“આ મંદિર ઉત્તર ગુજરાતમાં પ્રસિધ્ધ અને આસનું દેસાઈ રબારી કોમના માતાજી આગબાઈ માતાનું મંદિર હતું”
બપોરના સાડાબાર વાગ્યાનો સમય હતો. ઉંઝા પીઆઈ જયદેવ ઓફિસમાં તુમારી કામ કરી રહ્યો હતો. તેનો રાયટર પુનાજી પણ તેની અલાયદી રૂમમાં લખાપટ્ટી કરી રહ્યો હતો તે દરમ્યાન પુનાજીના મોબાઈલ ફોન ઉપર બાતમીદારનો ફોર આવ્યો કે તાલુકામાં ચાંદીની પાટો આવેલ છે. તેને કબ્જે કરવામાં પોલીસને રસ ખરો ? પુનાજી એ કહ્યુ ” હું પાંચ જ મીનીટમાં સાહેબ સાથે ચર્ચા કરી ને તને રીંગ કરૂ છુ.
રાયટર પુનાજીએ જયદેવને આ બાતમીની વાત કરી. આથી જયદેવે પુનાજીને પુછયુ કયો બાતમીદાર હતો ? આમ તો નિતિમતા અને કાયદેસર રીતે બાતમીદારનું નામ પુછાય નહી પરંતુ પોલીસદળમાં આંતરીક વિશ્ર્વાસ અને સમજુતી ને કારણે વહીવટી સુગમતા ખાતર આવી ચર્ચા થતી હોય છે. પરંતુ તેનો સામાન્ય રીતે કોઈ દુરૂપયોગ કરતુ નથી. આથી પુનાજી એ કહ્યુ “પેલો રામોજી મેં તમને પુછીને ખાસ મંજુરી લઈને તે બાતમીદારને દેશીની પાંચ કોથળી વેંચવાની છુટ આપેલ તે ! જયદેવને હવે યાદ આવી ગયુ.
હવે પ્રથમ પોલીસ ખાતાના ત્રિજા નેત્રની વાત કરીએ. સૌ જાણે છે કે ભગવાન શિવને જે ત્રિજુ નેત્ર છે તેવુ દિવ્ય નેત્ર દુનિયામાં કોઈ માણસને ન હોય કે જેનાથી થઈ થવાનું જાણી શકે. વળી હજુ સુધી વિજ્ઞાન પણ એવુ કોઈ યંત્ર કે મશીન શોધી શકયા નથી કે ચોકકસ બાતમી મળી શકે.
આથી પોલીસદળમાં એક ગુપ્તચર શાખા કે બાતમી શાખા જેને લોકલ ઈન્ટેલીજન્સ બ્રાંચ પણ કહે છે. પરંતુ પરંપરાથી આ શાખાના જવાનો ફક્ત રાજકીય ગતિવિધીની જ બાતમી મેળવી ને રજુ કરતા હોય છે. આથી જિલ્લા કક્ષાએ ક્રાઈમ બ્રાંચ અને પોલીસ સ્ટેશન કક્ષાએ ડી.સ્ટાફ કે સર્વેલન્સ સ્ટાફના જવાનોની આવી બાતમી મેળવવાની કામગીરી રહે છે. પણ આ વિભાગના જવાનો મોટાભાગે પોલીસની સલામતી અર્થે દારૂ જુગારના કેસો શોધવામાં જ મોટાભાગની શકિત વાપરી નાખતા હોય છે. તેમ છ તા અમુક ચાલાક અને નિષ્ણાંત જવાનો અંગત બાતમીદારો રાખતા હોય છે.
