ભારત અને ન્યુઝીલેન્ડની ટીમનું રાત્રે થશે શહેરમાં આગમન: કુમકુમ તિલક કરી પરંપરાગત રીતે ખેલાડીઓનું કરાશે શાહી સ્વાગત: કાલે બંને ટીમો કરશે નેટ પ્રેકટીશ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આગામી શનિવારના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની શ્રેણી પૈકીનો બીજો મેચ રમાશે. જેના માટે આજે બંને ટીમોનું રાજકોટમાં આગમન થતાની સાથે જ શહેરમાં ક્રિકેટ ફિવર છવાઈ જશે. બંને ટીમના ખેલાડીઓને કુમકુમ તિલક કરી કાઠિયાવાડી પરંપરા મુજબ મીઠો આવકાર આપવામાં આવશે. કાલે બંને ટીમો ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેકટીસ કરશે અને પત્રકાર પરિષદને સંબોધશે.
ગઈકાલે દિલ્હી ખાતે રમાયેલા પ્રથમ મેચમાં વિરાટ સેનાએ પ્રથમવાર ન્યુઝીલેન્ડ સામે જીત હાંસલ કરવાનો ઈતિહાસ રચ્યો છે. દરમિયાન રાજકોટ ખાતે શનિવારે રમાનારી બીજી મેચમાં શ્રેણી વિજયના બુલંદ ઈરાદા સાથે વિરાટ સેના મેદાનમાં પડશે. આજે રાત્રે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ અલગ-અલગ ચાર્ટર ફલાઈટમાં રાજકોટ આવી પહોંચશે. ભારતીય ટીમ પ્રથમ વખત ફોર્ચ્યુન હોટલમાં રોકાશે. જયારે ન્યુઝીલેન્ડની ટીમને ઈમ્પીરીયલ પેલેસમાં ઉતારો આપવામાં આવ્યો છે. મેચના બે દિવસ અગાઉ જ બંને ટીમોનું રાજકોટમાં આગમન થઈ જવાનું હોય. ક્રિકેટ પ્રેમીઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ક્રિકેટ ફિવરમાં જકડાઈ જશે. શનિવારના મેચ માટે ૮૦ ટકાથી વધુ ટીકીટો વેચાઈ ગયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ફોર્ચ્યુન હોટલ ખાતે ટીમ ઈન્ડિયાની શાહી મહેમાનગતિ માટેની તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. ભારતીય ટીમને ૪૦૦ વધુ વાનગી પીરસવામાં આવશે. આ ઉપરાંત વિરાટ કોહલી અને ધોની માટે ખાસ ‚મ તૈયાર કરવામાં આવ્યા હોવાનું પણ હોટલના સુત્રોએ જણાવ્યું હતું. આજે રાત્રે બંને ટીમોનું રાજકોટમાં આગમન થતાની સાથે જ શહેરમાં ક્રિકેટ ફિવરનો માહોલ છવાઈ જશે. આવતીકાલે સવારે ન્યુઝીલેન્ડની ટીમ જયારે બપોરે ભારતની ટીમ મેચ પ્રેકટીસ કરશે. શનિવારના રોજ સાંજે ૭:૦૦ કલાકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે બીજો મેચ રમાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એસસીએના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં એક માત્ર મેચ રમાયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલો આ મેચ હાઈસ્કોરીંગ રહ્યો હતો અને તેમાં યુવરાજસિંહની આક્રમક બેટીંગના સહારે ભારતે ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. જોકે ખંઢેરીમાં રમાયેલા બે વન-ડે મેચમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડયો હતો.