ચાર દિવસ પૂર્વે ભત્રીજાને ફોન કરી કોઠી ગામ નજીક ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું’તું

અબતક,રાજકોટ

જસદણના શ્રીનાથજીચોકમાં રહેતા અને કોલેજિયન હેર કટીંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા-પુત્રએ ચાર દિવસ પૂર્વે સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી હતી.  પિતા-પુત્ર વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મૃતકના મોબાઈલ ફોન પરથી ઉઘરાણી કરી ત્રાસ આપતા 9 વ્યાજખોરો સામે પોલીસે મરવા મજબૂર નો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસે એક શખ્સને સકંજામાં લીધો છે.

મળતી વિગતો મુજબ બનાવ બાદ જસદણ પોલીસે બન્ને મૃતક પિતા-પુત્રના મોબાઈલ કબજે કરી અને કોલેજીયન હેર આર્ટ નામની દુકાન પરિવારજનોને સાથે રાખીને ખોલી તેમાંથી વ્યાજખોરોના હિસાબી દસ્તાવેજો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૃતક પિતા-પુત્રએ કોની-કોની પાસેથી કેટલા રૂપિયા કેટલા ટકા વ્યાજે લીધા હતા સહિતની વિગતો જાણવા મળી હતી જેમાં પ્રતાપ ભીખુ ધાંધલ, મોહમ્મદ રૂફે હુસેન ઝીણા રાઠોડ, સલીમ હબીબ મીઠાણી,જયરાજ બહાદુર ચાવડા,સત્યજીત ઉર્ફે સતુભાઈ વાળા,ગૌતમ ભાભલુભાઈ ધાધલ,ઉદય અશોક ધાધાલ અને પોપટ અરજણ સુસરા ના નામો સામે આવતા પોલિસે 9 વ્યાજ ખોરો સામે મરવામજબુર કર્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે જેમાં પોલીસે આજે પોપટ અરજણ સૂસરાની અટકાયત કરી છે

હાલ જસદણ પોલીસ મથકના પીઆઈ કે.જે.રાણા દ્વારા આ આપઘાતના બનાવ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન વધુ અનેક વ્યાજખોરોના નામો ખુલવાની શક્યતાઓ પોલીસ દ્વારા જણાવવા આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.