આવી ખાનગી બાતમી કે ગુપ્તચર માહિતીના અભાવે જ ગુનેગારો બેખૌફ બનતા હોય છે અને બાતમીના અભાવે જ જનતા પર ચીલઝડપથી લઈ આંતકવાદી હુમલાના ગુન્હા બનતા હોય છે તેથી જ જયારે કોઈ મોટા આંતકવાદી હુમલા થાય અને મોટી જાનહાની થાય ત્યારે પોલીસ ખાતાના બાતમી તંત્ર ઉપર પસ્તાળ પડતી હોય છે રાજય કક્ષાએ સીઆઈડી આઈ.બી. અને દેશ કક્ષાએ સેન્ટ્રલ આઈ.બી. રો સીબીઆઈ, ડી.્રઆર.આઈ વિગેરે એજન્સીઓ જુદા જુદા પ્રકારની બાતમીઓ મેળવતી હોય છે.
જિલ્લા કક્ષાએ પોલીસદળમાં આવા બાતમીદારોને આપવા માટે નાણાનું અલગ નોન ઓડીટેબલ બજેટ હોય છે. આ બજેટની નાણાંકીય જોગવાઈ રાજય સરકારે આતંકવાદી હુમલાઓ બાદ ખુબ જ મોટી રકમમાં વધારી દીધેલ છે પણ તેનો પ્રાયોગીક ઉપયોગ હજુ પોલીસ સ્ટેશન લેવલે થતો જાણ્યો નથી. તે ઉપરાંત બાતમીદારો પોલીસને બાતમી તેમના કાંઈક અંગતહિત માટે જ આપતા હોય છે અને ખાસ પોલીસના સંપર્કમાં રહેવા. પોલીસ તરફથી બાતમીના નાણા મળે તેની ઈચ્છા તેમને નથી હોતી તે તો ઠીક ખબર પણ નથી હોતી કે નાણા મળે થાણા અધિકારી ફોજદાર કે પીઆઈને પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને પોતાની સફળતાનો આંક જળવાય રહે તે માટે બાતમી જરૂરી હોય છે તેથી નાછુટકે બાતમીદારો જેવા હોય તેવા પણ આ સ્વાર્થ ખાતર સમાધાન પણ કરવુ પડતુ હોય છે. બાતમીદારોના જુથમાં સજજન બાતમીદારો કે જેઓ સમાજના હિતમાં બાતમી આપતા હોય તેવા તો જવલ્લે જ જોવા મળે છે બાકી તમામ બાતમીદારો કાંઈ “સાવ દુધે ધોયેલા નથી હોતા કોઈક નો ભુતકાળ દાગી હોય તો કોઈક ને વર્તમાનમાં કાંઈક નાનુ સુનુ આડુ આવતુ ચાલુુતુ હોય છે. તેમ છતા થાણા અમલદાર એ જુએ છે કે સમાજને ઓછામાં ઓછો હાનીકારક કોણ છે અને કાયદો વ્યવસ્થામાં બાતમીદારના નાતે મુશ્કેલી ઉભી કરે તેમ નથી તો જેમ “કાંટાથી કાટો કાઢવામાં સરળતા રહે તેમ બાતમીદારથી પનારો પાડે છે.
અમુક બાતમીદારો પોતાના હરીફ કે દુશ્મનને ઠેકાણે પાડવા માટે પણ બાતમી આપતા હોય છે પણ આવી બાતમી અંગે પોલીસે પુરી તમામ પાસાની ખાત્રી ખરાઈ કરીને કાર્યવાહી કરવાની રહે છે. તો વળી કેટલાક પોતાની જ્ઞાતિના નેતા-આગેવાન બનવા માટે પોલીસ કાર્યવાહીમાં પોતાની કોમના લોકોને મદદરૂપ થવા પણ બાતમીદાર બનતા હોય છે. હવે બાતમીદારની કાયદેસરતા અંગે વિચારીએ તો, પોલીસ પોતાના બાતમીદારનું નામ ખાનગી જ રાખી શકે છે. અદાલત પણ બાતમીદાર અંગે સ્પષ્ટતા માંગતી નથી. વળી ખુન જેવા ગંભીર ગુન્હાઓમાં જો સામેલ આરોપી પૈકી એક આરોપીને તાજનો સાક્ષી કાયદેસર રીતે બનાવીને તેને ગુન્હા અંગે માફી આપવાની કાયદામાં જોગવાઈ હોય તો પછી પોલીસ જાહેરહીતમાં અને સમાજ વિરોધી ગંભીર ગુન્હામાં આવા બાતમીદારને નાની સુની છુટછાટ આપવામાં આવે તો વાંધો નહિ તેમ જયદેવ માનતો અને તેથી રાયટર પુનાજીના કહેવાથી રામોજીને બે પાંચ કોથળી વેચવાની છુટછાટ આપેલી !
ઉંઝાનો આવો પોલીસ બાતમીદાર રામોજી અગાઉ કોઈક લુંટના ગુન્હામાં પકડાયેલ અને તે કેસ કોર્ટમાં છુટી ગયા પછી ઉંઝાના દુધલી દેશ વિસ્તારમાં કરીયાણા અને જનરલ સ્ટોર ચલાવતો હતો. ધંધો ઘણો સારો ચાલતો હતો. પરંતુ સમાજમાં અમુક લોકો એવા પીવાના શોખીન હોય છે કે છાસ લેવા જવુ અને દોરણી સંતાડવી “જેવો વ્યવહાર કરે આવા લોકો કાંઈક પ્રતિષ્ઠિત, સુખી અને સ્વભાવના ગભરૂ અને શરમાળ હોય છે જેથી અમુક આવા ગ્રાહકોએ પીઠા ઉપર જઈને જાહેરમાં ખરીદી કરવાને બદલે ચોરી છુપીથી દેશીની ડીલીવરી માટે આ વેપાર કરતા રામોજીને આ અંગે વાત કરેલી કેમ કે તેના તેઓ નિયમીત ગ્રાહક હતા.
આમ તો રામોજીની જ્ઞાતિ દેશીના ધંધામાં લથબથ હતી પરંતુ રામોજીને એક વખત પોલીસ ખાતાનો અનુભવ થઈ ગયેલ અને વળી હવે કરીયાણાનો પ્રતિષ્ઠિત ધંધો સારો ચાલતો હતો તેથી તેને આ દેશીના વેપલામાં પડવુ વ્યાજબી લાગ્યુ નહિ પરંતુ અમુક ખાસ બે-પાંચ ગ્રાહકોને સાચવી લેવા પોલીસ સાથે બાતમી આપવાની શરતે પાંચ કોથળીની ડીલીવરીની શરૂઆત કરેલ. આ બાતમીદારે દારૂ જુગારની તો અનેક સફળ રેઈડો કરાવેલ અને આ રામોજીએ જ ખંડણી પ્રકરણમાં બુટલેગર વાલીયા અપહરણ કેસની ખુટતી કડીઓ બહારના આરોપીના લોકલ મળતીયા અંગે ની બાતમી આપી હતી જેથી સાચા આરોપીઓ અને પુરાવા પણ મળ્યા હતા.
જયદેવે તેના રાયટર પુનાજીને કહેતો કે દારૂ જુગારના ખુબ કેસો થયા હવે મિલ્કત વિરૂધ્ધના ગુન્હા અને આંતર જિલ્લા ગુન્હેગાર અંગે કાંઈક બાતમી મેળવવા રામોજીને જણાવો.
આજે આ જ બાતમીદાર રામોજીએ પુનાજીને બે નંબરી ચાંદીની પાટો આવ્યાની બાતમી આપતા તેણે જયદેવને વાત કરી. આથી જયદેવે પુનાજીને કહ્યુ બાતમીદારને ફોન લગાડો; પુનાજીએ ફોન લગાડી જયદેવને આપ્યો બાતમીદારે જયદેવને કહ્યું કે એક ભુણાવ ગામનો ભુપેન નામનો જીપ ડ્રાયવર હાલ ઉંઝા ગંજબજારના મુખ્ય દરવાજા પાસે જીપ લઈને ઉભો છે તેણે ચાંદીની પાટો ખાનગીમાં વેચવાની એક વ્યકિતને વાત કરેલ છે.
