રાજકોટમાં જામનગર રોડ પર આવેલી જમાવડા હોટેલ સામે ગત શનિવારે ખંઢેરી ગામે રહેતા પ્રકાશ કાનાભાઈ સોનારાની માથામાં પાઈપના ઘા ઝીકી હત્યા કરી ભાગી ગયેલા નામચીન રામદેવ ડાંગર સહિતના ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાંચની ટીમે કચ્છના અંજારમાંથી ઝડપી લીધા છે.
ઉલેખનીય છે કે,આ કેસની ફરિયાદમાં આરોપી તરીકે રામદેવના ભાઈ મહિપતનું નામ અપાયું હતું. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા મહિપતને બદલે રામદેવનાસંડોવણી ખુલી હતી.
આરોપી રામદેવના કાકા સાથે મૃતકને જમીનના મામલે માથાકૂટ થતા કુહાડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો
બનાવની વિગતો મુજબ મૃતક પ્રકાશના ભાઈ વિજયે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે મર્ડરના આગલા દિવસે તેના ભાઈને ગામમાં રહેતા રામદેવ સાથે શંકર ભગવાનના મંદિરે પુજા કરવા બાબતે ઝઘડો થયો હતો. જેના સમાધાન માટે રામદેવે તેના ભાઈને જમાવડો હોટલ પાસે બોલાવી ત્યાં તેના ભાઈના માથામાં હથિયારોના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે રામદેવ તેના ભાઈ મહિપત અને ઘંટેશ્વરના સતિષ મેરામભાઈ બાલાસરા સામે ગુનો નોંધ્યો હતો.આ ત્રણેય આરોપીઓને પકડવા યુનિવર્સિટી પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની પાંચેક ટીમોને કામે લગાડાઈ હતી.જ્યારે પીઆઈ બી.ટી. ગોહિલને મળેલી માહિતીના આધારે આરોપી રામદેવ, તેના પિતરાઈ જનક (રહે. ગાંધીગ્રામ, જીવંતિકાનગર શેરી નં.૩) અને સતિષને ક્રાઈમ બ્રાંચની ટીમે કચ્છના અંજારથી ઝડપી લઈ એક સ્કોર્પિયો કબ્જે કરી હતી.
ત્રણેય આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી રામદેવના કાકા પોલાભાઈ ડાંગર સાથે મૃતક પ્રકાશને જમીન બાબતે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. જેમાં રામદેવ કાકા પોલાભાઈને સપોર્ટ કરતો હોવાથી પ્રકાશને ગમતું ન હતું. જેને કારણે બંને વચ્ચે તકરાર ચાલતી હતી. રામદેવ શ્રાવણ માસમાં ખંઢેરી ગામમાં આવેલા ધારેશ્વર મહાદેવના મંદિરે દરરોજ પુજા કરવા જતો હતો. મર્ડરના આગલા દિવસે પણ તે ત્યાં ગયો હતો ત્યારે પ્રકાશ સાથે પુજા કરવા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાઈ જઈ પ્રકાશે પોતાના બાઈકમાં રહેલી કુહાડી કાઢી તેના વડે હુમલો કરતા રામદેવે હાથ આડો ધરી દેતા તેના હાથમાં ૮ ટાંકા આવ્યા હતા. આ પછી જનકને પ્રકાશની રેકી કરવાના કામે લગાડી દીધો હતો. બનાવના દિવસે રામદેવે પ્રકાશને કોલ કરી સમાધાન માટે જમાવડો હોટલે બોલાવતા તે ત્યાં ગયો હતો. જયાં જનક પોતાની સ્વીફટમાં ગયો હતો. જયારે રામદેવ અને તેનો મિત્ર સતિષ હુન્ડાઈની કારમાં ત્યાં પહોંચ્યા હતા. સ્થળ પર પ્રકાશ આવતા જ તેની ઘાતકી હત્યા કરી હતી.ત્યારબાદ ત્રણેય આરોપીઓ એક જ કારમાં ભાગી ગયા હતા. અમરેલીમાં પોતાની કાર મુકી મિત્રની સ્કોર્પિયો લઈ અંજારમાં કોઈ વાડીમાં રોકાવા જાય તે પહેલાં ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા હતા.
હત્યારા રામદેવ પર અગાઉ ખૂનની કોશિષ, આર્મ્સ એકટ,ખંડણી સામે ૧૫ ગુના નોંધાયેલા
જ્યારે ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધેલ રામદેવ (ઉ.વ.૪૧) મૂળ ખંઢેરીનો વતની છે. હાલ જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે, શાંતિનગર શેરી નં.૨માં રહે છે. તે લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. અગાઉ એક ગેંગમાં સામેલ હતો. તેના વિરૂધ્ધ રાજકોટના જુદા-જુદા પોલીસ મથક ઉપરાંત લોધીકામાં ખૂનની કોશિષ, આર્મ્સ એકટ, હુમલા, મારામારી, ખંડણી, રાયોટિંગ,ફરજમાંરૂકાવટ, અપહરણ સહિતના ૧૫ ગુના નોંધાયેલા છે. બીજો આરોપી સતિષ અને જનક વિરૂદ્ધ હત્યાનો અને મારામારીનો ગુનો નોંધાયો હતો.