સિંધી શખ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની ભુલનો એકરાર કરી પોલીસ કમિશનર પાસે માગી મદદ: બુકીનો ધંધો છોડી દેતા લેણદારોનું દબાણ વધતા ભૂગર્ભમાં ઉતરી ગયો
આઇપીએલ સિઝન દરમિયાન બુકીઓની ક્રિકેટ સટ્ટા અને એમસીએકસના સટ્ટામાં એક સમયે શહેનશાહ મનાતા સિંધી શખ્સે સટ્ટાની સટ્ટાસટી છોડી દેતા લેણદારો દ્વારા દબાણ વધતા કફોડી સ્થિતીમાં મુકાતા શહેર છોડી સોશ્યલ મિડીયાના માધ્યમથી પોલીસ કમિશનર સમક્ષ પોતાના જીવનનું જોખમ હોવાનું જણાવી મદદ માગી છે.
રાજકોટના નામચીન બુકી રાજુ સિંધીના પુત્ર દિપક ધનાણી એમસીએકસ અને ક્રિકેટના સટ્ટામાં કરોડો ‚પિયા હારી જતા લેણાદોરોએ વૈભવી મકાન સહિતની મિલકત હડપ કરી લીધી છે. આમ છતાં મોટું દેણું હોવાથી લેણદારોથી બચવા સોશ્યલ મિડીયાના માધ્યમથી પોલીસ કમિશનરને પોતાને બચાવવા અનુરોધ કરતો વીડિયો વાયરલ કર્યો છે.
લકઝરીયસ લાઇફ સ્ટાઇલ જીવન જીવતા દિપક ધનાણીએ સટ્ટો રમાડવાનું ઘણા સમયથી છોડી દીધું છે પણ રાજકોટ અને અમદાવાદના મોટા ગજાના બુકીઓ દ્વારા ઉઘરાણી કરી ધાક ધમકી દેવામાં આવતી હોવાનો અને જીવનનું જોખમ હોવાનું વીડિયો દ્વારા જાહેર કરી પોતે અત્યાર સુધી સટ્ટો રમાડતો તે પોતાની ભુલ હોવાનું સ્વીકાર્યુ છે.
કાર અને મકાન ગુમાવ્યા હોવા છતાં લેણદારોનું લેણું પુ‚ ન થતાં લેણદારો દ્વારા માતા-પિતાના ઘરે જઇ જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવતી હોવાનું જણાવતા પોલીસે દિપક ધનાણીના વીડિયોની ગંભીરતા દાખવી ગાયત્રીનગર અને અમિન માર્ગ પરના મકાને તપાસ કરી હતી પણ દિપક ધનાણી મળી આવ્યો ન હતો અને તેની બીમાર માતાએ પોતાનો પુત્ર સુરત તરફ ગયો હોવાનું જણાવ્યું હતું. દિપક ધનાણી મળી આવ્યા બાદ તેને કોણ ત્રાસ દેતુ હતુ તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.