બીજા વન ડે મેચમાં ભારતની કારમી હાર: સીરિઝમાં 1-1ની બરાબરી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વન-ડે સિરીઝના બીજા મેચમાં જે રીતે ભારતને કારની હારનો સામનો કરવો પડ્યો છે તેના જવાબદાર કારણોની ચર્ચા કરવામાં આવે તો ભારતીય ટીમનું કોમ્બિનેશન ક્યાંક નબળું જોવા મળ્યું હતું. જે રીતે બેટ્સમેનોએ ટીમને એક વિશાળ સ્કોર આપ્યો પરંતુ સામા છેડે બોલરો વિકેટ લેવામાં અસમર્થ રહ્યાં, પરિણામે ઇંગ્લેન્ડને છ વિકેટે મેચ જીતી લીધો હતો. ઈંગ્લેન્ડના બેટ્સમેનોની ધુઆધાર ઇનિંગના કારણે ભારતીય બોલરોની માનસિક સ્થિતિ પણ નબળી પડી હતી જેના પરિણામે તમામ ઓવરમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી રહ્યા હતા.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વન-ડે સિરીઝના બીજા મેચ દરમિયાન ઇંગ્લેન્ડે ભારત પર શાનદાર જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે છ વિકેટે બીજો વન ડે મેચ જીતી લેતા ભારત અને ઇંગ્લેન્ડ સિરીઝમાં એક-એકથી બરાબરી પર છે. મહત્વનું છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની બીજી વનડે મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાનમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 336 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડે 337 રન કરીને 6 વિકેટે ભારતને હરાવી દીધું હતું.
ભારતની ઇનિંગમાં આજે ઓપનર રોહિત શર્માએ સારી શરૂઆત કરવાની કોશિશ કરી હતી, તેણે 25 બોલમાં 25 રન નોંધાવ્યા હતા, પણ પોતાની ઝડપી શરૂઆત માટે જાણીતો તેનો સાથીદાર શિખર ધવન આજે આઉટ ઓફ ફોર્મ જણાઈ રહ્યો હતો અને 17 બોલ રમ્યા પછી પણ માત્ર 4ના સ્કોર પર ચોથી ઓવરમાં સ્ટોક્સના હાથે ઝીલાઈ ગયો હતો. આમ ભારતે માત્ર 9ના સ્કોર પર જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી.
કેપ્ટન કોહલી સાથે મળીને રોહિતે સ્કોર બોર્ડ આગળ ધપાવ્યું હતું પણ આ ભાગીદારી વધુ જામે તે પહેલા સેમ કરન ત્રાટક્યો હતો અને 37ના સ્કોર પર રોહિતના રૂપમાં ભારતે બીજી વિકેટ ગુમાવી હતી. આના પછી ચોથા નંબરે આવેલા કેએલ રાહુલે કેપ્ટનના ભરોસાને પુરવાર કરી દેતી બેટિંગ કરી હતી, અને શતક મારીને ટીકાકારોના મોઢા સીવી દીધા હતા. ભારતે 158 ના સ્કોર પર કેપ્ટન કોહલી 66 રનના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી, જેના પછી વિકેટકીપર પંતની સાથે મળીને રાહુલે સ્કોર બોર્ડને ધપાવતું રાખ્યું હતું.
રિષભ પંતે આવતાની સાથે જ ફટકાબાજી શરૂ કરી હતી અને 40 બોલમાં 77 રનની ઈનિંગ્સ રમી હતી. 45મી ઓવરમાં રાહુલ 108ના સ્કોર પર આઉટ થયા પછી 47મી ઓવરમાં પંત પણ 308ના સ્કોર પર આઉટ થયો હતો. જેના પછી હાર્દિક પંડયા અને કુણાલ પંડયાએ અનુક્રમે 35 અને 12 રન મારીને અણનમ રહ્યા હતા અને ભારતે 336 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
જો કે ઇંગ્લેન્ડે શરૂઆતથી જ ઝડપી બેટિંગ કરતાં વિશાળ સ્કોરનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતુ, ઓપનર જેસન રોયના 52 બોલમાં 55 રન અને બીજા ભાગીદાર જોની બેરિસ્ટોના 112 બોલમાં 124 રનોના શતકીય પ્રદર્શનથી ઇંગ્લેન્ડે શરૂઆતથી જ મજબૂત પ્લેટફોર્મ ઊભું કરી દીધું હતું, અને ભારતીય બોલરોને શરૂઆતના સમયમાં જ વિકેટો ખેરવીને ઈંગ્લેન્ડને દબાણ હેઠળ લાવી દેવામાં નિષ્ફળતા મળી હતી.
ભારતને પહેલી સફળતા રોયને રન આઉટ કરવામાં સફળતા મળી હતી, અને 110ના સ્કોરે ઇંગ્લેન્ડે પહેલી વિકેટ ગુમાવી દીધી, જેના પછી આવેલા બેન સ્ટોકસે પણ બેરિસ્ટો સાથે મળીને મજબૂત પાર્ટનશીપ કરતાં 99 રન ફટકાર્યા હતા, પણ સેન્ચ્યુરી પૂરી કરી શકે તે પહેલા જ 36 મી ઓવરમાં 285ના સ્કોર પર તે ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો અને પંતના હાથમાં કેચ આપીને વિકેટ ગુમાવી બેઠો હતો. જેના પછી તરત જ 37મી ઓવરના પહેલા બોલે જ બેરિસ્ટો પણ 124 ના અંગત સ્કોર પર કૃષ્ણાનો શિકાર બનીને કેપ્ટન કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. જો કે આ પછી બટલર પણ કૃષ્ણાના હાથે ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો.