સબંધ રાખવા દબાણ કરતો હોવાથી યુવતીએ સગાઈ ના બીજા દિવસે ગળાફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું
અબતક, રાજકોટ
રાજકોટમાં મોરબી રોડ પરની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતી રાજલ નામની 26 વર્ષની યુવતીને પાડોશમાં રહેતો મૌલિક ધીરજલાલ પંચાસરાનામનો ધરાર પ્રેમી સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાથી યુવતીએ દસ દિવસ પૂર્વે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની જાણ પોલીસને થતા પોલીસે પ્રેમી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ ગત તા.10 ના રોજ રાજલે પોતાની ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં તેના પિતા અજરામભાઈ પટેલએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે તે મુળ ટંકારાના ભુત કોટડા ગામના વતની છે. ગ્રીન લેન્ડ ચોકડી નજીક શ્રીરામ પાર્ક શેરી નં-1 માં બહુચર રેફ્રીજરેશન નામે ફ્રીજ બનાવવાનું અને રીપેરીંગનું કામ કરે છે. તેની સૌથી નાની પુત્રી રાજલના લગ્ન બાકી હતા. ત્રણેક માસ પહેલા એટલે કે ગઈ તા.22-10-2021 ના રોજ કાલાવડ રોડ પરની સદગુરૂ સોસાયટી શેરી નં-3માંરહેતા કુલદીપ ભાગીયા સાથે રાજલની સગાઈનું નક્કી કરી જલ દીધુ હતું. ત્યારબાદ ગઈ તા.8- ફેબ્રુઆરીના રોજ પોતાના વતનમાં બંનેની સગાઈ રાખી હતી.સગાઈ બાદ રાજલ સતત ચિંતામાં રહેતી હતી.
ગઈતા. 10ના રોજ ડોકટરને બતાવી ઘરે આવ્યા બાદ તે અને રાજલ જમ્યા હતા. આ પછી તે પોતાના કારખાને જતા રહ્યા હતા. પાછળથી રાજલે ઉપરના માળે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની પત્ની નીમુબેન અને પુત્રવધુ અશ્મિતાબેન રાજલને ઉઠાડવા ગયા ત્યારે ઘણી વખત દરવાજો ખટખટાવવા છતાં ખોલ્યો ન હતો. રાજલે અંદરથી મોટા અવાજે એટલુ કહ્યું હવે આ મને જીવવા નહી દે. રાજલે દરવાજો નહી ખોલતા પાડોશીની બાલ્કનીમાંથી બારીનો કાચ હથોડીથી તોડી અંદર જોતા રાજલ પંખા સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી મળી આવી હતી.
બાદ પોલીસ તપાસમાં મોબાઈલ ફોન ચકાસતા તેમાં જે દિવસે આપઘાત કર્યો તે દિવસે પાડોશમાં રહેતા મૌલિક ધીરજલાલ પંચાસરાના ઘણા બધા ફોન, મિસ્ડ કોલ, વિડિયો કોલ અને ટેક્ષ્ટ મેસેજ જોવા મળ્યા હતા.જે વાંચતા ખબર પડી કે મૌલિક તેની પુત્રી રાજલને ફોન કરવા, ફોન રીસવ કરવા અને રીપ્લાય આપવા અને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો, જેની સામે તેની પુત્રી રાજલે મારી સગાઈ થઈ ગઈ છે તો મને હવે હેરાન કરવાનું બંધ કર અને મને જીવવા દે તેવા મેસેજ કર્યા હતા.
ત્યારબાદ પાડોશીઓ પાસેથી પણ જાણવા મળ્યુ કે આપઘાતના દિવસે એટલે કે ગઈ તા.10 ના રોજ ત્રણેક વાગ્યે બપોરે મૌલીક તેના ઘર પાસે જઈ રાજલનું નામ લઈ પોતાને ફોન કરવા અને ફોન ઉપાડવા માટે બુમો પાડતો હતો. એટલુ જ નહી જો ફોન નહી ઉપાડે તો હું તારા બાપાને ફોન કરીશ, મારી ઉપર બહુ મોટી ઓળખાણ છે, મારૂ કોઈ કાંઈ નહી કરી લે તેમ કહી દબાણ કરતો હતો. આ માહિતી બાદ રાજલે પાડોશી મૌલિકના ત્રાસથી આત્મહત્યા કર્યાનું તપાસમાં ખુલતા પોલીસે મૌલિક સામે આત્મહત્યાની ફરજ પાડવાનો ગુનો નોંધી તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે