ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુનાગઢને ભરી પીવા સુકાની નીતિન ભારદ્વાજની આગેવાનીમાં મેયર ઈલેવન સજ્જ
જામનગર મહાનગરપાલિકાની યજમાનીમાં ચાલી રહેલી ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે રાત્રે રાજકોટ મહાનગરપાલિકા અને જુનાગઢ મહાનગરપાલિકા વચ્ચે ક્રિકેટ જંગ જામશે. જુનાગઢની ટીમને ભરી પીવા સુકાની નીતિન ભારદ્વાજની આગેવાનીમાં રાજકોટ મેયર ઈલેવન સજ્જ થઈ ગઈ છે. કાલથી જામનગર મહાપાલિકાની યજમાનીમાં ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ થયો છે. જેમાં પ્રથમ મેચમાં યજમાન જામનગરે ગાંધીનગરને પરાજય આપ્યો હતો. આજે રાત્રે જુનાગઢ અને રાજકોટ મહાપાલિકા વચ્ચે ક્રિકેટ જંગ જામશે. જેમાં વિજેતા થનારી ટીમ સેમી ફાઈનલમાં સુરત કે બરોડાની ટીમ સામે ટકરાશે. આવતીકાલે મંગળવારના રોજ સુરત અને બરોડા વચ્ચે જયારે ૧૧મી એપ્રિલના રોજ ભાવનગર અને અમદાવાદ મહાપાલિકા વચ્ચે મેચ રમાશે. ૧૨ અને ૧૩ એપ્રિલના રોજ સેમી ફાઈનલ રમાશે અને ૧૪ એપ્રિલે ફાઈનલ મેચ રમાશે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
સુકાની નીતિન ભારદ્વાજની આગેવાનીમાં રાજકોટ મેયર ઈલેવનમાં કશ્યપ શુકલ, પુષ્કર પટેલ, જયમીન ઠાકર, મનિષભાઈ રાડીયા, અશ્ર્વિનભાઈ મુલીયા, પરેશભાઈ પીપળીયા, અરવિંદભાઈ રૈયાણી, અનિલભાઈ રાઠોડ, મુકેશભાઈ રાદડિયા, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ભોરણીયા અને મકબુલભાઈ દાઉદાણી જુનાગઢને ભરી પીવા માટે મેદાનમાં ઉતરશે. ટીમના મેનેજર ધનસુખભાઈ ભંડેરીને નિયુકત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૭માં રાજકોટ મહાપાલિકા દ્વારા રાજયમાં ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૧૦ વર્ષથી અલગ-અલગ મહાપાલિકાની અધ્યક્ષતામાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે જેમાં રાજકોટ કયારેય ચેમ્પિયન બની શકયું નથી ત્રણ વખત રનર્સ અપ બન્યું છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,
.