૨૦૦૦ કરોડ ખાદ્ય પુરવા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ માટે ભારત સાથેની ક્રિકેટ સિરીઝ રમવી અત્યંત જરૂરી
કોરોનાએ વિશ્વ આખાને જે રીતે હંફાવ્યું છે તેનાથી વિશ્વનાં તમામ ક્ષેત્રને માઠી અસરનો સામનો કરવો પડયો છે ત્યારે રમત-ગમત ક્ષેત્રને પણ કોરોનાની અસરનો સામનો કરવો પડયો હોવાનું પણ સામે આવ્યું છે. રમત-ગમતની જયારે વાત કરવામાં આવે તો ક્રિકેટ અત્યંત લોકપ્રિય રમત છે ત્યારે કોરોનાને લઈ આઈપીએલ પણ મુલત્વી રાખવામાં આવતા અનેકવિધ ક્રિકેટ બોર્ડને આર્થિક કટોકટીનો સામનો કરવો પડયો છે ત્યારે આગામી ડિસેમ્બર માસમાં ઓસ્ટ્રેલિયા ટુર પર જનારી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ માટે અત્યંત કારગત અને મહત્વપૂર્ણ સાબિત થશે તેવું પણ માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ૨૦૦૦ કરોડનો ફાયદો થશે તે ખાદ્ય પુરવા માટે પણ અસરકારક સાબિત થશે તેવું માનવામાં આવે છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ભારત સાથેની રમાનારી ટુર્નામેન્ટનાં શીડયુલ પણ જાહેર કરી દીધા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોરોના વાયરસની પરિસ્થિતિઓને જોતા ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝના કાર્યક્રમમાં ફેરફાર કરવાની સંભાવના નકારી નથી. એટલે સુધી કે તેણે ફક્ત એક સ્થાન પર જ મેચોના આયોજનનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરૂવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં પ્રથમ ટેસ્ટ ૩થી ૭ ડિસેમ્બર દરમિયાન બ્રિસબેનમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ એડિલેડ (૧૧-૧૫ ડિસેમ્બર), ત્રીજી ટેસ્ટ મેલબોર્ન (૨૬-૩૦ ડિસેમ્બર) અને ચોથી ટેસ્ટ સિડની (૩-૭ જાન્યુઆરી)માં રમાશે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી કેવિન રોબર્ટ્સે કહ્યું છે કે સ્વાસ્થ્ય સંકટને જોતા ટ્રાવેલ પર પ્રતિબંધના કારણે કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે.
વર્તમાન કાર્યક્રમ તે માનીને તૈયાર કરવામાં આવ્યો છે કે તે સમયે ટ્રાવેલ પર પ્રતિબંધ નહીં હોય. જોકે, હવે તે સમયની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે અને બની શકે કે સિરીઝનું આયોજન એક કે બે મેદાન પર જ કરવું પડે. હાલ અમે તે અંગે કંઈ કહી શકીએ નહીં. રોબર્ટ્સે કહ્યું છે કે, ઘણા પ્રકારના વિકલ્પ છે. અમારી પાસે ચાર પ્રાંતના ચાર સ્થળ છે અથવા અમે ફક્ત એક જ પ્રાંતના એક જ સ્થળે તેનું આયોજન કરી શકીએ છીએ. હજી સંભાવનાઓ ઘણી બધી છે. નોંધનીય છે કે ભારતીય સિરીઝના કાર્યક્રમની જાહેરાત થયાના થોડા સમય બાદ જ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિયેસનની પ્રમુખ ક્રિસ્ટીના મેથ્યુઝે આ મહત્વની ટેસ્ટ સિરીઝ માટે પર્થના બદલે બ્રિસબેનને પ્રાથમિકતા આપવાની ટીકા કરી હતી. રોબર્ટ્સે કહ્યું હતું કે ભારતીય ટીમ બે વર્ષ પહેલા જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આવી હતી ત્યારે ગાબાને ટેસ્ટ મેચ મળી ન હતી અને સંતુલન બનાવવા માટે માટે પર્થની અવગણના કરવામાં આવી છે.
તેમણે કહ્યું છે કે પર્થને આ વર્ષે ભારત વિરુદ્ધ ટેસ્ટની યજમાન મળી જાય તો તેનો મતલબ છે કે પર્થ આઠ વર્ષના રાઉન્ડમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બે અને ભારત વિરુદ્ધ બે ટેસ્ટની યજમાની કરશે, જ્યારે બ્રિસબેનના ખાતામાં ફક્ત બે જ ટેસ્ટ આવે છે. તેનાથી ભવિષ્યના કાર્યક્રમમાં વિક્ષેપ થાય છે. રોબર્ટ્સે કહ્યું હતું કે, ભારતીય ટેસ્ટ મેચ બ્રિસબેનને સોંપવાનો મતલબ વધારે સંતુલન પેદા કરવાનો છે. તેનાથી આઠ વર્ષના રાઉન્ડમાં પર્થને ભારત અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ અને બ્રિસબેનને પણ આટલી જ ટેસ્ટ મેચની યજમાની મળી રહી છે. રોબર્ટ્સે તેની સાથે કહ્યું છે કે જો ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થતું નથી તો દેશના ક્રિકેટ બોર્ડને ૮ કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરનું નુકસાન થશે.