ભોગ બનનાર માતા-પિતા પેટીયુ રળવા ગયાને નરાધમ શખ્સે કૃત્ય આચરતા કિશોરી બની ગર્ભવતી
મહુવામાં રહેતા શ્રમજીવી પરીવારના માતા-પિતા પેટીયું રળવા માટે બહારગામ ગયા હતા. તેઓ ઉપલેટાથી પાંચ-છ દિવસ પૂર્વે જ મહુવા પરત ફર્યા ત્યારે પોતાની સગીર દીકરીનું પેટ ઉપસેલુ લાગતા પેટમાં ગાંઠ હશે તેમ માની તબીબી સારવાર માટે ડોકટર પાસે ગયા હતા અને તબીબે બાળાને તપાસતા તેણી ગર્ભવતી હોવાનું ખુલવા પામ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે બાળાની પુછતાછ કરતા તેણીએ પોતાની આપવીતી પોલીસને જણાવી હતી.
મહુવા પોલીસ મથકનાં પીઆઈ એસ.એમ.વારોતરીયાએ સ્ટાફ સાથે હોસ્પિટલમાં પહોંચી ૧૩ વરસની સગીરાની પુછતાછ કરતા કાચી વયે ગર્ભવતી બનેલ બાળાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમના માતા-પિતા કમાવવા માટે ઉપલેટા બાજુ ખેતીકામે ગયા હતા અને તેણી દાદીની સંભાળ માટે ઘરે રહી હતી.
આજથી ચાર મહિના પહેલા રાત્રીના તેણી દાદીની પાસે સુતી હતી ત્યારે કોઈ અજાણ્યો શખ્સ મોઢે ‚માલ બાંધી ઘરમાં પ્રવેશ્યો હતો અને બાળાના મોઢે ડુચો નાખી મોઢું અને હાથપગ બાંધી ખંભે ઉચકીને ઘરની બહાર ઘણે દુર લઈ ગયો હતો અને પછી મારા પર દુષ્કર્મ આચર્યુ હતુ પછી પરત ઘરે મુકી ગયો હતો તેણીએ અંતમાં જણાવ્યું હતું. મહુવા પોલીસે સગીરાનું નિવેદન લઈ આગળની તપાસ હાથધરી છે.