બ્લોસમ એપાર્ટમેન્ટની ગેલરીના ગેરકાયદેસર બાંધકામ વખતે સ્લેબ તૂટી પડતા દુર્ઘટના સર્જાઇ હતી : ઘવાયેલા મજૂરની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી બિલ્ડર, કોન્ટ્રાક્ટરની પૂછપરછ હાથધરી

રાજકોટના જીવરાજપાર્ક અંબિકા ટાઉનશીપમાં આવેલ બ્લોસમ એપાર્ટમેન્ટની ગેલેરીનું ગેરકાયદેસર બાંધકામ કરતી વેળાએ સર્જાયેલી દુર્ધટનામાં બે મજૂરના મોત નિપજ્યા હતા. જે બનાવમાં બિલ્ડર અને કોન્ટ્રાક્ટર દ્વારા કોઇપણ પ્રકારના સાધનો આપ્યા વગર ગેરકાયદેસર બાંધકામ કરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે બેદરકારીથી બે મજૂરના મોત નિપજાવવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપમાં આવેલ બ્લોસમ એપાર્ટમેન્ટમાં ગેલેરીનું ગેરકાયદેસર બાંધકામ કરતી વેળાએ ત્રાપા ટેકા ખોલવા જતા પાંચમા માળનો સ્લેબ તૂટી પડતા મજૂરી કામ કરતા માયાણી ચોક ચામુંડાનગરમાં રહેતા રાજેશ ખુશાલ સાગઠીયા (ઉ.35) અને નાનમવા રોડ દેવનગર-1માં રહેતા પ્યારેલાલ ઉર્ફે શિવો રામશંકર ચૌહાણ (ઉ.22)નું મૃત્યુ નિપજ્યું હતું.

આ દુર્ઘટનામાં ગેલેરીનું ગેરકાયદેસર બાંધકામ કરાવતી વેળાએ બિલ્ડર કે કોન્ટ્રાક્ટરો દ્વારા બિલ્ડીંગના કોઇપણ માળે સેફ્ટી નેટ કે મજૂરી માટે કોઇપણ પ્રકારના સેફ્ટીના સાધનો આપ્યા વગર બાંધકામ કરાવી બેદરકારી રાખી બાંધકામ વખતે ચોાથા માળે ત્રાપા ટેકા ખોલતી વખતે ગેરકાયદેસરનો સ્લેબ તૂટી પડ્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.

તાલુકા પોલીસે દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા દેવનગર શેરી નં.1માં રહેતા પરપ્રાંતિય શ્રમિક સુરજ ઓજારીરામ (ઉ.25)ની ફરિયાદ પરથી બ્લોસમ એપાર્ટમેન્ટના બિલ્ડર અને પેટા કોન્ટ્રાક્ટર સામે બેદરકારી રાખી બે મજૂરના ભોગ લેવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળ્યા પ્રમાણે બ્લોસમ બિલ્ડીંગના બિલ્ડર ધીરૂ પટેલ હોવાનું અને કોન્ટ્રાક્ટર પ્રશાંત ઉર્ફે પ્રિયાંક પાંચાણી અને પેટા કોન્ટ્રાક્ટર તરીકે દીપ જાવીયા કામ કરતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે તાલુકા પોલીસે ત્રણેય શખ્સોની સઘન પૂછપરછ હાથ ધરી છે.

આ ઘટનાની તપાસ તાલુકા પોલીસ મથકના પી.આઇ. જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. વી.પી. આહિર ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.