ભ્રષ્ટાચાર અને ક્રિમીનલના નોંધાયેલા ગુનાને કોર્ટમાં પડકારી તપાસ સામે સ્ટે લાવી સાહેદોને પ્રલોભન અને ધમકાવી કેસ રફેદફે કરાતો હોવાનું સુપ્રિમ કોર્ટનું અવલોકન
ભષ્ટાચાર અને ક્રિમીનલ અંગેના ગુના નોંધાયા બાદ આરોપીઓ દ્વારા ગુનાને પડકારી કોર્ટમાં દાદ માગતા અદાલત દ્વારા તપાસ સામે સ્ટે આપવામાં આવે છે અને લાંબી કાનૂની પ્રક્રિયાના કારણે તપાસ અટકી જતી હોય છે તે દરમિયાન આરોપીઓ દ્વારા ફરિયાદીઓને પ્રલોભન અને ધાક ધમકીથી કેસને રફેદફે કરી નાખતા હોવાના અવલોકન સાથે સુપ્રિમ કોર્ટ દ્વારા આવા કેસોમાં છ માસથી વધુ સ્ટે ન આપવાનો મહત્વનો હુકમ કર્યો છે.
ક્રિમીનલ કેસ સામે અદાલત દ્વારા પોલીસ તપાસ સામે અપાયેલા સ્ટે અંગેના એક કેસની સુપ્રિમ કોર્ટના ન્યાયધિશ આદર્શ ગોયેલ, આર.એફ. નરીમાન અને નવીન સિન્હાની ખંડપીઠમાં થયેલી સુનાવણી દરમિયાન ભ્રષ્ટાચાર અને ક્રિમીનલ અંગેના ગુના નોંધાયા બાદ આરોપીઓ કાયદાની છટકબારીનો લાભ લઇ હાઇકોર્ટમાં કોસીંગ માટે દાદ માગતા હોય છે.
અને અદાલત પોલીસ તપાસ સામે મનાઇ હુકમ આપી આરોપીની ધરપકડ ન થાય તેવા હુકમ કરતા હોવાથી તપાસ આગળ ચાલતી અટકી જાય છે.
લાંબા સમય સુધીના કેસની કાર્યવાહી અટકેલી રહે તે દરમિયાન આરોપીઓ દ્વારા ફરિયાદીને ધાક ધમકી દઇને અથવા પ્રલોભન આપીને સમગ્ર કેસને રફેદફે કરી નાખ્યા બાદ કેસને કોર્ટ સમક્ષ લાવી કાર્યવાહી આગળ ધપાવતા હોવાથી મુળ ફરિયાદી ન્યાયથી વંચિત રહેતા હોવાનું સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે. કોર્ટમાં આવતા કોસીંગના કેસમાં છ માસથી વધુ મનાઇ હુકમ ન આપવાનો મહત્વનો હુકમ કર્યો છે.
ક્રિમીનલ કે ભ્રષ્ટાચારને લગતા કેસમાં લાંબા ગાળાના સ્ટેના કારણે ફરિયાદીનો ન્યાય પ્રક્રિયા પરથી વિશ્ર્વાસ ઉઠી જતો હોવાનું પણ ચુકાદામાં ઠરાવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,