ભારતીય ટીમને હોટલ સૈયાજી અને ઓસ્ટ્રેલીયાની ટીમને અપાયો ઈમ્પિરીયલ પેલેસમાં ઉતારો સ્ટાર ક્રિકેટરોની એક ઝલક પામવા હોટલ અને એરપોર્ટની બહાર ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા
બન્ને ટીમોનું પરંપરાગત રીતે કુમકુમ તિલક અને હારતોરા કરી સન્માન કરાયું: કાલે બન્ને ટીમો નેટમાં પરસેવો પાડશે, શુક્રવારે ખંઢેરીમાં બીજો વન-ડે મેચ: શ્રેણી બચાવવા ભારત માટે રાજકોટ વન-ડે જીતવો ફરજિયાત
મકરસંક્રાંતિના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કર્યા બાદ રાજકોટવાસીઓ આજી સંપૂર્ણપર્ણે ક્રિકેટ ફીવરમાં જકડાઈ ગયા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આગામી શુક્રવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારા શ્રેણીના બીજા વન-ડે મેચ માટે આજે બપોરે બન્ને ટીમોનું ચાર્ટડ ફલાઈટ મારફતે રાજકોટમાં આગમન થઈ ગયું હતું. પોતાના માનીતા અને સ્ટાર ક્રિકેટરોની એક ઝલક પામવા માટે ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યામાં એરપોર્ટ અને હોટલ બહાર ઉમટી પડયા હતા. ક્રિકેટરોનું આગમન થતાંની સાથે જ ક્રિકેટના રાજકુમારોએ ચિચિયારી સાથે માહોલને સંપૂર્ણ ક્રિકેટમય બનાવી દીધો હતો. બન્ને ટીમોના ખેલાડીઓનું કાઠીયાવાડી પરંપરા મુજબ કુમકુમ તિલક અને હારતોરા કરી હોટલ સંચાલકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની ત્રણ વન-ડેની શ્રેણીની પ્રથમ વન-ડે ગઈકાલે મુંબઈ ખાતે રમાઈ હતી. જેમાં ભારતનો ૧૦ વિકેટે કારમો પરાજય થયો હતો. આગામી શુક્રવારના રોજ ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડિયમ ખાતે શ્રેણીનો બીજો વનડે માટે બન્ને ટીમો આજે ચાર્ટર્ડ ફલાઈટમાં રાજકોટ આવી પહોંચી હતી. ઓસ્ટ્રેલીયા ટીમને યાજ્ઞીક રોડ પર આવેલ હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં ઉતારો આપવામાં આવ્યો છે. જ્યારે ભારતીય ટીમને કાલાવડ રોડ પર આવેલ સૈયાજી હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. ક્રિકેટરોના આગમન પૂર્વે જ કલાકો અગાઉ ક્રિકેટના રાજકુમારોનો હોટલોની બહાર જમાવડો જામી ગયો હતો. ક્રિકેટરોનું આગમન થતાંની સો જ ક્રિકેટ રસીકો ખુશાલીથી ઝુમી ઉઠયા હતા.
ખંઢેરીની વિકેટ બેટ્સમેનોને યારી આપવા માટે જાણીતી છે. અહીં વિકેટની તાસીર મુજબ હંમેશા રનના ખડકલા થાય છે. ભારતીય ટીમમાં ઓપનર રોહિત શર્મા, શિખર ધવન, સુકાની વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, રિષભ પંત, શ્રેયાંસ ઐયાર સહિતના સ્ટાર બેટ્સમેન છે. જ્યારે સામેની ઓસ્ટ્રેલીયાની ટીમમાં ઓપનર ડેવીડ વોર્નર, સુકાની એરોન ફિચ અને પૂર્વ સુકાની સ્ટીવ સ્મીથ જેવા સ્ટાર બેટ્સમેનોની ભરમાર છે. તો બીજી તરફ બન્ને ટીમોમાં વર્લ્ડ કલાસ બોલરો પણ હોય ક્રિકેટ રસીકોને એક રોમાંચક અને દિલધડક મુકાબલો માણવા મળશે તેમાં કોઈ શંકા ની. આવતીકાલે ગુરુવારે સવારના સેશન્સમાં ઓસ્ટ્રેલીયાની ટીમ નેટ પ્રેકિટસ કરશે જ્યારે બપોરના સેશન્સમાં ભારતીય ટીમ નેટમાં પરસેવો પાડશે. શુક્રવારે બપોરે ૧ કલાકે ટોસ ઉછાળવામાં આવશે અને ૧:૩૦ કલાકે મેચનો પ્રારંભ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખંઢેરી સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં ભારત કુલ ૨ વન-ડે ઈન્ટરનેશનલ રમ્યુ છે. જેમાં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામેની બન્ને મેચમાં ભારતે પરાજયનો સામનો કરવો પડયો છે. ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં શું ભારત ખંઢેરીમાં જીતના શ્રીગણેશ કરશે કે કેમ તેના પર પણ ક્રિકેટપ્રેમીઓની મીટ મંડાયેલી રહેશે. તાજેતરમાં નવેમ્બર માસમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખંઢેરી ખાતે ટી-૨૦ મેચ રમાયો હતો. જેમાં રોહિત શર્માની આક્રમક બેટીંગના સવારે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને રગદોળી નાખ્યું હતું. ૨૮૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા ખંઢેરી સ્ટેડિયમની મોટાભાગની ટીકીટો વેંચાઈ ગઈ છે.
કોચ રવિ શાસ્ત્રી, સુકાની વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમ સાથે ન આવ્યા
આજે રાતે અથવા કાલે સવારે તમામ ખેલાડીઓ ટીમ સાથે જોડાઇ જશે
રાજકોટ ખાતે આગામી શુક્રવારે રમાનારી બીજી વનડે મેચ માટે આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનું બપોરે રાજકોટમાં આગમન થઇ ચૂકયું છે. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી, સુકાની વિરાટ કોહલી, ઓપનર રોહિત શર્મા અને વિકેટકીપર બેટસમેન ઋષભ પંત ટીમ સાથે આવ્યા નથી તેઓ આજે રાતની ફ્લાઇટમાં અથવા આવતીકાલે સવારની ફલાઇટમાં રાજકોટ આવી પહોંચશે કાલે બપોરે ટીમ ઇન્ડિયાનું નેટ પ્રેક્ટિસ સેશન હોય આ પૂર્વે કોચ રવિ શાસ્ત્રી અને અન્ય ત્રણ બેટસમેનો ટીમ સાથે જોડાઇ જશે. કલાકો સુધી વિરાટની એક ઝલક પામવા માટે રોડ પર વાટ જોઇને ઉભેલા ક્રિકેટ રસીકો વિરાટ અને રોહિત ન આવતા નિરાશ થઇ ગયા હતા.