દંડની રકમ શહિદોના પરિવારને તેમજ દિવ્યાંગ ક્રિકેટ એસોશીએશનને સમર્પિત કરાશે :એક જ અઠવાડિયાની અંદર ખેલાડીઓએ દંડ ચૂકવવાનો રહેશે, નહીંતર મેચ ફીસમાંથી પૈસા કાપી લેવામાં આવશે
ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડ હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલ ૨૦૧૯ના વર્લ્ડકપમાં રમવા માટેની મ્હોર લાગી ચુકી છે ત્યારે લોકપ્રિય ફિલ્મ મેકર કરન જોહરના ચેટ શો કોફી વિથ કરનમાં અયોગ્ય ટીપ્પણી કરવા બદલ વિવાદોમાં સપડાયેલા બન્ને ખેલાડીઓ ભારે ચર્ચામાં આવ્યા હતા તેમના સસ્પેન્શનની વાત પણ સામે આવી હતી.
કોન્ટ્રોવર્સી બાદ મહિલાઓ વિશે આપત્તીજનક ટીપ્પણી કરવા બદલ બીસીસીઆઈના લોકપાલ ડી.કે.જૈને કે.એલ.રાહુલ અને હાર્દિક પંડયા ઉપર ૨૦-૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.
દંડ લાગવાના નિર્ણય બાદ બન્ને ખેલાડીઓએ રાહતનો શ્ર્વાસ લીધો છે. કારણ કે આ વિવાદને લઈ તેમનું કરીયર પણ સમાપ્ત થવાની શકયતા સેવાઈ રહી હતી. બીસીસીઆઈના ડી.કે.જૈને બન્ને ખેલાડીઓને કહ્યું કે તેઓ ૧-૧ લાખ રૂપિયા ૧૦ શહિદ જવાનોના પરિવારજનોને આપશે આ ઉપરાંત ૧૦ લાખ રૂપિયા દિવ્યાંગ ક્રિકેટ એસો.ને આપવાનું કહ્યું છે. જેથી ટીમને પ્રોત્સાહન મળશે.
આ રકમ રાહુલ અને પંડયાએ એક જ અઠવાડિયાના સમયમાં ચૂકવવાની રહેશે. જો સમયસર ખેલાડીઓ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યાં તો તેમની મેચ ફીસમાંથી પૈસા કાપી લેવામાં આવશે. બીસીસીઆઈએ ઔપચારીક રીતે વેબસાઈટ પર જાહેર કર્યું હતું કે, ખેલાડીઓ સામે કોઈ કડક પગલા લેવામાં નહીં આવે કારણ કે પહેલેથી જ તેઓ પ્રતિબંધની સજા ભોગવી ચૂકયા છે ત્યારે હવે બન્ને ખેલાડીઓને ધકકો મારી ધરમ કરાવવામાં આવી રહ્યો છે.