- બુલડોઝર એક્શનના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય ગાઇડલાઇન જાહેર, 15 દિવસ પહેલા નોટિસ આપવી પડશે
- અધિકારીઓ મનસ્વી રીતે કામ ન કરી શકે, સુનાવણી વિના કોઈને દોષિત જાહેર ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ
દેશમાં મિલકત તોડી પાડવાની ગાઈડલાઈન્સ બનાવવા સંબંધિત અરજીઓ પર ચુકાદો જાહેર કરતાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે કોઈના આરોપી કે દોષી હોવા માત્રથી તેમનું ઘર તોડી ન પાડી શકાય. રાજ્ય સરકારો બુલડોઝરથી આરોપી કે દોષીના ઘર તોડાવી રહી હોવાની અનેક ફરિયાદો ઉઠ્યાં બાદ સુપ્રીમ કોર્ટમાં તેની વિરૃદ્ધમાં અરજી થઈ હતી અને આવી અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમે કડક ટીપ્પણી કરીને તંત્રને અરીસો દેખાડી દીધો હતો. એટલે હવે ક્રિમિનલ લોકો ઉપર “બુલડોઝર વાળી” નહિ થઇ શકે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. બુલડોઝરની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજી મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ મામલે મનસ્વી વલણને સાંખી લેવામાં આવશે નહીં. અધિકારીઓ મનસ્વી રીતે કામ કરી શકતા નથી. સુનાવણી વિના આરોપીને દોષિત જાહેર કરી શકાય નહીં. ચુકાદો આપતા જસ્ટિસ ગવઈએ કહ્યું, ’પોતાનું ઘર હોય તેવી ઈચ્છા દરેકના દિલમાં હોય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાયદાનું શાસન હોવું જોઈએ. બુલડોઝરની કાર્યવાહી પક્ષપાતી ન હોઈ શકે. ખોટી રીતે મકાન તોડી પાડવા બદલ વળતર મળવું જોઈએ. જવાબદાર અધિકારીઓને બક્ષવામાં નહી આવે. અમે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ આદેશ આપ્યો છે. અમે નિષ્ણાતોના સૂચનોને ધ્યાનમાં લીધા છે. બુલડોઝરની કાર્યવાહીનું મનસ્વી વલણ સહન કરવામાં આવશે નહીં. અધિકારીઓ મનસ્વી રીતે કામ કરી શકતા નથી. એક કેસમાં એક જ આરોપી હોય તો ઘર તોડીને આખા પરિવારને શા માટે સજા કરવી? આખો પરિવાર તેમનું ઘર છીનવી શકે નહીં. કોર્ટે કહ્યું કે ઘર એક સ્વપ્ન જેવું છે. વ્યક્તિનું ઘર તેની છેલ્લી સુરક્ષા છે. આરોપીઓ સામે પૂર્વગ્રહ રાખી શકાય નહીં. સરકારી સત્તાનો દુરુપયોગ ન થવો જોઈએ. ગુનાની સજા ઘર તોડવાની નથી. કોઈપણ આરોપીનું ઘર તોડી શકાય નહીં. હકીકતમાં દેશમાં છેલ્લા સમયથી એવો ટ્રેન્ડ શરુ થયો કે જેવો કોઈ આરોપી કે દોષી ઠરે તો રાજ્ય સરકાર દ્વારા બુલડોઝર વડે તેનું ઘર તોડી નાખવામાં આવે છે. કોઈનું કંઈ પણ સાંભળ્યાં વગર તંત્ર દ્વારા તેનું ઘર કે અન્ય સંપત્તિ બુલડોઝરથી જમીનદોસ્ત કરી નાખવામાં આવે છે. તંત્રની આવી હરકતોની અનેક ફરિયાદોવાળી અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો.
કોઈપણ સંપત્તિને નષ્ટ કરતાં પહેલાં આ ગાઇડલાઈનનું કરવું પડશે પાલન
- * અધિકારીઓએ સૌથી પહેલાં હાજર ભૂમિ રેકોર્ડ અને નકશાની ચકાસણી કરવાની રહેશે.
- * અધિકારીઓએ વાસ્તવિક દબાણની ઓળખ કરવા માટે યોગ્ય નિરીક્ષણ કરવાનું રહેશે.
- * કથિત અતિક્રમણકારીઓને ત્રણ લેખિત નોટિસ આપવાની રહેશે.
- * સામા પક્ષને સાંભળવામાં આવશે અને તેમની મુશ્કેલી પર વિચાર કર્યા બાદ જ એક્શનનો સ્પષ્ટ આદેશ આપવામાં આવશે.
- * દબાણ દૂર કરવા માટે તેઓને જગ્યા ખાલી કરવા માટે યોગ્ય સમય આપવાનો રહેશે.
- * જો જરૂરી હોય તો વધારાની જમીનની કાયદેસર રીતે ફાળવણી કરવી જોઈએ. ત્યાર બાદ જ અન્ય કોઈ મોટી કાર્યવાહી કરવી જોઈએ.