વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ રસિકોથી ખીચોખીચ ભરાયું
ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો સહિત અનેક મહાનુભાવોએ મેચ માણ્યો
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ રમાઈ રહ્યો છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી છે. બીજી તરફ વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમમાં ક્રિકેટ રસિકોની ખીચોખીચ હાજરી રહી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થઈ ગઈ છે, જેમાં બન્ને દેશના પીએમની હાજરીમાં ટોસ થયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી છે.
બંને ટીમો વચ્ચે 4 મેચની સીરીઝની આ છેલ્લી અને મહત્વપૂર્ણ મેચ છે. હાલમાં ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયાને આ મેચ જીતવી પડશે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.ભારત-ઓસ્ટ્રેલિયા મેચને લઇને બંને દેશના વડાપ્રધાન ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા. સાંજે 4 વાગતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ આવી પહોંચ્યા હતા.
ત્યારબાદ રાતે 10 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, રાજ્યપાલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી પીએમ મોદી સીધા ગાંધીનગર રાજભવન ખાતે રવાના થયા હતા. જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત કરી. ત્યારબાદ રાજભવનમાં રાત્રી રોકાણ કર્યું હતું.
દર્શકોની સૌથી વધુ સંખ્યાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાય તેવી શક્યતા
અમદાવાદમાં આવેલું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વમાં સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ છે. તેની કેપેસિટી 1.32 લાખ દર્શકોની છે. ત્યારે આ મેચ દરમિયાન એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ પણ બની શકે છે.અત્યારે આ વર્લ્ડ રેકોર્ડ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ- ઓસ્ટ્રેલિયાના નામે છે. 2014માં એશિઝ સિરીઝની મેચ દરમિયાન એક જ દિવસમાં 91,112 દર્શકો હતા.