વર્ષ 2018માં રીવાબા પર પોલીસકર્મીએ હુમલો કર્યો હતો:  ફરિયાદી રીવાબા અને સાક્ષી તેમના માતા કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે હુકમ કર્યો

અબતક,જામનગર

વર્ષ 2018માં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર પોલીસકર્મીએ કરેલા હુમલા કેસમાં રીવાબા અને તેમના માતાને હાજર રહેવા કોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે. ફરિયાદ પક્ષેથી બંને હાજર ન રહેતા કોર્ટે આગામી મહિનાની તારીખ જાહેર કરી હાજર રહેવા હુકમ કર્યો છે.

ભારતીય ક્રિકેટ રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ગત તા. 21/05/2018 ના રોજ (GJ-03-DF-9366) નંબરની બીએમડબલ્યું કાર લઇ જામનગરના સરુ સેક્શન રોડ પરથી પસાર થતા હતા. ત્યારે પોલીસ હેડકવાટર્સ પાસે સંજય કરંગીયા નામના પોલીસ કર્મચારીનું મોટર સાયકલ રીવાબાની કાર સાથે ભટકાયુ હતુ.

પોલીસ કર્મચારીનું બાઇક અથડાતા રીવાબાએ કાર ઉભી રાખી હતી. આ દરમિયાન બાઈક ચાલક પોલીસ કોન્સ્ટબલે પોતાનું કાર્ડ બતાવીને રોફ જમાવ્યો હતો. આ સાથે રીવાબાના માથાના વાળ પકડી, મોઢા પર ઝાપટો મારી રીવાબાનું માથું કાચ સાથે જોર થી બે ત્રણ વાર અથડાવ્યું હતું. જેમાં રીવાબાને ઈજા થઇ હતી.

આ બનાવના પગેલે રાડારાડી થઇ જતા મનીષાબેન દિક્ષીત, રાજદીપસિંહ જાડેજા, વિજયસિંહ ચાવડા આવી ગયા હતા અને વચ્ચે પડી એકબીજાને છોડાવ્યા હતા. આ બનાવ વખતે રીવાબાની સાથે રહેલ તેમના માતાએ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ફરિયાદી રીવાબા અને સાક્ષી તેમના માતા કોર્ટમાં કોઇ કારણોસર હાજર ન રહેતાં કોર્ટે આગામી મહિનાની તારીખ જાહેર કરી હાજર રહેવા હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.