- નવ રેન્જ આઇજી, ચાર પોલીસ કમિશ્ર્નર, સીઆઈડી ક્રાઇમના વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
- કાયદો વ્યવસ્થાની સ્થિતિ, સાયબર ક્રાઇમના ગુનામાં ધરખમ ઉછાળો, મહિલા સુરક્ષા, દરિયાઈ સુરક્ષા સહિતની બાબતોએ ચર્ચા
- રાજ્ય પોલીસવડાનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું
ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે રાજ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ રહી છે. જેમાં નવ રેન્જ આઈજી, ચાર પોલીસ કમિશ્નર, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના એસપી, કોસ્ટલ રેન્જના આઈજી, સીઆઈડી ક્રાઇમના વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે. આ કોન્ફરન્સમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સાયબર ક્રાઇમના ગુનામાં ધરખમ ઉછાળો, મહિલા સુરક્ષા, ગુનાખોરીનો ગ્રાફ, દરિયાઈ સુરક્ષા સહીતની બાબતે નોટ રીડિંગ યોજાનાર છે.
રાજકોટ ખાતે યોજાઈ રહેલી ક્રાઇમ કોન્ફરન્સ માટે રાજ્ય પોલીસવડાનું પોલીસ કમિશ્નર કચેરી ખાતે આગમન થતાં ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત આપવામાં આવ્યું હતું. ક્રાઇમ કોન્ફરન્સમાં સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, વડોદરા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર, ભાવનગર રેન્જ ગૌતમ પરમાર, જૂનાગઢ રેન્જ નિલેશ જાજડિયા, બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજયના પોલીસ વડા વીકાસ સહાય આજે વધુ એક વખત રાજકોટ આવ્યા છે. ડીજીપી તરીકે ચાર્જ લીધા બાદ વિકાસ સહાય ગત મે-2023માં પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ રાજકોટ ખાતે યોજી હતી. ત્યાર બાદ દોઢ વર્ષ પછી ફરી રાજકોટ ખાતે રાજય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં પ્રથમ વખત ગુજરાત સ્ટેટની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ છે. જેમાં ગુજરાતના ચારેય મહાનગરના પોલીસ કમિશ્નર તેમજ 9 રેન્જ આઈજી તેમજ સી.આઇ.ડી. ક્રાઇમ, ટેકનિકલ સેવાઓ, કોસ્ટલ સિક્યુરિટીના વડાઓ ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા તેમજ મંદિરો તેમજ ગેસ પ્લાન્ટની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા અણઉકેલ બનાવોમાં પોલીસે કરેલી કામગીરી બાબતે ચર્ચા કરી તેની સમીક્ષા કરવામાં આવી છે.