મકાનમાં તોડફોડ કરનાર શખ્સોની ઓળખ છુપાવી પોલીસને ધંધે લગાડયા’તા
સાંપ્રત સમયમાં આરોપીઓ સામે ગુના દાખલ થયા બાદ આરોપીઓ ફરિયાદીને દબાણ લાવવા માટે કેવા કેવા કીમિયા કરતા હોય છે, તે જૂનાગઢ શહેરમાં બનેલ કિસ્સા પરથી પ્રકાશમાં આવ્યું છે.
જૂનાગઢ શહેરના સરદારબાગ પાછળ આવેલ ખ્વાજા એપાર્ટમેન્ટમા રહેતા ૨૯ વર્ષીય ફરિયાદી આશિફભાઈ ઇકબાલભાઈ શેખને તેના પાડોશી આરોપી સરફરાજ ઉર્ફે ડાબરો એ પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બોલાવી, રૂપિયાની માંગણી કરી, લોખંડના પાઇપથી માર મારી ઇજા કરી, ફરિયાદીના પત્ની છોડાવવા વચ્ચે પડતા, તેને પણ માથાના ભાગે માર મારી, ઇજાઓ કરી, ફરિયાદીના પેન્ટમાં ખિસ્સામાં રાખેલ રોકડ રૂ. ૩૭૫૦ ની લૂંટ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાબતની ફરિયાદ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
લૂંટ જેવા ગુન્હાની ગંભીર ફરિયાદના આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.એચ. કોરોટ તથા સ્ટાફની ટીમ દ્વારા આ ગુનાના ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી, આરોપી સરફરાજ ઉર્ફે ડાબરો ગુલામનબી બુખારીને રાઉન્ડઅપ કરી, ધરપકડ પણ કરી લેવામાં આવેલ હતી.
પરંતુ આરોપી સરફરાજ ઉર્ફે ડાબરો પકડાયા પહેલા સાંજના સમયે આરોપી સરફરાઝની માતા તહેરાબેન ગુલામનબી સૈયદએ જુનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનથી જાણ કરેલ કે, પોતાના ઘરે ચાર પાંચ અજાણ્યા માણસો આવી અને ઘરમાં તોડફોડ કરેલ છે, તો તાત્કાલિક પોલીસ મોકલો. જેથી, આ બાબતે પણ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, સી ડિવિઝન પોલીસ સ્ટેશન લાવી, જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એચ. કોરોટ તથા સ્ટાફની ટીમ દ્વારા આરોપી સરફરાજ ઉર્ફે ડાબરો, તેની માતા તાહેરાબેન તથા તેની ભાભી આઇશાબેન મગબુલ ગુલામનબી બુખારી, વગેરે કુટુંબીજનોની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
પ્રથમ આ તમામે કોઈ અજાણ્યા માણસોએ આવી, તોડફોડ કરેલાનું રટણ ચાલુ રાખેલું હતું. પરંતુ પૂછપરછ દરમિયાન જ આરોપી સરફરાજ ઉર્ફે ડાબરો પણ હાથમાં આવી જતા, તેને રાઉન્ડ અપ કરી, તમામને સાથે રાખી, અલગ અલગ પોલીસની ભાષામાં પૂછપરછ કરવામાં આવતા, આરોપી સરફરાજ તથા તેની માતા તહેરાબેન સહિતના તમામ પોલીસ પૂછપરછમાં ભાંગી પડેલા અને ફરિયાદીને દબાણમાં લાવવા માટે શહેરના સુખનાથ ચોક, નુરી મસ્જિદ પાસે રહેતા પોતાના મામા શબ્બીર સુલેમાન મુખાસીન સાથે મળી અને જાતે મળી ઘરનો સરસામાન તેમજ ટીવીની તોડફોડ કરી અને ફરિયાદ કરવાનું નક્કી કરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી.
જો કે, આરોપી સરફરાઝ અને તેના ઘરના સભ્યોની કબુલાતથી પોલીસ પણ ચોંકી ગયેલ હતી. લૂંટના ગુન્હામાં ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરતા, આરોપી સરફરાઝ ઉર્ફે ડાબરો સૈયદએ પોતાના મામા શબ્બીર આરબ સાથે મળીને જાતે તોડફોડ કરવા બાબત પુરાવાઓ પણ મળી આવતા, આરોપીના મામા શબ્બીર સુલેમાન મુખાસીનને પણ પોલીસ સ્ટેશન લાવી, સી ડિવિઝન પોલીસ દ્વારા આરોપી સરફરાજ, તેની માતા તાહેરાબેન તેના મામા શબ્બીરભાઈ આરબ સહિતના તમામ વિરુદ્ધ અલગથી પોલીસને ખોટી માહિતી આપી ધંધે લગાડવા બાબત ગુનો નોંધી ધરપકડ કરવામાં આવેલ હતી.
આમ જૂનાગઢ પોલીસની તાત્કાલિક અને ઝીણવટ ભરી તપાસના કારણે આરોપી પક્ષે ફરિયાદીને દબાણ લાવવા માટે પોતાની જાતે પોતાના ઘરમાં તોડફોડ કરી અને ફરિયાદ કરવા પેરવી કરેલી હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી.