મહેસાણા અને ગોંડલના બુકીના નામ ખુલ્યા: વાડી માલીક સહિત નવની શોધખોળ

એલ.સી.બી. એ દરોડો પાડી છ-મોબાઇલ અને રોકડ કબ્જે કરી

પોલીસથી બચવા હોટલ, કાર બાદ હવે વાડીમાં ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે. ત્યારે ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામે એક શખ્સને મોબાઇલ પર ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતો ઝડપી એલ.સી.બી. ની ટીમે રૂ. ૨૬,૬૪૦ નો મુદામાલ કબ્જે કર્યો છે જયારે મહેસાણા અને ગોંડલના શખ્સોની ક્રિકેટ સટ્ટામાં નામ ખુલતા તેમની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ ઉપલેટાના ડુમીયાણી ગામે ગોંડલના મણીનગર સોસાયટીમાં રહેતા કિશોરભાઇ કરમશીભાઇ વાવડીયા નામનો પ્રોઢ વાડીમાં મોબાઇલ દ્વારા ઇન્ડિયન પ્રિમીયર લીંગ ૨૦૨૦ ક્રિકેટના મેચ ચાલતા મુંબઇ ઇન્ડીયન્સ અને કિંગ ઇલેવન પંજાબ વચ્ચે ચાલતા મેચ પર લાઇવ મેચ જોઇ ક્રિકેટ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા અને અનીલભાઇ ગુજરાતીને મળતા વાડીમાં દરોડો પાડી મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો કિશોર કરમશીભાઇ વાવડીયાને રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. ૨૬,૬૪૦ ના મુદામાલ સાથે પીઆઇ એ.આર. ગોહિલ, મહિપાલસિંહ જયેન્દ્રસિંહ અનીલભાઇ શકિતસિંહ સહીતના સ્ટાફે ઝડપી લીધો છે.

પોલીસે કિશોર વાવડીયાનો મોબાઇલ એક કરતાં તેમાંથી જેની વાડીમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો તે દિનેશ બાબુભાઇ મકવાણા નામ ખુલ્યુ તે ઉપરાંત મહેસાણાનો કપીલ, જેએસી ગોંડલ, ગોંડલનો સુમન, નંદાભાઇ, રાજુભાઇ જેએસકે ગોંડલ, મહેસાણાનો આઝાદ, અને વિપુલ નામના શખ્સના નામ ખુલતા તેમની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.