રિયલ એસ્ટેટ ડેવલોપર્સના સંગઠન ક્ધફેડેરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા(ક્રેડાઈ)એ બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા 2.5 કરોડ કામદારોને કોરોના વેકસીન આપવાનો નિર્ણય કર્યો છે. ક્રેડાઈ સાથે દેશભરના 217 શહેરોના 13 હજાર સભ્યો જોડાયેલા છે. ક્રેડાઈના નવા પ્રમુખ હર્ષ વર્ધન પાટોડીયાએ આ નિર્ણય જાહેર કર્યો છે.
બાંધકામ ક્ષેત્રના કામદારોને વિના મૂલ્યે વેકસીન આપવા ક્રેડાઈએ નિર્ધાર કર્યો છે. સરકારના તમામ પ્રોટોકોલનું પાલન કરીને તમામ ધારા ધોરણો સાથે દેશભરમાં મફત વેકસીનેશનના અભિયાન અંતર્ગત અઢી કરોડ કામદારોને વેકસીન આપવામાં આવશે તેવું હર્ષ વર્ધન પાટોડીયાએ જણાવ્યું છે.
ક્રેડાઇના પૂર્વ પ્રમુખ સતીશ મગરની આજે પૂર્ણ થતી ટર્મને ધ્યાને રાખીને ડેવલોપર્સની બોડીએ કોલકાતાના યુનિમાર્ક ગ્રુપના ચેરમેન હર્ષવર્ધન પાટડિયાને ક્રેડાઈ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા છે. પાટોડીયા વર્ષ 2021-30 સુધી ક્રેડાઈ ઇન્ડિયાના પ્રમુખ પદે રહેશે.
પાટોડિયાએ કહ્યું હતું કે, હાલ રિયલ એસ્ટેટ ક્ષેત્ર અનેકવિધ પડકારોનો સામનો કરી રહ્યું છે તેવા સમયે હું અને મારી ટીમ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માં ફરીવાર પ્રાણ ફૂંકી વેગવંતુ બનાવવા માટે ઘટતું કરવા કટિબદ્ધ છીએ. તેવા સમયે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રાણ ફૂંકવા તમામ નિર્ણય લેવા માટે પણ અમે કટીબધ્ધ છીએ. ટૂંક સમયમાં અમે સ્કીલ ડેવલપમેન્ટ, ગ્રીન બિલ્ડિંગ અને લેબર વેલ્ફેર સહિતના મુદ્દે અસરકારક નિર્ણય લઇ અસરદાર અમલીકરણ પણ કરીશું.