જંગ ખેલી નાખવાનો વિચાર કર્યો.
પરંતુ જેની સાથે જંગ ખેલવાનો હતો તેને એક વખત જોવું અનિવાર્ય હતું અને તે માટે રૂમમાં અંદર દરવાજા પાછળ આવેલા સ્વીચ બોર્ડમાંથી લાઇટ ચાલુ કરવાની હતી. જયદેવે આખરી પગલા રૂપે હિંમત એકઠી કરી. જમણા હાથેથી રિવોલ્વરની ફરીથી પકકડ મજબૂત કરી. તર્જનીથી ટ્રિગરને લગભગ માનો કે દબાવી જ દીધી હોય એ રીતે પોઝિશન લઈ રૂમમાં દાખલ થઈ સ્વીચઓન કરતાં જ લાઇટ લો વોલ્ટેજ હોઈ ટ્યૂબલાઈટ ઝબકારા આંચકા ખાતી અજવાળું ફેંકતાં તેમાં જોયું કે ઓહો! આતો ડાઘિયો કૂતરો! પરંતુ ટ્યુબ લાઇટનું અજવાળુ સ્થિર થતાં જોયું તો ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એક વિશાળ કદનો, તદ્દન ઘેરા કાળા રંગનો મોટા કાન અને પીળા રંગની આગ ફેંકતી આંખો, મોટી મોટી નમેલી મૂછો અને માણસની જેમ ડરાવતી અને કતરાતી આંખે જયદેવ સામે તાકી રહેલો મોટો ઘોઘર બિલાડો ટેબલ ઉપર હુમલો કરવાની પોઝિશનમાં પંજા પ્રસરાવી આક્રમક સ્થિતિમાં બેઠો હતો.
જયદેવને થોડી રાહત થઈ. પરંતુ બિલાડાનું કદ એવું વિશાળ હતું કે આવા બિલાડાની વાત તો કયારેય સાંભળેલ તો નહિ પરંતુ કયાંય વાંચેલ પણ નહિ. વળી તેની વર્તણૂક, હાવભાવ અને પોઝિશન કોઈ માણસની હોય તેમ લાગ્યું અને વટ તથા મગરૂરીથી બેઠો હતો. કોઈ જ ડર કે ભય છે કે આવી ભરાણા જેવી ગભરાટની લાગણી સામાન્ય રીતે પશુમાં હોય તેવી કોઈ જ અસર હતી નહિ અને જાણે જયદેવને ચેલેન્જ કરતો હોય કે હું જરા પણ ડરતો નથી, પહેલો ચાન્સ તારો જે કરવું હોય તે કર. જયદેવે કોઈ આક્રમક કાર્યવાહી કરવાને બદલે ઓસરીમાં જઈ લાઈટ કરી ઓસરીના દરવાજાની સાંકળ ખોલી દરવાજો જ ખોલી નાખ્યો.
જયદેવે જોયું તો બિલાડો હજુ તે જ પોઝિશનમાં જયદેવને કાંઈક કહેવા કે ડરાવવા માગતો હોય તેમ બેઠો હતો. સામાન્ય રીતે આવાં પશુપ્રાણી દરવાજો ખૂલે એટલે માર્ગ મોકળો થતાં ચાલતી પકડતાં હોય છે. પરંતુ આ બિલાડાને ઊભો થવા કે આડો અવળો થવાની કોઈ જ તૈયારી ન હતી.
