મતદાન જાગૃત્તિ અર્થે યુવા પેઢી સાથે સંવાદ કરતા જિ.ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ
યુવા પેઢી લોકશાહીને સશક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તે આશય સાથે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર અને મતદાન જાગૃતિ અભિયાન સ્વીપ અંતર્ગત કોફી વીથ કલેકટર અને ક્રિકેટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ અને રાજ્યના ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ કાર્યક્રમમાં ઉપસ્થિત યંગ જનરેશન સાથે સીધો સંવાદ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા પેઢીના મિત્ર બનીને હળવાશની પળો સાથે મતદાનના મહત્વ અંગે ચર્ચાઓ કરી હતી. તેમજ પ્રથમ વખત મત આપનાર યુવા મિત્રોને અવશ્ય વોટ કરવા માટે અપીલ કરી હતી. સાથો સાથ ચૂંટણી પ્રક્રિયા, મતદાન સમય, 1950 હેલ્પ લાઈનની સમજ, ચૂંટણી કાર્ડમાં સુધારા, મતદાન વિસ્તારમાં નામની ચકાસણી સહિતના પ્રશ્નોને સાંભળીને તેનું સહજતા સાથે જવાબ આપીને તેમની મૂંઝવણનું નિરાકરણ કર્યું હતું.
આ તકે ચેતેશ્વર પૂજારાએ જેમ ટીપે ટીપે સરોવર ભરાઈ તેમ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના દરેક નાગરિકના મતનું મૂલ્ય અમૂલ્ય છે તેવી પ્રેરણાદાયી વાત કરતાં ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું હતું કે, જેમ પરિવારની જવાબદારી લઈએ છીએ તેમ દેશના ભવિષ્ય માટેની જવાબદારી લેવાની પણ આપણી ફરજ છે. મતદાન કરીને નૈતિક ફરજ નિભાવીએ.
ઉલ્લેખનીય છે કે ગરમ કોફી સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ અને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ યુવા મિત્રો સાથે પોતાના વ્યક્તિગત અનુભવો શેર કરીને જીવનમાં મહેનત સાથે આગળ વધવાનું માર્ગદર્શન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર.જે. આભા, નૂપુર અને ધારા દ્વારા કરવામાં આવ્યું હતું.