ક્રિકેટ સટ્ટાની ઉઘરાણી વચ્ચે રહી પતાવી દીધાનું મહેનતાણું ચુકવવામાં ગલ્લા-તલ્લા કર્યા
સ્કોર્પીયોમાં આવેલા બંને શખ્સોએ એક રાઉન્ડ ગોળીબાર કરી ભાગી જતા હત્યાની કોશિષનો નોંધાતો ગુનો
શહેરના કાલાવડ રોડ પર આવેલા જ્યોતિનગર ચોકમાં કોંગ્રેસના કાર્યકર પર ક્રિકેટનો સટ્ટો રમાડતા તાળાબંધુએ એક રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. ફાયરિંગ પાછળ પણ ક્રિકેટ સટ્ટાની ઉઘરાણી કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની પોલીસમાં પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારના ગોવિંદનગરમાં રહેતા અને સહકારી મંડળીનું કામકાજ કરતા હર્ષિત રમેશભાઇ જાની નામના 26 વર્ષના વિપ્ર યુવાન પર ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા રાજદીપ તાળા અને અભિષેક તાળાએ જ્યોતિનગરમાં બોલાવી એક રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હર્ષિત જાની કોંગ્રેસનો કાર્યકર છે. જ્યારે રાજદીપ તાળા અને અભિષેક તાળા પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાથી બંને એક બીજાને ઓળતા હોવાનું બહાર આવ્યું છે.
રાજદીપ તાળા અને અભિષેક તાળા સરાફી મંડળી ચલાવે છે. ત્યાં તેઓ ક્રિકેટનો સટ્ટો પણ મોટા પાયે ચલાવતા હોવાનો હર્ષિત જાનીએ આક્ષેપ કરી બે વર્ષ પહેલાં બિલ્ડર ચંદુ કથિરી પાસેથી રૂા.50 લાખ ક્રિકેટ સટ્ટાના વસુલ કરવાના હોવાથી હર્ષિત જાનીના કહેવાથી યોગી તલાટીયાએ રૂા.50 લાખની ઉઘરાણી પુરી કરાવી દીધી હતી પરંતુ તાળાબંધુએ યોગી તલાટીયાને રૂા.5 લાખ આપવાનું નક્કી થયુ હતુ તે આપતા ન હોવાથી હર્ષિત જાનીએ તાળાબંધુને યોગી તલાટીયાને તેનું કમિશન ચુકવી દેવા જણાવ્યું હોવાથી બંને શખ્સોને સારૂ ન લાગતા હુમલો કર્યાનો હર્ષિત જાનીએ આક્ષેપ કર્યો છે.
યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડા, રાઇટર ગીરીરાજસિંહ જાડેજા અને લક્ષ્મણભાઇ સહિતના સ્ટાફે હત્યાની કોશિષ અંગેનો ગુનો નોંધી તાળાબંધુની શોધખોળ હાથધરી છે.