આ સ્થિતિ જોઈ જયદેવે વિચાર્યું કે બિલાડાને બહારથી ઓસરીમાં આવવા માટે દરવાજો કે ઓસરીમાં એવું કોઈ તેના માપનું કાણું ન હતુ કે તે અંદર આવી શકે અને સાંકળ ખૂલવા અને બંધ થવાનો અવાજ તો જયદેવે સ્પષ્ટ રીતે સાંભળ્યો હતો તેથી તો તે જાગી ગયો હતો. તો આ અવાજ આ બિલાડાએ કર્યો હોય? તે વિચારે જયદેવને આ બિલાડો પ્રાણી હોવા અંગે પણ શંકા ગઈ. જયદેવને હવે ખરેખર ભય લાગ્યો અને મનમાં બોલી ઊઠ્યો, ભુત પિશાય નિકટ નહિ આવે મહાવીર જબ નામ સુનાવે” આમ ને આમ થોડી મિનિટ ઊભા રહ્યા પછી જયદેવે જેમ માણસને રસ્તો બતાવવા આંગળીથી ઈશારો કરે તે રીતે બિલાડાને રૂમ બહાર ઓસરી અને ઓસરીથી દરવાજા બહાર જતો આંગળી અને હાથથી ઈશારો કરતું સૂચન કર્યું અને બિલાડો જાણે જયદેવ ઉપર ઉપકાર કરતો હોય અને કોઈથી ડરતો ન હોય તેમ આરામથી ઊભો થઈ ટેબલથી જમીન ઉપર આવી કોઈ ઉતાવળ ન હોય તેમ ધીમી અને મકકમ અને મગરૂર ચાલે જયદેવ સામે તાકતો તાકતો બહાર ચાલતો ગયો.
જયદેવે તુરંત દરવાજો બંધ કરી સાંકળ મારી તાળું મારી દીધું કે જે કરવાની કોઈ જરૂરત ન હતી. સાંકળ બહારથી અંદર હાથ નાખી ખૂલે તેમ જ ન હતી અને આવડો મોટો બિલાડો જાળીમાંથી આવી શકે જ નહિ તો તે અંદર આવ્યો કઈ રીતે ? માનો કે સાંકળ ખોલી નાખી તો તેણે માણસની અદાથી ઝડપથી બંધ પણ કરી દીધી? આ પ્રશ્ર્ન પ્રશ્ર્ન જ રહ્યો. જયદેવ ત્યાર બાદ ટીવી ચેનલો એનિમલ પ્લેનેટ અને ડિસ્ક્વરી ચેનલમાં આવા બિલાડા અંગે જોતો રહ્યો, પરંતુ હજુ આવો બિલાડો જોવા મળ્યો નથી.
ત્યારબાદ જયદેવે પાછુ પલંગ ઉપર લંબાવ્યું પરંતુ લાઇટ ચાલુ રાખી અને સવાર સુધી જાગતો જ પથારીમાં પડયો રહ્યો. સવારના છ વાગ્યે જ વાયરલેસથી વરધી આવી ગઈ કે ધોરાજી ખાતે દસ દિવસ રોકાવાની તૈયારી અને પાંચ કોન્સ્ટેબલ સાથે કોમ્યુનલ રાયોટ બંદોબસ્તમાં તુરંત રવાના થવાનું છે અને જયદેવ પાંચ કોન્સ્ટેબલોને લઈને ધોરાજી જવા રવાના થઈ ગયો. પરંતુ રાત્રે નીંદર પૂરી થયેલ નહીં હોય તે રસ્તામાં જોકા ખાતો હતો, નવાગઢ આવતા ચા-પાણી પી ને જીપમાં ગોઠવાયા એટલે કોન્સ્ટેબલ ગઢવીએ ધીમેથી જયદેવને પુછયું સાહેબ રાત્રીના રૂમની લાઈટ બંધ કરવાનું ભલી ગયા હતા. કે શું? આથી નીંદર પુરી થઈ નથી લાગતી, ગઢવીને એવો ખ્યાલ આ લાઈટ ચાલુ હોવાથી આવી ગયો હતો.કે ગત રાત્રિ કતલની રાત હશે તેથી તેને રાત્રિની વાત જાણવી હતી. પરંતુ જયદેવે હા હા કરીને યુકિત પુર્વક વાત ફેરવી નાખી અને રાત્રિની વાત કાંઈ કરી જ નહી.