- ટીપીઓ એમ.ડી.સાગઠીયાને ચાલુ મીટીંગમાંથી ઉઠાવી લેતી ક્રાઇમ બ્રાન્ચ
અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 30 નિર્દોષ જીવ જીવતા ભડથું થયાં બાદ સરકાર એક્શન મોડમાં છે. આ હૃદય કંપાવનારી ઘટનામાં જવાબદાર એકપણ શખ્સને નહિ છોડાય તેવા કોલ બાદ સતત નીચલા કર્મચારીઓથી માંડી ઉચ્ચ અધિકારીઓની આકરી પૂછપરછ અને તેમની ભૂમિકા અંગે તપાસ કરાઈ રહી છે. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર ઓફિસર એમ ડી સાગઠીયાને કોર્પોરેશન કચેરીની કોન્ફરન્સ હોલમાં ચાલી રહેલી બેઠકમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉપાડી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. સાથોસાથ મનપાના ડેપ્યુટી ફાયર ઓફિસર બી જે ઠેબાને પણ ક્રાઇમ બ્રાન્ચે તેડું મોકલતા તેઓ પણ ક્રાઇમ બ્રાન્ચે પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ બાબત છે કે, હાલ તો આ બંને અધિકારીઓને નિવેદન અર્થે બોલાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર નિવેદન બાદ ગમે ત્યારે ધરપકડ થવાના એંધાણ છે.
પ્રાપ્ત વિગત અનુસાર અગ્નિકાંડની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત બસિયાની વડપણ હેઠળ એસઆઈટીની રચના કરવામાં આવી છે. ત્યારે એસઆઈટી તમામ મુદે તપાસ કરી રહી છે અને સતત ઘટના પાછળ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ તેમજ તેમની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે. તેવા સમયે મનપાના ટીપીઓ એમ ડી સાગઠીયા મનપા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશ્નરે બોલાવેલી બેઠકમાં હાજર હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કોર્પોરેશન કચેરી ખાતે દોડી ગઈ હતી અને ચાલુ બેઠકમાંથી ફિલ્મી ઢબે ટીપીઓ સાગઠીયાને ઉપાડી ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર હાલ તો ટીપીઓ સાગઠીયાને પૂછપરછ અને નિવેદન માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા છે અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી છે. સાથોસાથ ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી જે ઠેબાને પણ તેડું મોકલાતા તેઓ પણ સાગઠીયાને ઉઠાવી લીધાની ગણતરીની મિનિટોમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર થતાં કંઈક મોટા કડાકા ભડાકાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
ઉલ્લેખનીય બાબત છે કે, ટીપીઓ સાગઠીયા છેલ્લા 25 વર્ષથી મનપા કચેરીની ટીપી શાખામાં ફરજ બજાવી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષથી તેઓ ઇન્ચાર્જ ટીપીઓ તરીકે કાર્યરત હતા. એકાદ વર્ષ પૂર્વે જયારે કાયમી ટીપીઓની નિમણુંક કરવાની હતી ત્યારે શહેરભરમાં ટીપીઓ પદ માટે લાયક ફક્ત બે જ લોકો હોવાનું સામે આવ્યું હતું. તેમાં પણ ફક્ત એમ ડી સાગઠીયાએ જ ટીપીઓ પદ માટે અરજી કરતા ટીપીઓનો તાજ તેમના શિરે મુકાયો હતો.
ઉપરાંત ડેપ્યુટી ફાયર ઓફિસર બી જે ઠેબા પણ લાંબો સમય સુધી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવી ચુક્યા છે અને સંભવત: ગેમઝોન શરૂ થયો ત્યારે પણ બી જે ઠેબા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે કાર્યરત હતા તેવું સૂત્રો જણાવી રહ્યા છે એટલે બી જે ઠેબાને પણ તેડું મોકલ્યાની વિગતો મળી રહી છે.
અત્યંત નોંધનીય બાબત છે કે, પોલીસ સૂત્રો એવુ જણાવી રહ્યા છે કે બંને અધિકારીઓની પૂછપરછ બાદ તેમની શંકાસ્પદ ભૂમિકા અનુસંધાને ધરપકડ કરી લેવામાં આવે તેવો ઘાટ ઘડાયો છે. ત્યારે હવે આ માહિતી કેટલી હદે સાચી છે કે ખોટી એ તો સમય આવ્યે જ ખ્યાલ આવશે પરંતુ અગ્નિકાંડમાં મોટા કડાકા ભડાકાની શરૂઆત થઇ ચુકી છે તેવું ચોક્કસ કહી શકાય છે.
મ્યુ. કમિશનરે બોલાવેલી બેઠકમાં ચીફ ફાયર ઓફિસર ખેર ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક
આજે મનપા કચેરીની કોન્ફરન્સ હોલ ખાતે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર ડી પી દેસાઈએ તાકીદે ઘટના સંબંધે એક બેઠક બોલાવી હતી. જે બેઠકમાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા પરંતુ ચીફ ફાયર ઓફિસર આઈ વી ખેર ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક ઉદભવ્યા છે. મનપા કમિશ્નરની બેઠકમાં ગેરહાજર ચીફ ફાયર ઓફિસર કોઈનો ફોન પણ નહિ ઉપાડતા હોવાથી શું તેમને પણ પૂછપરછ સંબંધે બેસાડી રાખવામાં આવ્યા હોય તેવું અનુમાન છે.
સસ્પેન્ડેડ અને બદલી પામેલા તમામ અધિકારીઓને ડીજીપી ઓફિસનું તેડું
અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા મનપાના એટીપી, એન્જીનીયર, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જીનીયર, બે પીઆઈ સહીત સાત અધિકારીઓને ડીજીપી ઓફિસથી તેડું મોકલવામાં આવ્યું હોય તેવા અહેવાલ છે. આ તમામ અધિકારીઓની ડીજીપી ઓફિસ ખાતે પૂછપરછ કરવામાં આવનાર હોય તેવી માહિતી મળી રહી છે. ઉપરાંત ઘટનાના પડઘાને પગલે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, એડિશનલ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી અને ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈને પણ ડીજીપી ઓફિસથી તેડું મળ્યાનું જાણવા મળ્યું છે. આ અધિકારીઓની પણ ડીજીપી ઓફિસ ખાતે પૂછપરછ થઇ શકે છે.