- ગોવા પોલીસે 15 ગુજરાતી અને એક યુ.પીના શખ્સની કરી ધરપકડ
ગુજરાતીઓ દ્વારા ગોવામાં ચલાવવામાં આવતા ક્રિકેટ સત્તાનું રેકેટ ઝડપાયું છે જેમાં ગોવા પોલીસે રાજ્યના 15 અને યુપીના એક વ્યક્તિની ધરપકડ કરી છે. ગોવા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સટ્ટાબાજીના રેકેટમાં કથિત રીતે સંડોવાયેલા 16 લોકોની ધરપકડ કરીને એક મોટી સફળતા મેળવી છે. પોલીસ રિપોર્ટ અનુસાર, ગેરકાયદે સટ્ટાબાજીની કામગીરી અંગે મળેલી બાતમીને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતી પર ઝડપથી કાર્યવાહી કરતા, અધિકારીઓએ ઉત્તર ગોવાના પોર્વોરિમમાં એક સ્થાન પર દરોડો પાડ્યો, જ્યાં તેઓએ 16 આરોપીઓની સફળતાપૂર્વક ધરપકડ કરી.
અટકાયત કરાયેલા લોકોમાં 15 શકમંદો ગુજરાતના છે, જ્યારે એક ઉત્તર પ્રદેશનો છે. આરોપીઓ પર રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી આઈપીએલ ક્રિકેટ મેચ દરમિયાન મોબાઈલ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સટ્ટાબાજી કરવાનો આરોપ છે. પોલીસે શકમંદોના કબજામાંથી 12,670 રૂપિયાની રોકડ, 46 મોબાઈલ ફોન, એક ટેબ્લેટ, નવ લેપટોપ, એક ઈન્ટરનેટ રાઉટર અને વિવિધ ગેમિંગ ઈલેક્ટ્રીકલ એસેસરીઝ, જેની કુલ કિંમત 15 લાખ રૂપિયા છે, જપ્ત કરી છે. ગોવા ક્રાઈમ બ્રાંચ પોલીસે આ કેસની વધુ તપાસ શરૂ કરી છે, જેનો હેતુ ગેરકાયદેસર સટ્ટાબાજીના રેકેટમાં સામેલ વ્યક્તિઓના નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે.