રાંદેરમાં વૃદ્ધાને માર મારી સોનાની ચેઇન લૂંટનાર 2 રીઢા સ્નેચરે દવાખાને જવાનું કહી કારખાનેદાર-મિત્રની બાઇક લીધી હતી.
હીરાના કારખાનેદાર અને મિત્રની પાસે બાઇક દવાખાને જવાનું કહીને લઈ જઈ ચેઇન સ્નેચીંગ કરતા બે રીઢા ગુનેહગાર પકડાયા હતા. આ બંને ચેઇન સ્નેચરોને ક્રાઇમબ્રાંચે કતારગામ સરદાર હોસ્પિટલ પાસેથી પકડી પાડ્યા છે. બંને ચેઇન સ્નેચરો અગાઉ હીરાના કારખાનામાં નોકરી કરતા હતા. જેથી કારખાનેદારે બંનેને દવાખાને જવા બાઇક આપી હતી. બંને રીઢાચોરો છે અને 2 વાર પાસાની સજા પણ થયેલી છે. અગાઉ વાહનચોરી, ચેઇન સ્નેચીંગ, અપહરણ અને ચોરી જેવા ગંભીર 10 ગુનાઓમાં પકડાયા હતા.રાંદેરમાં વૃદ્ધ મહિલાને માર મારી સોનાની ચેઇન લૂંટી લેવાના ગુનામાં પણ આ બંને આરોપી સામેલ હતા ઉપરાંત અડાજણ, પાલ સહિતના 6 ગુનાઓ ઉકેલાયા છે. બંને ચેઇન સ્નેચરો પાસેથી 4 સોનાની ચેઇન, બે ચોરીના બાઇક, બે મોબાઇલ મળીને 3,61,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
બંને ચેઇન સ્નેચરો મોટેભાગે રાંદેર, પાલ, અડાજણમાં એકલી મહિલાને ટાર્ગેટ કરતા હતા. ખુલ્લા રોડ હોવાથી ભાગવામાં પણ આસાની રહે તે માટે તેવા જ વિસ્તારો પસંદ કરતાં હતા. પકડાયેલામાં કૃણાલ વિઠ્ઠલ વડવાલે(26)(રહે.લક્ષ્મીનગર સોસા,ચોકબજાર,મૂળ. મહારાષ્ટ્ર) અને કિશન ભરત વાટુકીયા(23)(રહે,વિશાલ નગર સોસા, વેડરોડ,મૂળ રહે,ધંધુકા, અમદાવાદ)એ છેલ્લા બે માસમાં 6 સ્નેચીંગ કરી હોવાની કબૂલાત કરી છે.