જયદેવ સરકારી જીપ લઈને તુરત ગંજબજારના મુખ્ય દરવાજા પાસે આવ્યો અને બાતમીદારે જણાવેલ નંબરવાળી જીપ ઝડપી લીધી પણ જીપમાં કે ભુપેન પાસેી ચાંદીની પાટો શું ટુકડો પણ ન મળ્યો. જયદેવે ભુપેનને ચાંદીની પાટો અંગે પુછતા તે ગભરાઈ તો ગયો જ અને પરસેવો વળી ગયો પણ અઢારમી ડ્રાયવર કોમ દૃઢમનોબળની હોય એમ સીધી રીતે થોડો માને ? તેેણે તો કહ્યુ સાહેબ આ તદ્ન જુઠી વાત છે આતો જીપટેક્ષીના ધંધા હરીફાયમાં મને હેરાન કરવા આ કોઈકે બાતમી આપી છે.
જયદેવ સમગ્ર કમઠાણ પોલીસ સ્ટેશને લઈને આવ્યો, ભુપેનને પોલીસની જીપમાં બેસાડી ભુણાવ ગામે આવ્યો પોલીસ જીપ અને ભુપેનને તેના ઘરની સામે જ પણ થોડે દુર વાતચીત કરી શકે નહિ અને સાંભળી પણ ન શકે તે રીતે ઉભા રાખ્યા અને જયદેવે યુકિત પુર્વક ભુપેનની પત્નિ સાથે વાત કરી ચાંદીની પાટો કઢાવી લીધી. આ પાટો પાંચેક કિલોની જુદી જુદી હતી હવે ભુપેન પાસે સત્ય બોલવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
ભુપેને કહ્યુ કે “થોડા દિવસ પહેલા મહેસાણા તાલુકાના દઉ ગામના ત્રણ ઈસમોએ તેની જીપ ભાડે બાંધેલી અને પાલનપુર ડીસાની બાજુમાં ધાનાવાડા ગામે તેમના સંબંધીને ઘરે લઈ ગયેલા. રાત્રે વાળુ પાણી કર્યા પછી મોડેથી મને વાત કરેલી કે તારે કાંઈ કરવાનું નથી ફકત જીપને લઈને થોડે દુર ઉભા રહેવાનું છે આમ લાલચમાં અને જોખમ વગરની કમાણીને કારણે તે તેમની જોડે સહમત થઈ ગયેલો અને ધાનાવાડા ગામની સીમમાં જ દુર એક મંદિર એકલુ જ આવેલ છે કોઈ રહેણાક મકાનો આજુબાજુ નથી તેનાથી મને થોડો દુર ઉભો રાખેલો.
પાછળથી મને ખબર પડેલ કે આ મંદિર તે પંથકમાં ખુબ પ્રસિધ્ધ અને આસ્થાનું દેસાઈ રબારી કોમના માતાજી આગબાઈ માતાનું હતુ. ઉતર ગુજરાતમાં આ દેસાઈ રબારી કોમની ખુબ વસ્તી અને સંગઠન છે પણ તે તો પાછળથી ખબર પડેલી તેથી પણ શું થાય ?
