આગવી કુનેહથી ખૂન, લૂંટ અને મિલકત વિરોધના ગુનાનો ભેદ ઉકેવાની પ્રશંસનીય કામગીરીથી લોકપ્રિય બનેલા એસીપી સરવૈયાને આઇબીમાં નિમણૂંક અપાઇ
શહેરમાં અનેક અનડીટેક હત્યા, લૂંટ, મિલકત વિરોધના ગુનાનો આગવી કુન્હેથી ભેદ ઉકેલી લોકપ્રિય બનેલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી જે.એચ.સરવૈયાની એકાએક આઇબીમાં બદલી છે. ગુનેગારો પર કડક અધિકારીની છાપ ધરાવતા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી બાદ એસીપી જયદીપસિંહ સરવૈયાની બદલી થતા પોલીસબેડામાં સન્નાટો છવાઇ ગયો છે.
ક્રાઇમ બ્રાન્ચમાં એસીપી તરીકે ચાર્જ સંભાળી જયદીપસિંહ સરવૈયાએ જમીન કૌભાંડના ગુનેગારોને ખો ભુલાવી દે તે રીતે કડક કાર્યવાહીથી અનેક ભૂમાફિયા ભોભીતર થઇ ગયા હતા. સિરીયલ કિલર નિયલ મહેતાની ધરપડક કરી અનેક હત્યા અને હત્યાની કોશિષ તેમજ લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. છેતરપિંડી અને ઠગાઇના કુલ ૧૮ ગુના ડીટેકટ કરી ૪૦ જેટલા ઠગની ધરપકડ કરી તેની પાસેથી રૂ .૧.૧૨ કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત ચીલ ઝડપ સાત, વિદેશી દારૂ ના ૧૨૭ અને વાહન ચોરીના ૫૧ જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચ એસીપી જે.એચ. સરવૈયાની ટીમને સફળતા મળી છે. એસીપી જયદીપસિંહ સરવૈયા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને મનોહરસિંહ જાડેજાની ગુડબુકમાં રહ્યા છે.