લોર્ડ્સ ટેસ્ટમેચ દરમિયાન પાકિસ્તાનના ક્રિકેટરો સ્માર્ટ વોચ પહેરીને રમતા હતા ત્યારે મેચ ફિક્સ ન થાય તેની તકેદારી રૂપે આઇસીસીએ આ પગલું ભર્યું
અહીં વડુંમથક ધરાવતી આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ ખેલાડીઓને તેમ જ અધિકારીઓને મેદાન પર તેમ જ ડ્રેસિંગ-રૂમમાં સ્માર્ટ વોચ ન વાપરવાનો કડક આદેશ આપ્યો છે. ક્રિકેટમાંથી ફિક્સિગં સહિતના ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવાના વધુ એક પ્રયાસરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આઇસીસીએ જણાવ્યું હતું કે પ્લેયર ઍન્ડ મેચ ઑફિશિયલ્સ એરિયા (પીએમઓએ)ના નિયમનો હેઠળ સ્માર્ટ વોચ સહિતના સંદેશવ્યવહારના સાધનો વાપરવાની સખત મનાઈ છે. સ્માર્ટ વોચ વાઇ-ફાઇ સાથે કે ફોન સાથે જોડાયેલી હોય છે અને એના દ્વારા સંદેશાની આપ-લે થતી હોય છે. એ જોતાં, ખેલાડીઓ કે અધિકારીઓને મેદાન પર તેમ જ ડ્રેસિંગ-રૂમમાં સ્માર્ટ વોચ ન વાપરવા દેવાનું નક્કી કરાયું છે. તેમને એવું પણ કહેવાયું છે કે તેઓ મેચના દિવસે મેદાન પર આવે એટલે તરત તેમણે મોબાઇલની સાથે સ્માર્ટ વોચ પણ સંબંધિત વિભાગ પાસે જમા કરાવી દેવી પડશે. માત્ર અધિકારીઓને અમુક પ્રકારના જ સાધનો વાપરવાની છૂટ છે.
ગુરુવારે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ મેદાન પર ફીલ્ડિંગ દરમિયાન સ્માર્ટ વોચનો ઉપયોગ કરતા જોવા મળ્યા એને પગલે પહેલાં તો અધિકારીઓએ તેમને એવી વોચ રમતી વખતે ન વાપરવાનો આદેશ અપાયો હતો અને પછી આઇસીસીએ ગુરુવારે નિયમ જાહેર કર્યો હતો. ગયા નવેમ્બરમાં ન્યૂ ઝીલેન્ડ સામેની મેચ દરમિયાન વિરાટ કોહલી ભારતીય ટીમના ડગઆઉટમાં બેઠો-બેઠો કોઈની સાથે વોકી-ટોકી પર વાતચીત કરી રહેલો કેમેરામાં ઝડપાઈ ગયો હતો.પાકિસ્તાનના બેટ્સમેન અસદ શફીકે ગુરુવારે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત દરમિયાન વારંવાર સ્માર્ટ વોચનો ઉપયોગ કર્યો હતો.
તેણે સિરીઝ પહેલાં જ એક મુલાકાતમાં કોમેન્ટેટર રમીઝ રાજાને કહ્યું હતું કે અમે અમારી ફિટનેસ સંબંધિત દૈનિક પ્રવૃત્તિઓને લગતી વિગતો જાણવા સ્માર્ટ વોચનો ઉપયોગ કરીએ છીએ. અમે રોજ જે વર્કઆઉટ કરીએ એનાથી કેટલો ફાયદો થયો એ પણ આ વોચ પરથી જાણવા મળે છે.
એને આધારે અમે બીજા દિવસ માટેનો ટાર્ગેટ નક્કી કરીએ છીએ. ટેસ્ટ-મેચ દરમિયાન અમે રમીને રોજની ૩,૦૦૦ કેલરી બાળતા હોઈએ છીએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com