મને થોડો દુર ઉભો રાખી ચારેય જણા મંદિર તરફ ગયેલા મંદિરની કંપાઉન્ડ વોલ ઠેકીને ચારેય જણા અંદર પડેલ અને કોઈક વ્યકિતને માર મારતા હોય અને તે વ્યકિત દેકારો કરતી હોય તેવા અવાજ આવતા હતા પરંતુ થોડીવારે તે અવાજ બંધ થઈ ગયેલ અને અડધા એક કલાકે ચારેય જણા પાછા આવેલ ત્યારે તમામ પાસે થેલા હતા અને તેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ હતી એક વ્યકિત તો ધાનાવાડા ગામનો જ હતો પણ દઉના ઈસમોનો સગો હતો. તેણે થોડે દુર જતા જીપ ઉભી રખાવી એક થેલો લઈ સીમમાં આડાબીડ ધાનાવાડા તરફ ચાલ્યો ગયેલો અને દઉ ગામે આવ્યા બાકીના ત્રણ જણાએ મને ચાંદીની પાટો આપી હતી જે ભાડાને બદલે ઈનામરૂપે હતી. પરંતુ કિંમતી પણ ખુબ હોય મેં કોઈ આનાકાની કર્યા વગર સ્વીકારી લઈ ભુણાવ આવી જાણે કાંઈ બન્યુ જ નથી તેમ ઉંઝા તાલુકામાં પેસેન્જર ભાડા ફેરા કરવા લાગેલો.
બે દિવસ પછી સમાચાર પત્રોમાં વાંચેલુ કે ડીસા પાસેના ધાનાવાડા ગામની સીમમાં આવેલ આગબાઈ માતાના મંદિરમાં બુકાનીધારી ડાકુઓ ત્રાટકયા, પુજારી મહંતને ક્રુર રીતે મારમારી મંદિરનું ગુપ્ત ભોંયરૂ ખોલાવી રૂપીયા અઢી લાખના સોના ચાંદી રોકડ રકમની પડેલી ધાડ. ગુનેગારો આ ગુપ્ત ભોંયરામાં હજુ આગળ વધ્યા હોત તો પૌરાણીક સમયનોને બહુ કિંમતી અને એન્ટીક ખજાનો લૂંટમાં જાત ! પરંતુ આરોપીઓને પ્રથમ પગથીયેથી જ આવડો માલ મળતાં લુંટારાઓ તેનાથી સંતોષ પામીને પાછા વળી ગયા ! જતા જતા મહંતને દોરડાથી બાંધીને નાસી ગયેલા. સમાચાર પત્રોમાં વધારામાં જણાવેલુ કે ગુનેગારો ધંધાદારી હોવા જોઈએ જેથી રાજસ્થાનની મીણાગેંગ કે પાલનપુરની છારા ગેંગ તરફ આંગળી ચિંધાતી હતી. આથી મને શાંતિ થયેલી કે હાશ હવે પોલીસ આ તરફ નહિ ફરકે, તેમ છતા તમે મને પકડી પાડયો !
તે સમયે રાજયમાં રાષ્ટ્રવાદી પાર્ટીની સરકાર હોવા છતા પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ચોર લુંટારાઓ ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી સાધુ સંતોને કાંતો ઈજા કરી અથવા મારી નાખી લુંટો કરતા હતા તેથી વિરોધ પક્ષો અને સમાચાર પત્રો સરકાર ઉપર ખાસ કટાક્ષમય શબ્દોમાં ટીકા કરતા હતા અને પોલીસ ઉપરતો સહજ રીતે માછલા ધોવાતા જ હોય છે. આથી પોલીસદળ આ રાષ્ટ્રીવાદીની સરકારમાં તેમના જ ભકતોને લુંટાતા બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી આરોપીઓને પકડવા દિનરાત મહેનત કરતા હતા.
તે જ રીતે બનાસકાંઠા પોલીસ આ ધાનાવાડા આગબાઈ માતાજી મંદિરની ઘાડના ગુનેગારો ને પકડવા ઉંધે કાંધ થઈ હતી. બનાસકાંઠાના જિલ્લા પોલીસવડા, નાયબ પોલીસવડા, પાલનપુર ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડીસા રૂરલના પીઆઈ અને વિશાળ પોલીસ ફોજ આ રાજસ્થાની ગુનેગારોની પાછળ આબુ રોડમાં મુકામકરી સઘન તપાસ કરી રહ્યા હતા.
