બાઈક ડિટેઈન કરતા નશામાં હોમગાર્ડ જવાન ભાન ભૂલ્યો
જૂનાગઢના હોમગાર્ડ જવાનનું બાઈક પોલીસે પકડતા રઘવાયા થયેલા હોમગાર્ડ જવાને નશામાં ચકચૂર થઇ પોલીસ સ્ટેશન પહોંચી, પોલીસ સ્ટાફ સાથે ગાળાગાળી કરી, નીકળી ગયા બાદમાં રોડ પર જઈ શરીર પર કેરોસીન છાંટી, ખેલ કરતા, પોલીસે આ હોમગાર્ડ જવાનને પકડી પાડી, ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ એ ડિવિઝન પોલીસની પીસીઆર વાને રાત્રિના વખતે એક બાઈક પકડી હતી, અને પોલીસ સ્ટેશને લવાઈ હતી, જે ગાડી જુનાગઢ હોમગાર્ડમાં ફરજ બજાવતા કિરીટભાઈ છગનભાઈ જોટંગીયાની હોય, હોમગાર્ડ જવાનને ગાડી છોડી દેવા પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો, પરંતુ પોલીસે તેને કાયદેસરની કાર્યવાહી કરી હતી અને થોડી વારમાં ગાડીના ચાલકો આવી જતા ત્રિપલ સવારી માટે રૂ ૧૦૦નો દંડ કરી જવા દેવાયા હતા. પરંતુ બાદમાં નશાની હાલતમાં હોમગાર્ડ જવાન કિરીટ છગનભાઈ જોટંગીયા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસ સાથે ગાળાગાળી કરી, હું મરી જઈશ ને તમારું નામ લખતો જઇશ, તમને નહી છોડુ… તેમ કહી, ત્યાંથી નીકળી ગયો હતો.
હોમ ગાર્ડ જવાનની આ હરકતથી પોલીસ આ શખ્સને શોધવા નીકળી હતી, ત્યારે કિરીટ જોટંગીયા માલીવાડ રોડ પર હાથમાં કેરોસીનના કેન સાથે અને તેણે કપડા પર કેરોસીન છાટેલ હાલતમાં મળી આવ્યો હતો, આથી તેને પકડી પોલીસ મથકે લવાયો હતો અને પાંચ બોલાવી કપડા બદલી, પોલીસની ફરજમાં રૂકાવટ તેની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ બનાવની વધુ તપાસ પીએસઆઈ ઊંજિયા ચલાવી રહ્યા છે.