જખૌ પાસેથી રૂ.૬ લાખના ચરસનો જથ્થો રેઢો મળ્યો
એક માસમાં પોણા બે કરોડના ચરસનો જથ્થો બીએસએસફ અને આઇબીના સ્ટાફને રેઢો મળતા દરિયાઇ પેટ્રોલિંગ વધાર્યુ
પાકિસ્તાન મચ્છીમારી કરતી બોટની મદદથી માદક પદાર્થ ઘુસાડવાનું ષડયંત્ર: સ્થાનિક શખ્સોની સંડોવણીની શંકા
કચ્છના જખૌ પાસેના દરિયાય વિસ્તારમાં પાકિસ્તાની મચ્છીમારી કરતી બોટની મદદથી ચરસ જેવા માદક પદાર્થ ધુસાડવાના ચાલતા ખૌફનાક કાવતરાનો ગુજરાત એટીએસ, બીએસએફ બાદ આઇબી દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા એક માસમાં પોણા બે કરોડની કિંમતના ચરસનો જથ્થો જખૌના દરિયામાંથી રેઢો બીએસએફના સ્ટાફે ઝડપી લીધા બાદ આઇબીના સ્ટાફે ગઇકાલે વધુ રૂા.૬ લાખની કિંમતના ચરસના ચાર પેકેટ દરિયામાંથી રેઢા મળી આવતા કબ્જે કરવામાં આવ્યા છે.
યુવા પેઢીને બરબાદ કરવાના ખૌફનાક કાવતરા સાથે આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દ્વારા ચરસ જેવા માદક પદાર્થને દરિયાય માર્ગે ભારતમાં ઘુસડવામાં આવતું હોવાથી દરિયાય સુરક્ષા એજન્સી કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ., સ્થાનિક પોલીસ, અને આઇબી સહિતના સ્ટાફ સતર્ક બની કચ્છના જખૌ ખાતેના ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું.
દોઢેક માસ પહેલાં જખૌ પાસેના દરિયામાં પાકિસ્તાનની એક બોટે જળ સમાધી લીધી હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આ બોટની મદદથી ચરસનો જથ્થો કચ્છના ક્રિક વિસ્તારમાં ઘુસાડયા બાદ બોટને કોસ્ટ ગાર્ડના જવાનો પકડે તે પહેલાં ડુબાડી દેવામાં આવ્યાનું અને માચ્છીમારો પલાયાન થયાનું દેશના સુરક્ષા એજન્સી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનથી ચરસના જથ્થા સાથે આવેલી બોટમાં કરોડોની કિંમતનો ચરસનો જથ્થો હોવાથી એકાદ માસ પહેલાં સૌ પ્રથમ બીએસએફના જવાનોએ ૧૯ પેકેટ ચરસ દરિયામાંથી રેઢુ મળી આવ્યો હતુ. આઇબી દ્વારા અપાયેલા ઇનપુટને પુષ્ટી મળતા કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયાના સઘન પેટ્રોલિંગ કરી વધુ ૧૬ પેકેટ ચરસ મળી આવતા કબ્જે કર્યુ હતું.
બીએસએફ, કોસ્ટ ગાર્ડ, એસઓજી, સ્થાનિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૭૨ પેકેટ ચરસ કબ્જે કર્યુ હતુ તે દરમિયાન આઇબીના સ્ટાફે રૂા.૬ લાખની કિંમતના ચાર પેકેટ ચરસ મળી આવતા કબ્જે કરવામાં આવ્યું છે.
જખૌ પાસેના ક્રિક વિસ્તારમાંથી અત્યાર સુધીમાં પોણા બે કરોડની કિંમતનો ચરસનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીનો સ્ટાફ ચોકી ઉઠયો હતો. કચ્છના દરિયામાંથી મળી આવેલા ચરસનો જથ્થો પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા દ્વારા ઘુસાડવામાં આવતો હોવાનું અને કચ્છની જમીન માર્ગે દેશના પૂર્વના રાજયમાં ચરસ લઇ જવામાં સ્થાનિક શખ્સોની સંડોવણીની શંકા સાથે સુરક્ષા એજન્સી દ્વારા છાનભીન શરૂ કરવામાં આવી છે. હજી સુધી આ અંગે ઠોસ વિગતો બહાર આવી નથી કચ્છના દરિયામાંથી ડ્રગ્સ સાથે બોટ પકડાયા બાદ જ સ્થાનિક શખ્સોની સંડોવણી સુધી પહોચી શકાય તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.