ડોગસ્કોડ કે ફોરેન્સીક સાયંસ મોબાઈલ કે ક્રાઈમ બ્રાંચ પણ આ ગુન્હાના આરોપીઓ અંગે ખાસ કાંઈ પ્રકાશ પાડી શકયા ન હતા.
જયદેવે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફોન કરી પુુછયુ કે આવો કોઈ ગુન્હો નોંધાયો છે કે કેમ ? આથી પીએસ.ઓ એ કહ્યુ ” સાહેબ ગુન્હો તો નોંધાયો જ છે અને મંદિર ના મહંત હજુ દવાખાનામાં છે અને જિલ્લાનો પોલીસ કાફલો આરોપીઓ પાછળ રાજસ્થાનમાં છે આથી જયદેવે તેની પાસેથી બનાસકાંઠા પોલીસવડાનો મોબાઈલ ફોન નંબર લીધો અને તેની ઉપર વાત કરી જણાવ્યુ કે પોતે ઉંઝા પીઆઈ બોલે છે અને તેમના ધાનાવાડાનો એક આરોપી ચાંદીનો મુદ્ામાલ, ગુન્હામાં વપરાયેલ વાહન કબ્જે કરી લીધા છે. બીજા આરોપીઓના નામ સરનામા મળી ગયા છે જે મહેસાણાના દઉ ગામના હોવાનું કહેતા પોલીસ વડા ખુશખુશાલ થઈ ગયા અને જયદેવને અભિનંદન પાઠવી જણાવ્યુ કે તમે ખરેખર ખુબ અમુલ્ય અને પ્રશંસનિય કાર્ય કર્યુ છે જેનાથી પોલીસદળ અને સરકાર બંને ને રાહત થશે !
ડીસા રૂરલ પીઆઈ તાબડતોબ ઉંઝા આવ્યા, જયદેવે સીઆર.પી.સી.કલમ ૧૦૨, ૪૧(૧ડી) મુજબ કાર્યવાહી કરેલ તે કાગળો, મુદામાલ, આરોપી અને જીપ સોંપ્યા. ડીસા રૂરલ પીઆઈએ દઉ અને ધાનાવાડાના આરોપીઓને પણ પકડી પાડી મુદામાલ કબ્જે કર્યો.
ફરીથી ઉતર ગુજરાતના સમાચારપત્રોમાં હીરો તરીકે ઉંઝા પોલીસ અને પીઆઈ જયદેવની પ્રસિધ્ધિ અને વાહવાહ થઈ ગઈ.
એ વાત નકકી હતી કે જો ઉંઝાના બાતમીદારે જે બાતમી આપી તે ન આપી હોત તો કદાચ આ ધાનાવાડા આગબાઈ માતામંદિરની લુંટ કયારેય પણ શોધી શકાત નહિ. અને સંભવત: કદાચ આ આરોપીઓ જ ફરીથી ત્યાંજ આક્રમણ કરી ગુપ્ત ભોયરા નો બાકીનો માલ પણ લઈ જાત ! કેમ કે પોલીસ તો ઉતર દિશામાં આબુ રોડમાં મોરચો માંડીને બેઠી હતી અને આરોપીઓ દક્ષિણ દિશામાં મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અલોપ થઈ ગયા હતા.
