ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર્ટડ ફલાઈટમાં રાજકોટ આવી પહોંચી: કાલે નેટ પ્રેકટીસ, શુક્રવારે બીજો વનડે
મકરસંક્રાંતિના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કર્યા બાદ આજથી રાજકોટવાસીઓ ક્રિકેટ ફિવરમાં જકડાઈ ગયા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી 17મી જાન્યુઆરીના રોજ રમાનારા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેના બીજા વન-ડે ઈન્ટરનેશનલ મેચ માટે આજે બપોરે ચાર્ટડ ફલાઈટ મારફત બન્ને ટીમોનું રાજકોટમાં આગમન થશે. પોતાના માનીતા ક્રિકેટરોને આવકારવા ક્રિકેટ પ્રેમીઓનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતીય ટીમને કાલાવડ રોડ પર આવેલ સૈયાજી હોટલમાં જ્યારે ઓસ્ટ્રેલીયાની ટીમને યાજ્ઞીક રોડ પર આવેલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે.
ગઈકાલે મુંબઈ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતનો 10 વિકેટે કારમો પરાજય થયો હતો. આવામાં 17મીના રોજ રાજકોટ ખાતે રમાનારી બીજી વન-ડે મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો સમાન બની જશે. કારણ કે જો રાજકોટમાં પરાજય થશે તો વિરાટ સેનાનું ઘર આંગણે વન-ડે શ્રેણીમાં પરાજય થશે. આજે બપોરે ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમો ચાર્ટડ પ્લેન મારફતે રાજકોટ ખાતે આવી પહોંચી હતી.. એરપોર્ટથી બન્ને ટીમોને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હોટલ ખાતે લઈ જવામાં આવી હતી. આવતીકાલે બન્ને ટીમો નેટ પ્રેકિટસ કરશે અને પત્રકાર પરિષદને પણ સંબોધશે. મુંબઈમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલીયન ઓપનર ડેવીડ વોર્નર અને એરોન ફીચે આક્રમક સદી ફટકારી ભારતને 10 વિકેટે જડબેસલાક પરાજય આપ્યો હતો.
ખંઢેરી ખાતે અત્યાર સુધીમાં 2 વન-ડે મેચ રમાઈ છે. ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામે રમાયેલી બન્ને વન-ડેમાં ભારતનો પરાજય થયો છે. આમ ઈતિહાસ પર નજર કરવામાં આવે તો રાજકોટનું ગ્રાઉન્ડ ભારતીય ટીમ માટે કમનસીબ સાબીત થયું છે. જો ખંઢેરીમાં પરાજયનો સીલસીલો જારી રહેશે અને શુક્રવારે રમાનારી બીજી વન-ડેમાં પણ ભારતીય ટીમનો પરાજય થશે તો વિરાટ સેના ઘર આંગણે વન-ડે શ્રેણીમાંથી હાથ ધોઈ બેસશે. ભારતીય ટીમમાં સુકાની વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા, શીખર ધવન, રિષભ પંત, લોકેશ રાહુલ, શ્રેયાંસ ઐયર, બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓ છે. તો સામેપક્ષે ઓસ્ટ્રેલીયામાં પણ વોર્નર, ફિચ અને સ્મીથ જેવા સ્ટાર ખેલાડીઓ હોય ક્રિકેટ રસીકોને એક રોમાંચક મુકાબલો માણવા મળે તે નિશ્ર્ચીત માનવામાં આવી રહ્યું છે.
રાજકોટની વિકેટ બેટ્સમેનો માટે સ્વર્ગ સમી માનવામાં આવે છે. આવામાં અહીં ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટીંગ પસંદ કરે તે લગભગ નિશ્ર્ચિત હોય છે. જો કે પહાડી ઝુમલો ચેઈસ કરવામાં પણ બીજો દાવ લેનાર ટીમને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. 20-20માં પણ અહીં 200 રન બન્યા છે. જ્યારે વન-ડેમાં 300થી વધુ રન આસાનીથી બને છે અને આ સ્કોર પણ ચેઈજ થઈ શકે છે.
આજે બપોરે બન્ને ટીમોને રાજકોટમાં આગમન થયા બાદ આવતીકાલે સવારના સેશન્સમાં ઓસ્ટ્રેલીયાની ટીમ અને બપોર પછીના સેશન્સમાં ભારતીય ટીમ નેટ પ્રેકિટ કરશે અને ત્યારબાદ ગેમ પ્લાન અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ સંબોધશે. શુક્રવારે બપોરે 1 કલાકે ટોસ થશે અને 1:30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. પ્રથમ સેશન 5 વાગ્યા સુધીનું રહેશે જ્યારે ઈનીંગ બ્રેક 45 મિનિટ ની રહેશે અને બીજી ઈનીંગ 5:45 કલાકથી શરૂ થશે.