યુવાનોને કરી રકતદાન અને થેલેસીમિયા ટેસ્ટની અપીલ: અન્ય સેલિબ્રિટીઝને પણ સેવાયજ્ઞમાં જોડશે
મૂળ પોરબંદરના અને હાલમાં જ પુરી થયેલી આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સની ટીમ વતી સુંદર દેખાવ કરનાર યુવા ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ પ્રોજેકટ લાઈફ સંસ્થાના મહેમાન બન્યા હતા અને તેમણે સંસ્થા સાથે જોડાઈને પ્રવૃતિનો વ્યાપ વધારવાની તૈયારી દર્શાવી છે. જયદેવ ઉનડકટ હાલમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ રમી રહ્યા છે. તેમણે લાઈફ સંસ્થાનું આમંત્રણ સ્વીકારી લાઈફ બ્લડ સેન્ટર તેમજ પ્રોજેકટ લાઈફ બિલ્ડીંગની મુલાકાત લીધી હતી.
જયદેવ ઉનડકટે લાઈફ બ્લડ સેન્ટરની મુલાકાત લઈ રકતદાન પ્રવૃતિ તેમજ થેલેસેમિયા નાબુદી ઝુંબેશ અંગે માહિતી મેળવી હતી. પ્રોજેકટ લાઈફના જોઈન્ટ એકિઝકયુટિવ ટ્રસ્ટી મીતલ કોટિચા શાહે તેમને લાઈફ બ્લડ સેન્ટરની મુલાકાત કરાવી સલામત રકત દદીને કેટલું ઉપયોગી થાય છે તેની માહિતી આપી હતી. બ્લડ બેંકમાં રહેલી અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજી નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા. તેમણે થેલેસીમિયા સામેની જનજાગૃતિ ઝુંબેશની વિગતો પણ મેળવી હતી. સાથોસાથ યુવાનોને વધુને વધુ માત્રામાં રકતદાન કરવા તેમજ સગાઈ પૂર્વે થેલેસીમિયા ટેસ્ટ કરાવવા અપીલ પણ કરી હતી.
આ પછી તેઓએ રેસકોર્સ રીંગ રોડ ઉપર આવેલા પ્રોજેકટ લાઈફ બિલ્ડીંગની મુલાકાત લીધી હતી અને મહિલા સશકિતકરણ ઉપરાંત શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે કરવામાં આવતી પ્રવૃતિ વિશે માહિતી મેળવી હતી અને પ્રભાવિત પણ થયા હતા. જયદેવ ઉનડકટે પોતે આ સંસ્થાની બ્રિગેડમાં મોટીવેટર તરીકે જનજાગૃતિ ફેલવાશે તેવી ખાતરી આપી હતી. સાથો સાથ અન્ય ક્રિકેટરોને પણ આ ઝુંબેશમાં જોડશે તેમ જણાવ્યું હતું.