આ બાતમીદાર રામોજી મારફતે હજુ ઘણી અગત્યની અને કલ્પનાતિત બાતમીઓ મળવાની હતી. જેમાં એક એવી ધંધાદારી ેગેંગ જે સુભાષ ભાસ્કર નાયર ગેંગ તરીકે પાછળથી ઓળખાયેલ તેણે છેલ્લા બારેક વર્ષમાં વડોદરા, ગોધરા, નડીયાદ સુરત, આણંદ, અમદાવાદ વિગેરે શહેરોમાં આંગડીયાઓના ખુન અને મોટી લૂંટોના શિલશિલાબંધ તેર (૧૩) જેટલા ગુન્હા કરેલા અને તમામ વણ શોધાયેલા ગુન્હા એક ઝાટકે શોધાયેલ અને મુખ્ય આરોપીં ગેંગસ્ટર સુભાષ ભાસ્કર નાયરનું આ ગુન્હાઓની તપાસો દરમ્યાન સુરતમાં એન્કાઉન્ટર થયેલુ તે બાતમી પણ તેની જ હતી.
પરંતુ પીઆઈ જયદેવની ઉંઝાની તેમજ મહેસાણા પોલીસ વડાની બદલીઓ બાદ નવા બદલાઈને આવેલા અધિકારીઓએ આ અનેક દુર્લભ બાતમીઓ આપનાર બીતમીદારની કફોડી હાલત કરેલી પોલીસ ખાતાની ખટપટ, ઈર્ષા અને સ્વાર્થવૃતિને કારણે બાતમીદારની હાલત એવી કરેલી કે જીંદગીમાં કયારેય પોલીસને બાતમી આપવાનું તો ઠીક પરંતુ પોલીસ જોડે વાત પણ ન કરે તેવી હાલત કરી નાખેલી.
નિતીમત્તાના ધોરણે ખરેખર બાતમીદારને જાહેર જ ન કરી શકાય તેની જગ્યાએ આ બાતમીદારને ગંભીર ગુન્હામાં મદદગારીમાં પુરાવા વગર ફકત અનુમાનરૂપે સાંયોગીક સંજોગો ઉભા કરી સેસન્સ ટ્રાયલ ગુન્હામાં ફીટ કરી દીધેલ. જયદેવે બદલી વાળી જગ્યાએથી નવા અધિકારીઓને ભલામણ કરેલી કે ન્યાયીક રીતે જાહેરહિતમાં અને પોલીસ ખાતાના હિતને લક્ષમાં લઈ કાર્યવાહી કરો તો સારૂ પણ આરોપી જેલમાં જ ગયેલો પણ અદાલતે પોલીસની આ મનોવૃતિની કડક નોંધ લઈ બાતમીદારને જામીન ઉપર તો ઠીક પણ પોલીસે પાછળથી ઉભા કરેલા કેસમાંથી બાઈજ્જત નિર્દોેષ છોડી પણ દીધેલો.
જયદેવને અફસોસ એ વાતનો હતો કે તેણે પોતે આ કેવુ કાર્ય કરેલ છે ? જનહિતનું ? પોલીસની આબરૂ સાચવવાનું ? કે છેલ્લા કેટલાય વર્ષોથી આંગડીયાઓના બેખૌફ ખુન કરી લુંટ કરનાર સુભાષ ભાસ્કર નાયરની ગેંગનો પર્દાફાસ કરી જનતાની તો સલામતી ખરી પરંતુ સરકારને પણ રાહતનો શ્ર્વાસ લેવડાવેલ તે કાર્ય કેવુ કહેવાય ? હવે ભવિષ્યમાં આવુ કરાય ? આવા અનેક પ્રશ્ર્નો જયદેવના મનમાં ઉદ્ભવતા હતા. જો કે જયદેવને તો મોટી રકમનું ઈનામ મળેલ પરંતુ બાતમીદારનું શું ?
પોલીસ ખાતાના આવા અમુક ઈર્ષાળુ અને સ્વાર્થી અધિકારીઓ અને કર્મચારીઓ તેમની મનોવૃતિને કારણે ખાતાને સરકારને અને આખરે જનતાને પણ ખુબ નુકશાન પહોંચાડતા હોય છે જે કિસ્સો પાછળ પ્રકરણ ૨૨૮-૨૨૯ માં સવિસ્તર વર્ણવેલ છે.