- કોલકાતા નાઈટ રાઈટર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે 22 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં મેચ સાથે આઈપીએલનો રંગારંગ પ્રારંભ: 65 દિવસના કાર્યક્રમમાં હોમ અને અવે ફોરમેટમાં કુલ 74 મેચો રમાશે
ક્રિકેટનું મેગા મનોરંજન પીરસતી ટુર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગના કાર્યક્રમની રવિવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈટર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે 22 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં મેચ સાથે આઈપીએલનો ધમાકેદાર પ્રારંભ થશે. આ જ સ્થળે 25 મેના રોજ ફાઈનલ મુકાબલો રમાશે. આઈપએલમાં 10 ટીમો ભાગ લઈ રહી છે અને 65 દિવસના કાર્યક્રમમાં હોમ અને અવે ફોરમેટમાં કુલ 74 મેચો રમાશે. આઈપીએલની આ 18મી સિઝન છે અને દેશના 13 જુદા જુદા સ્થળોએ ક્રિકેટ ફીવર જામશે. આઈપીએલમાં કુલ 12 ડબલ હેડર મેચ રમાશે. સામાન્ય દિવસોમાં રોજ સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે જ્યારે ડબલ હેડરના દિવસે પ્રથમ ડે મેચ 3.30થી રમાશે. બીસીસીઆઈએ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ દરેક ટીમ હોમ અને અવે ફોરમેટમાં લીગ મેચો રમશે. ત્રણ ટીમો તેમના હોમ ગ્રાઉન્ડ ઉપરાંત બીજા નિયુક્ત બેઝ ગ્રાઉન્ડ ઉપર પણ મેચ રમશે. પંજાબ કિંગ્સ માટે મુલ્લાનપુર (ન્યુ ચંડિગઢ) ઉપરાંત અન્ય હોમ ગ્રાઉન્ડ ધરમશાલા રહેશે જ્યાં ત્રણ મેચ યોજાશે. રાજસ્થાન રોયલ્સ જયપુર અને ગુવાહાટી ખાતે હોમ મેચ રમશે. જ્યારે દિલ્હી કેપિટલ્સનું બીજું સ્થળ વિશાખાપટ્ટનમ રહેશે અને આ જ મેદાન ખાતે 24 માર્ચના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ સાથે તે તેના આઈપીએલ અભિયાનનો પ્રારંભ કરશે. પ્લેઓફ મેચ હૈદરાબાદ અને કોલકાતામાં રમાશે. હૈદરાબાદ ખાતે પ્રથમ ક્વોલિફાયર તથા એલિમિનેટર મેચ યોજાશે. જ્યારે કોલકાતામાં 23મી મેએ બીજી ક્વોલિફાયર અને 25મી મેના રોજ ફાઈનલ રમાશે. આઈપીએલમાં 2022થી બે વધુ ટીમોનો સમાવેશ કરાતા કુલ ફ્રેન્ચાઈઝની સંખ્યા 10 થઈ હતી અને ત્યારથી ટીમોને બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવે છે. પ્રથમ ગ્રુપમમાં કોલકાતા નાઈટ રાઈડર, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ તથા પંજાબ કિંગ્સ રહેશે. બીજા ગ્રુપમાં સનરાઈઝર્સ હૈદરાબદા, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે. એક ટીમ તેના ગ્રુપની અન્ય ટીમ સામે બે-બે મેચ રમશે, હરિફ ગ્રુપમાં એક ટીમ પૂર્વ નિર્ધારિત હશે અને બીજા ગ્રુપની ચાર ટીમો સામે એક-એક વખત ટકરાશે.
10 ટીમો વચ્ચે 65 દિવસમાં 74 મેચ રમાશે
ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ પણ આ મેદાન પર રમાશે. જ્યારે ક્વાલિફાયર-1 અને એલિમેટર મેચ હૈદરાબાદમાં રમાશે. ગત વખતની જેમ આ વખતે પણ સીઝનમાં આઇપીએલની 10 ટીમો ભાગ લેશે. આ તમામ મેચ ભારતના જ 13 વેન્યૂ પર હશે. બપોરે 3.30 વાગ્યે અને સાંજે 7.30 વાગ્યે મેચ રમાશે.
આ વખતે 12 ડબલ હેડર મુકાબલા જામશે
આ વખતે આઇપીએલ 2025 સીઝનમાં કુલ 12 ડબલ હેડર મેચ રમાશે. આ તમામ ડબલ હેડર શનિવાર અને રવિવારે જ હશે. આઇપીએલ ડબલ હેડરનો મતલબ એક દિવસમાં બે મેચથી થાય છે. ડબલ હેડરના દિવસે ફેન્સને રોમાન્ચ અને ડબલ ડોઝ મળે છે.
આઇપીએલની તમામ મેચો આ 13 શહેરોમાં રમાશે
આઇપીએલની 18મી સિઝનની મેચો કુલ 13 શહેરોમાં રમાશે. આઇપીએલ 2025ની મેચો લખનૌ, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, અમદાવાદ, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી, બેંગલુરુ, ન્યુ ચંદીગઢ, જયપુર, દિલ્હી, કોલકાતા અને ધર્મશાળામાં રમાશે. આઇપીએલ 2025માં કુલ 12 ડબલ હેડર મેચ છે. આનો અર્થ એ છે કે બે મેચ એક દિવસમાં 12 વખત રમાશે.