કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસના ધંધાર્થીને પોલીસે મજુર બનાવ્યો
કુંટુબીજનો પાસેથી મોટી રકમ મેળવ્યા બાદ હાથ ઉચા કરનાર બાંધકામનો ધંધાર્થી ફરિયાદ નોંધાવવા માટે મજુર બન્યો! ચેક રિટર્નના કેસમાં ફસાતા પોલીસને હાથો બનાવવા પ્રયાસ
શહેરના પોલીસ મથકોમાં વ્યાજના ધંધાર્થીઓ સામે અનેક રાવ મળતી હોવા છતાં ફરિયાદ નોંધવાનું ટાળવામાં આવતું હોવાથી પોલીસ કમિશનર દ્વારા વ્યાજની બદીને નેસ્ત નાબુદ કરવા યોજેલા લોક દરબારમાં અસરગ્રસ્તોનો રાફળો ફાટયો હતો.
પોલીસ કમિશનર દ્વારા ફરિયાદ નોંધવાનું ટાળતા પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે તેવા ડર સાથે પોલીસ મથકનો સ્ટાફ ધડાધડ ફરિયાદ નોંધવાનું શરૂ કર્યુ હોય કોઇ પણ જાતની તપાસ કર્યા વિના જ ગુના નોંધવાનું શરૂ કર્યુ છે. કોલ્ડ સ્ટોરેજ, વેર હાઉસ અને મકાન બંધકામના વ્યવસાય કરનારને પોલીસ દ્વારા મજુર ગણવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા મજુરને રૂ.૬૫ લાખ જેવી રકમ વ્યાજે લેવાની કેમ જ‚ર પડી તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી નથી પોલીસની નજરે મજુર ગણાતા ધનાઢય શખ્સે પોતાના જ પરિવારની વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણા લઇ ચેક રિટર્નના કેસમાં ફસાતા લોક દરબારમાં પહોચી પોલીસને હાથો બનાવી સગા-સંબંધીઓને વ્યાજના કેસમાં ફસાવવાનો કારસો ઘડયાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
પ્રણામી પાર્કમાં રહેતા પોલીસને હાથો બનાવવા મજુર બનેલા વિમલ દામજી ભાલાળાએ પોતાના ફઇના દિકરા નરેન્દ્ર ગોબરભાઇ ગોંડલીયા, પિતરાઇભાઇ રાજેશ જમનભાઇ ભાલાળા અને રતિલાલ જીવરાજભાઇ ભાલાળા સામે રૂ.૬૫ લાખ વ્યાજે લીધા અંગેની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિમલ ભાલાળાને રીબડા પાસેના ભ‚ડી ટોલનાકા પાસે કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસ ધરાવે છે. તેમજ રાજકોટમાં મકાન બાંધકામનો વ્યવસાય કરે છે. તેમ છતાં તાલુકા પોલીસ સ્ટાફે ફરિયાદમાં વિમલભાઇ મજુર હોવાનું જણાવ્યું છે. મજુરને આટલી મોટી રકમ વ્યાજે લેવાની કેમ જરૂર પડી તે અંગેની કોઇ જાતની તપાસ કર્યા વિના જ વિમલ ભાલાળાએ પોતાની જાતને મજુર કહ્યો અને તાલુકા પોલીસે તેને મજુર ગણી લીધો તે પણ આશ્ચર્યની બાબત છે.
વિમલ ભાલાળાએ વ્યસાયે એડવોકેટ અને ફઇના પુત્ર થતા નરેન્દ્રભાઇ ગોંડલીયા પાસે રૂ.૨૦ લાખ માસિક અઢી ટકા વ્યાજે લીધા હતા. તે અંગે કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ થતા રૂ.૩૦ લાખની કિંમતના પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. વિમલ ભાલાળાએ પોતાના ખાસ મિત્ર એવા રતિલાલ વિરડીયા પાસેથી રૂ.૨૦ લાખ માસિક અઢી ટકાના વ્યાજના દરે લીધા હતા. રતિલાલ વિરડીયાએ પણ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ કરી છે. વિમલ ભાલાળાએ પોતાના પિતરાઇ રાજેશ ભાલાળા પાસેથી રૂ.૨૫ લાખ માસિક અઢી ટકાના વ્યાજના દરે લીધા બાદ રાજેશ ભાલાળાને વાવડીમાં એક પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. તાલુકા પોલીસ સ્ટાફે ત્રણેય સામે વ્યાજ અંગેનો ગુનો નોંધ્યો છે.
કુવાડવા રોડ પર આવેલા નવાગામ રહેતા જયંતીભાઇ વિરમભાઇ માખેલાએ નવાગામના અમુ કાનજી કોળી પાસેથી રૂ.૩ લાખ માસિક દસ અને આઠ ટકાના વ્યાજે લીધા બાદ રૂ.૫ લાખ ચુકવી દીધા હોવા છતાં ત્રણ લાખની માગણી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગાંધીગ્રામ વિસ્તારના ગાંધીનગરમાં રહેતા અને જાગનાથ પ્લોટમાં હમજોલી ટેઇલર્સ નામની દુકાન ધરાવતા આશિષ કાંતીલાલ ગોહેલે રેલનગરમાં રહેતા જતીન ગોહેલ પાસેથી રૂ.૧.૬૦ લાખ માસિક ચાર ટકા વ્યાજે લીધા અંગેની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આશિષ ગોહેલે કટકે કટકે વ્યાજ સહિત રકમ ચુકવી દીધી હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
રાજકોટ તાલુકાના હડમતીયા ગામે રહેતા રણછોડ અરજણભાઇ બાવળીયાએ નવાગામ આણંદપર ગામના નરશી જેરામ બાવળીયા અને જગદીશ નરશી બાવળીયા પાસેથી રૂ.૪ લાખ માસિક દસ ટકા વ્યાજે લીધા હતા. વ્યાજ સહિત રકમ ચુકવી દીધી હોવા છતાં વધુ રૂ.૪૦ હજારની ઉઘરાણી કરતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.