- રાજકોટની પ્રથમ ગુજસીટોકના આરોપી ઇમ્તિયાઝના ઘરે થોરાળા પોલીસ અને પીજીવીસીએલની ટીમ ત્રાટકી : વીજ ચોરી બદલ દંડ ફટકારી ગુનો દાખલ કરાયો
- થોરાળા પોલીસ દ્વારા નામચીન બુટલેગર રમા પરમાર સહીત છ શખ્સોંના વીજ જોડાણ કાપી ગુના દાખલ કરાયા
બુલડોઝર અસામાજિક તત્વો પર તૂટી પડવા રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ હવે રાજકોટ પોલીસ દ્વારા વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા અસામાજિક તત્વો ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે. ગઈકાલે કુખ્યાત પેડલર રમા સંધિ અને જાવેદ જુણેજાના જંગલેશ્વર સ્થિત ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દીધા બાદ હવે ગમે તે ઘડીએ કુખ્યાત માજીદ ભાણુના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવા તખ્તો ઘડી લેવામાં આવ્યો છે. બીજી બાજુ રાજકોટમાં દાખલ થયેલી પ્રથમ ગુજસીટોકના આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે લાલાના ઘરે થોરાળા પોલીસ અને પીજીવીસીએલ તંત્રની ટીમો ત્રાટકી હતી જ્યાં વીજ ચોરી બદલ દંડનીય કાર્યવાહી કરી થોરાળા પોલીસ દ્વારા ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.
ગત માસમાં રૂખડીયાપરા વિસ્તારમાં પથ્થરમારો કરી ભયનો માહોલ ઉભો કરનાર આરોપી માજીદ ભાણુએ પ્ર.નગર પોલીસની ટીમ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. બાદમાં વધુ એકવાર માજીદને પકડવા ગયેલી પોલીસની ટીમ સાથે ઝપાઝપી કરી માજિદ ભાણુ ફરાર થઈ ગયો હતો. ગુજસીટોક સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ભિસ્તીવાડના માજિદ ભાણુને પકડી લેવાની ઉચ્ચ અધિકારીઓની સૂચનાને પગલે ગત રવિવારના રોજ એસઓજી પી.આઈ. એસ એમ જાડેજા અને એન વી હરિયાણીની ટીમે માજીદ ભાણુને જંગલેશ્વર વિસ્તારથી દબોચી લઈ આવવી ઢબે સરભરા કરતા ભાણુની ભાઈગીરીનું ભૂત ઉતરી ગયું હતું અને ભેંસ માફક ભાંભરડા નાખવા લાગ્યો હતો.
ભિસ્તીવાડનો માજીદ ભાણુ ગેરકાયદે મિલકત ધરાવે છે કે કેમ તે અંગે એસઓજી અને પ્ર.નગર પોલીસ દ્વારા ખરાઈ શરૂ કરવામાં આવી હોય તેવું સામે આવી રહ્યું છે. જે તપાસમાં માજિદનું ભિસ્તીવાડ સ્થિત મકાન ગેરકાયદે હોય અને અગાઉ પણ મનપા દ્વારા નોટીસ આપવામાં આવી હોય તેવું સામે આવ્યું છે. જેથી ગેરકાયદે મકાન પર હવે ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવી દેવામાં આવે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ રાજકોટમાં સૌપ્રથમ ગુજીસીટોક દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા નામચીન ઈમ્તિયાઝ ઉર્ફે લાલા અને તેની ટોળકી સામે થઈ હતી. ત્યારે શહેર પોલીસ દ્વારા હાલ નામચીન ગુનેગારોને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે જે અંતર્ગત એસીપી બી.વી.જાદવ, થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.જી. વાઘેલા, પી.એસ.આઇ .એમ.એસ.મહેશ્વરી સહિતના સ્ટાફે દૂધસાગર રોડ પર હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા ઈમ્તિયાઝ ઉર્ફે લાલાને ત્યાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન અહીં તેના ઘરે વીજ મીટર જ ન હોવાનું અને જીઈબીના તારમાં ચોરી કરતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ બાબતે પીજીવીસીએલની સાથે સંકલન કરી દંડ ફટકારી આ શખસ સામે વીજ ચોરી અંગેનો કેસ કરવા કાર્યવાહી કરી છે. આ ઉપરાંત ચેકિંગ દરમિયાન ચુનારાવડમાં નામચીન બુટલેગર રમા નાગજીભાઈ પરમાર તથા અન્ય બુટલેગર અને ત્યાં પણ ચેકિંગ કર્યું હતું. જેમાં પાંચ વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.