- 10 ટીમો વચ્ચે બે મહિના સુધી ક્રિકેટ જંગ: ચેમ્પિયન કોલકાતા અને બેંગલોર વચ્ચે આજે સાંજે 7:30થી પ્રારંભિક મુકાબલો: ઓપનિંગ સેરેમની 5:30થી શરૂ થશે
વિશ્વની સૌથી ઝાકઝમાળ ધરાવતી ટી20 ક્રિકેટ લીગ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટન. આજથી ઇડન ગાર્ડન્સ ખાતે પ્રારંભ થશે. આ સાથે લગભગ બે મહિના માટે સમગ્ર દેશના ક્રિકેટપ્રેમીઓ આઇપીએલના ફિવરમાં જકડાઈ જશે. આ વખતે પણ આઇપીએલમાં અગાઉ જેવી જ રનની આતશબાજી અને વિકેટોની વણઝાર જોવા મળે તેવી અપેક્ષા છે. આજે 2024ની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને હજી પણ ટાઇટલથી વંચિત રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે પ્રારંભિક મુકાબલો થશે. સાંજે 7.30 કલાકથી મેચનો પ્રારંભ થશે. દસ ફ્રેન્ચાઇઝીની ટીમો આગામી બે મહિનામાં 84 મેચ રમશે જેને અંતે 25મી મેએ રમાનારી ફાઇનલમાં ચેમ્પિયન ટીમનો નિર્ણય થશે. કોલકાતા નાઇટ રાઇડર્સ હાલમાં આઇપીએલ ચેમ્પિયન છે. આ લીગમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ પાંચ ટાઇટલ જીત્યા છે તો કોલકાતાની ટીમ ત્રણ વાર ચેમ્પિયન છે. જોકે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધીમાં એકેય ટાઇટલ જીતી શક્યા નથી.આઇપીએલની 2025ની સિઝનમાં કેટલાક નવા નિયમ અમલી બનવાના છે. જેમાં તમામ મેદાન પર સાંજના સમયે પડતા ઝાકળને ધ્યાનમાં રાખીને બોલિંગ ટીમ 11 ઓવર બાદ બોલ બદલી શકશે. આ નિયમ નવી ક્રાંતિ લાવનારો છે અને કદાચ ભવિષ્યમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે આઇસીસી તેને ધ્યાનમાં લાવે તેવી શક્યતા રહેલી છે.ઉપરાંત કોરોના કાળની બોલ પર થૂંક (લાળ) લગાવવાની પ્રથા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ પ્રતિબંધ હજી પણ યથાવત છે પરંતુ આઇપીએલમાં હવે બોલરને આમ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેને કારણે બની શકે છે કે ઇનિંગ્સના અંત ભાગમાં નિષ્ણાત બોલર બોલને રિવર્સ સ્વિંગ કરતા જોવા મળે. આઇપીએલની ટીમોના સુકાનીઓ અને અધિકારીઓની ગુરુવારે મળેલી બેઠકમાં આ નિયમને મંજૂરી આપવામાં આવી હતી.આઇસીસીએ 2022માં સેલિવા પર પ્રતિબંધ લાદ્યો હતો પરંતુ આઇપીએલનું સંચાલન તેના આગવા નિયમો મુજબ થતું હોવાને કારણે કમસે કમ આ ટુર્નામેન્ટમાં બોલરને બોલ પર થૂંક લગાવવાની મંજૂરી મળી ગઈ છે.રાત્રી મેચની બીજી ઇનિંગ્સ દરમિયાન 11 ઓવર બાદ નવો બોલ લઈ શકાશે પરંતુ તેમાં પણ અમ્પાયરનો નિર્ણય અંતિમ રહેશે અને તેમને લાગશે તો જ બોલને બદલી શકાશે. જોકે દિવસે રમાનારી મેચોમાં આ નિયમ લાગું કરાશે નહીં. આ ઉપરાંત આ વખતે અમ્પાયર ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)માં ઉચાઈના વાઇડ બોલ અને ઓફ સ્ટમ્પના વાઇડ બોલને સામેલ કરાયા છે. જ્યારે ઇમ્પેક્ટ પ્લેયર અંગે વારંવાર ચર્ચાઓ થઈ હોવા છતાં આ નિયમ જારી રખાયો છે. આઇપીએલમાં ઘણા સુકાનીઓની સમીક્ષા થનારી છે કેમ કે વિવિધ ફ્રેન્ચાઇઝીએ નવા સુકાનીઓ નીમ્યા છે. આઇપીએલ 2025માં દસમાંથી સાત ટીમ પાસે નવા સુકાની હશે. આ તમામમાં સૌથી આશ્ચર્યજનક છે બેંગલોરની ટીમનો સુકાની રજત પાટીદાર. જે હજી સુધી ભારત માટે એકેય ટી20 મેચ રમ્યો નથી પરંતુ ટી20ના સૌથી અનુભવી એવા વિરાટ કોહલી સહિતની ટીમની આગેવાની લેનારો છે. દિલ્હી કેપિટલ્સની ટીમની જવાબદારી ગુજરાતના અક્ષર પટેલના શિરે છે તો ભારતીય ટીમમાં અક્ષરનો સિનિયર કેએલ રાહુલ ગઈ સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન કરનારી લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ સંભાળશે.2024માં કોલકાતા નાઇટ રાઇડર્સને ટાઇટલ અપાવનારો શ્રેયસ ઐયર 2025માં પંજાબ કિંગ્સની આગેવાની લેશે જ્યારે અજિંક્ય રહાણે કોલકાતાનો સુકાની બની ગયો છે. રાજસ્થાન રોયલ્સ સિઝનની પહેલી ત્રણ મેચમાં રિયાન પરાગની આગેવાનીમાં રમશે અને ત્યાર બાદ હાલમાં ઘાયલ એવો નિયમિત સુકાની સંજુ સેમસન રોયલ્સની જવાબદારી સંભાળશે.
મુંબઈ-ચેન્નઈ સૌથી સફળ ટીમ
મુંબઈએ અત્યાર સુધીમાં પાંચ વાર ટાઇટલ જીત્યા છે. મુંબઈ ઇન્ડિયન્સ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 2010, 2011, 2018, 2021 અને 2023માં ટાઇટલ જીત્યાં હતાં. કોલકાતા નાઇટ રાઇડર્સ આ બંનેની પાછળ છે. તેણે 2024નું ટાઇટલ જીત્યું તે અગાઉ 2012 અને 2014માં પણ આ ટીમ ચેમ્પિયન બની હતી.
આઇપીએલ શરૂ થતાં જ સટ્ટાબાજી કરતા 700 જેટલા વિદેશી ઓનલાઈન પ્લેટફોર્મ રડાર ઉપર
- ડીજીજીઆઈ દ્વારા તપાસનો ધમધમાટ, જીએસટી ચોરીને લઈને ધડાધડ કાર્યવાહી કરવામાં આવશે
આજથી આઇપીએલ શરૂ થઈ રહ્યું છે. તેવામાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન્ટેલિજન્સ એટલે કે ડીજીજીઆઈ એ સટ્ટાબાજી ઓફર કરતી વિદેશી ઓનલાઈન ગેમિંગ એન્ટિટીઓ સામે તેની અમલીકરણ કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે.
આ ગેમિંગ પ્લેટફોર્મ વિદેશમાં નોંધાયેલા હોવાથી, તેઓ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે અને જીએસટી ચૂકવ્યા વિના કાર્ય કરે છે,” એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું. “ડીજીજીઆઈ તેમના પર નજીકથી નજર રાખી રહ્યું છે.” ડીજીજીઆઈ એ જીએસટીની ગુપ્ત માહિતી એકત્રિત કરવાની અને તપાસ કરવાની શાખા છે. ડીજીજીઆઈ અનુસાર, ઓનલાઈન મની ગેમિંગ/સટ્ટાબાજી/જુગારના સપ્લાયમાં સામેલ લગભગ 700 ઓફશોર એન્ટિટી તપાસ હેઠળ છે. વિભાગે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય સાથે સંકલનમાં, અત્યાર સુધીમાં આઇટી એક્ટ, 2000 ની કલમ 69 હેઠળ ગેરકાયદેસર/બિન-અનુપાલન કરતી ઓફશોર ઑનલાઇન મની ગેમિંગ એન્ટિટીની 357 વેબસાઇટ્સને બ્લોક કરી દીધા છે. તેણે 2,000 બેંક એકાઉન્ટ્સ પણ અસ્થાયી રૂપે જપ્ત કર્યા છે. ડીજીજીઆઈ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આમાંની કેટલીક ઓફશોર એન્ટિટીની વેબસાઇટ્સ પર મળેલા યુપીઆઈ આઇડી સાથે જોડાયેલા અન્ય 392 બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જે કુલ રૂ