ગ્રીન ચેનલમાં ઘુસ્યા બાદ તેને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યો: કસ્ટમ્સને સોંપાયો કેસ

આઈપીએલની ૧૩મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયને આઈપીએલનો ખિતાબ જીત્યો છે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જનારી ટીમમાં ભારતીય ટીમના સભ્યો જોડાયા હતા પરંતુ તેમાંથી કૃણાલ પંડયા મુંબઈ ચાર્ટડ ફલાઈટ મારફતે મુંબઈ પહોંચ્યો હતો પરંતુ તેને મુંબઈ એરપોર્ટ ઉપર રોકવામાં આવ્યો હતો. માહિતી ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો કૃણાલ અને તેમની પત્નીએ દુબઈથી ૭૫ લાખ રૂપિયાની મોંઘીદાટ ઘડિયાળો વગર ડયુટીએ ખરીદી કરી ભારતમાં લાવવામાં આવી હતી જયાં તેની તપાસ હાથ ધરાતા કેસને કસ્ટમ્સને સોંપવામાં આવ્યો છે. નિયમો અનુસાર એક લાખ રૂપિયા સુધીની કોઈપણ વસ્તુ ડયુટી ફ્રી હોવાનું માનવામાં આવે છે પરંતુ ૭૫ લાખ રૂપિયાની ઘડીયાળની ખરીદી કરતા તેની ૪ ઘડિયાળોને સીઝ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આગામી દિવસોમાં કસ્ટમ્સ કૃણાલ પંડયાને શો-કોઝ નોટીસ પાઠવી ૬૦ ટકા સુધીની પેનલ્ટી અને દંડ વસુલવા માટે નોટીસ પણ પાઠવી શકે છે. સંપર્ક સુત્રોના જણાવ્યા મુજબ કૃણાલ પંડયાને તેમની ધર્મપત્ની એરપોર્ટના ગ્રીન ચેનલમાંથી પસાર થતા તેઓને રોકવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં કૃણાલે કબુલ્યું હતું કે જે ૪ ઘડિયાળો દુબઈથી લઈ આવવામાં આવી હતી તેમાંથી બે વ્યકિતગત પોતાની અને અન્ય બે તેના ભાઈ હાર્દિક પંડયાની છે. હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હાર્દિક પંડયા ભારતીય ટીમ સાથે જોડાયો છે અને ઓસ્ટ્રેલિયા પહોંચ્યો છે ત્યાં બીજી તરફ કૃણાલને કસ્ટમ્સ દ્વારા શો-કોઝ નોટીસ પાઠવવામાં આવશે તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. અત્યારે કસ્ટમ્સ વિભાગે તેના પાસેથી ૪ ઘડિયાળોને જપ્ત પણ કરી લીધેલી છે.એરપોર્ટ પર કૃણાલ પંડયાની આશરે ૪ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ જ આ કેસને કસ્ટમ્સને સોંપવામાં આવ્યો હતો. આ અંગે અધિકૃત અધિકારીઓને પુછયા બાદ તેઓએ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. તપાસમાં એ વાતની પણ ખરાઈ કરવામાં આવી હતી કે જે ઘડિયાળો કૃણાલ પંડયા ભારતમાં લાવ્યો છે તે ડુપ્લીકેટ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.