- વહીવટી તંત્ર સમક્ષ કરેલી અરજીમાં રજૂ કરાયેલા પુરાવા ખોટા હોવાનું સામે આવતા જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ફરિયાદ નોંધી બંને શખ્સોની ધરપકડ કરાઈ
શહેરની બે કરોડોની કિંમતની સોનાની લગડી જેવી જમીનો પોતાના નામે ચડાવી લેવા રઘવાયા થયેલા બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજાશાહી સમયે સ્ટેટ દ્વારા લખાણથી તેમના પૂર્વજોને આ જમીનો આપવામાં આવી હતી તેવા દાવા સાથે કલેક્ટરને વારસાઈ એન્ટ્રી પાડી રેવન્યુ રેકર્ડમાં તેમના નામો ચડાવી દેવા અરજી કરનાર બે શખ્સો વિરુદ્ધ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શહેરમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા શૈલેશકુમાર જેઠાભાઈ ચાવડાએ નોંધાવેલી પ્રથમ ફરિયાદમાં જણાવ્યું છે કે, લખાભાઈ નાજાભાઈ ખીમસુરીયા (રહે.સુખસર ગામ, આંબેડકરનગર, તા. ચોટીલા, જી.સુરેન્દ્રનગર)વાળાએ રાજકોટની મવડી-2 ગામના સર્વે નં.-194 પૈકીની જમીન 10 એકર નાજાભાઈ રઘાભાઇના વારસદાર તરીકે લખાભાઈ નાજાભાઈએ સ્ટેટના લેખના આધારે ખેડવાણ જમીન મળવા તેમજ તે જમીન પરના લાંબાગાળાના ખેડવાણ કબ્જા હક્ક નિયમબધ્ધ કરી આપી રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા જિલ્લા કલેકટરને તા-19/01/2024 થી અરજી કરેલ હતી. જેના પુરાવા તરીકે લખાભાઇ નાજાભાઈ ખીમસુરીયાએ તેમના પીતા નાજા રઘાના નામનો તા-26/10/1937 નો લેખ તથા બેઠા ખાતાનો ઉતારાની નકલ રજુ કરી મવડી-2 ગામના સર્વે નં.-194 પૈકીની જમીન 10 એકરની ફુગલાવારી ધાર ખેતર તરીકે ઓળખાતી જમીન વરસાઈ દરજ્જે નામે ચડાવવા રજુઆત કરેલ હતી.
જે અન્વયે અરજદારએ રજુ કરેલ આધાર પુરાવાની ખરાઇ કરતા જે તે સમયે અપાયેલ સર્વ નંબર 194 હાલના રેકર્ડ આવેલ સર્વે નંબર 194 એક સમાન હોય તેમ પ્રસ્થાપિ થતુ નથી. વળી મહેસુલી રેકર્ડે 1955ના રેકર્ડ માત્ર ખેતરના નામ આધારે નોંઘ થયેલ હતી. 1961માં માપણી થયા બાદ હાલના સર્વે નંબર આપવામાં આવેલ છે તેમજ લખાભાઈ નાજાભાઈ ખીમસુરીયાએ રજુ કરેલ લેખમા દર્શાવેલ ગુજરાતી તથા અંગ્રેજી કેલેન્ડર મુજબની તારીખોમા વિસંગતતા જણાઈ આવી હતી. દરખાસ્ત કરેલ લખાભાઇ નાજાભાઈ ખીમસુરીયા દ્રારા સ્ટેટ લેખનુ લખાણ રજુ કરેલ હતું જે લેખ અભીલેખાગાર કચેરી ખાતે ખરાઇ કરાવતા તે લેખની કોઈ નોંઘ થયેલ ન હોય અને અભીલેખાગાર કચેરીના ખોટા સહી સીક્કા થયાનું અભીલેખાગર કચેરી તરફ થી જણાવતા લખાભાઈ નાજાભાઈ ખીમસુરીયાએ પોતાના પીતાને સ્ટેટ તરફથી જમીન આપવામાં આવેલ હોવાની ખોટી વિગત જણાવી ખોટા ડોક્યુમેન્ટ બનાવી સાચા તરીકે કલેકટર કચેરીમા રજૂ કરી સરકારી જમીનને ખાનગી જમીન તરીકે દર્શાવી પોતાના નામની જમીન નોંધણી કરવા અરજી કરેલ હોય તેવુ પ્રસ્થાપીત થતા લખાભાઈ નાજાભાઈ ખીમસુરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં મામલતદાર શૈલેશકુમાર જેઠાભાઈ ચાવડાએ નોંધાવેલી બીજી ફરિયાદમાં જણાવ્યું છે કે, વિનોદભાઈ માવજીભાઈ પારઘી રહે. ગાંધી વસાહત સોસાયટી મેઇન રોડ, મોરબી રોડ, રાજકોટ વાળાએ રાજકોટની મવડી-2 ગામના સર્વે નં.-194 પૈકીની જમીન 9 એકર 13 ગુંઠા ગુજરનાર ડાયાભાઈ દેશાભાઈના વારસદાર તરીકે વિનોદભાઈ માવજીભાઈ પારઘીએ સ્ટેટના લેખના આધારે ખેડવાણ જમીન મળવા તેમજ તે જમીન પરના લાંબાગાળાના ખેડવાણ કબ્જા હક્ક નિયમબધ્ધ કરી આપી રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા જિલ્લા કલેકટરને અરજી કરી હતી. જે અરજીમાં પણ ખરાઈ કરાવતા આવી કોઈ પણ નોંધનું અસ્તિત્વ નહિ મળી આવતા વિનોદ માવજીભાઈ પારઘી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.