એફોર્ડેબલ હાઉસિંગ યુનિટના પ્રથમ વેચાણ પર 1 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી આપવા માટે પણ રજૂઆત
રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં કરાયેલા બમણાં વધારા સામે ક્રેડાઈના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને મળીને વાંધા-સૂચનો રજૂ કર્યા હતા. જેમાં રહેણાક-ફ્લેટ અને દુકાનની જંત્રીમાં માત્ર 20 ટકાનો જ વધારો કરવા ભલામણ કરવામાં આવી હતી. મકાનોની કિંમતમાં વધારો થયો ન હોવાથી તેમની જંત્રીમાં 20 ટકાનો વધારો કરવા માટે માગણી કરવામાં આવી હતી. જંત્રી વધારાનો અમલ તાત્કાલીક કરવાના બદલે 1 મે, 2023થી કરવામાં આવે તે માટે પણ માગણી થઇ છે. એફોર્ડેબલ હાઉસિંગમાં યુનિટના પ્રથમ વેચાણ પર 1 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. જંત્રીમાં કરાયેલા બમણાં વધારાથી મકાનોના બજાર ભાવ કરતા જંત્રી ભાવ વધી જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ તેમણે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
રાજ્ય સરકાર દ્વારા એક જ ઝાટકે જંત્રીના દરો બમણાં કરી નખાતા મધ્યમવર્ગ પર ભારે માર પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જંત્રીના અમલીકરણમાં અનેક વિસંગતતા હોવા સહિતના મુદ્દાને લઈને સોમવારે ક્રેડાઈ અમદાવાદનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યું હતું. પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને મળ્યા બાદ જંત્રીના વધારાની માર્કેટ પર શું અસર થશે અને મધ્યમવર્ગની સ્થિતિ કેવી થશે તે અંગેનો ચિતાર રજૂ કર્યો હતો. જંત્રી વધારાને લઈને પ્રતિનિધિ મંડળે પોતાના વાંધા સૂચનો રજૂ કર્યા હતા. મુખ્યમંત્રી દ્વારા બેઠક બાદ જંત્રીના મુદ્દે ઊભા થયેલા ઈશ્યૂ અંગે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રીને જંત્રીના વધારા અંગે કરવામાં આવેલા વાંધા-સૂચનોમાં જણાવાયું હતું કે, રહેણાક ફ્લેટ, દુકાનની જંત્રીમાં જૂની જંત્રી ઉપર ફક્ત 20 ટકાનો જ વધારો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. 2011માં એફ.એસ.આઈ. 1.8-2.25 સુધીની હતી. 2023માં એફ.એસ.આઈ. 2.7- 4-5.4 સુધીની મળવાપાત્ર છે. જેથી મકાનોની કિંમતમાં કોઈ ખાસ વધારો થયો નથી. જેથી રહેણાક ફ્લેટ, દુકાનોની જંત્રીમાં જૂની જંત્રી ઉપર ફક્ત 20 ટકાનો જ વધારો કરવા ભલામણ કરાઈ છે.
ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગના કિસ્સામાં જ્યારે યુનિટનું પ્રથમ વેચાણ કરાય તેવા કિસ્સામાં 1 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી આપવા માટે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી અમલી બનાવવામાં આવેલી જંત્રીનો અમલ ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મે, 2023થી કરવામાં આવે તે માટે પણ ભલામણ કરવામાં આવી છે. જંત્રીમાં વધારો થાય તો જીએસટી, સ્ટેમ્પ ડ્યૂટી, કેપિટલ ગેઈન ટેક્સ વગેરેમાં ધરખમ વધારો સામાન્ય પ્રજા ઉપર પડે છે. હાલમાં સરકાર દ્વારા મકાનોની જંત્રીમાં કરવામાં આવેલા 100 ટકાનો વધારો થતાં માર્કેટ વેલ્યૂ કરતા પણ જંત્રી વધી જાય છે.
ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડન્ટ તેજસ જોશી સહિતના પ્રતિનિધિ મંડળે રજૂ કરેલા વાંધા-સૂચનમાં એમ જણાવાયું હતું કે, સીજીડીસીઆર મુજબ પેઈડ એફ.એસ.આઈ.માં જંત્રીના 40 ટકાના બદલે નવી જંત્રીના 20 ટકા કરી આપવામાં આવે તથા નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા માટે પ્રીમિયમના દર જંત્રીના 40 ટકાના બદલે નવી જંત્રીના 20 ટકા કરી આપવામાં આવે. કોઈ પણ વિસ્તારની બજાર કિંમત નક્કી કરવા માટે છેલ્લા 3 વર્ષના વેચાણ વ્યવહારોની વેલ્યૂ ઝોન વાઈઝ વહેંચીને દરેક વેલ્યૂ ઝોનની બજાર કિંમત કાઢી તે બજાર કિંમતને જંત્રી વેલ્યૂ તરીકે આખરી કરવી જોઈએ. જેથી એડહોક 100 ટકાનો વધારો ન કરી સાયન્ટિફિક રીતે જંત્રી કરી આપવા માગ કરાઇ છે. ’
હાલમાં ઘણા વ્યવહારો પૂર્ણતાના આરે છે, અથવા તો અધૂરા છે. આવા કિસ્સામાં સામાન્ય માણસ પર આકસ્મિક વધારો બોજા સમાન બની રહેશે. ઘણાં કિસ્સામાં ડેવલપર્સ દ્વારા વેચાણ વખતે સ્ટેમ્પ ડ્યૂટી, જીએસટી વગેરે સાથે ગણી ચોક્કસ રકમથી કરેલા હોય છે, તેવામાં જંત્રી વધી જવાથી ડેવલપર્સ અને ગ્રાહક વચ્ચે વિવાદ થઈ શકે છે. જેથી આ પ્રકારના વ્યવહારો નિયત સમયે પૂર્ણ થાય તે માટે પૂરતો સમય મળી રહે તેવા હેતુને ધ્યાને રાખીને અમલ માટે મુદત આપવા રજૂઆત કરાઈ છે.
આમ આદમીને ઘરનું ઘર આપવાની દિશામાં ક્રેડાઈ દ્વારા કરાયેલી માંગણી એકદમ વ્યાજબી : દિલીપભાઈ લાડાણી
આ અંગે સૌરાષ્ટ્રના નામાંકિત બિલ્ડર ગ્રુપ લાડાણી એસોસિએટના દિલીપભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે, જે મકાન, દુકાન, ફ્લેટ બની ગયાં હોય તેના પ્લાનિંગ અગાઉ થઇ ગયાં હોય છે. રેરામાં પણ પ્લાનિંગ મુકાઈ ગયું હોય છે, ભાવ પણ બજારમાં મુકાઈ ગયું હોય છે ત્યારે જંત્રીમાં થયેલો વધારો બિલ્ડર અને લોકો બંને માટે અગવડતા ઉભું કરી રહ્યું છે. જંત્રી દર વધતા સ્ટેમ્પ ડ્યુટી પેટે ભરવાની રકમમાં પણ નોંધપાત્ર વધારો થઇ ગયો છે જેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી ક્રેડાઈ દ્વારા જે માંગ કરવામાં આવી છે તે તદ્દન વ્યાજબી અને યોગ્ય છે. સરકારે આ દિશામાં હકારાત્મક અભિગમ દાખવી લોકો માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
જંત્રીદરમાં થયેલો એકાએક ઉછાળો એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે મોટું વિઘ્ન : અમિતભાઇ ત્રાંબડીયા
સુપ્રસિદ્ધ શિલ્પન ગ્રુપના અમિતભાઇ ત્રામ્બડીયાએ જણાવ્યું હતું કે, જંત્રીદરમાં ચોક્કસ વધારો થવો જ જોઈએ અને આ નિર્ણયને બિલ્ડર લોબી હૃદયથી આવકારે છે પણ અચાનક સો ટકા વધારો તે અગવડતા ઉભું કરે છે. હાલ જંત્રીદર વધતા જે યુનિટો તૈયાર થઇ ચુક્યા છે અથવા તૈયાર થવાના આરે છે. જેમાં અગાઉથી જ બુકિંગ્સ લેવાઈ ગયાં હોય ઓણ દસ્તાવેજ કરવાના બાકી હોય તેવા પ્રોજેક્ટસમાં લોનથી માંડી તમામ બજેટ સંબંધિત બાબતોમાં ભારે અગવડતા ઉભી થઇ છે. નાના માણસ માટે ઘરનું ઘર કોઈ રોકાણ નથી પરંતુ પોતે શાંતિપૂર્વક રહી શકે તેના માટેની એસેટ છે ત્યારે નાના માણસે બુકીંગ કરાવ્યા બાદ લોન સહીતની પ્રક્રિયા પણ કરી લીધી હોય છે ત્યારે જંત્રીદર વધતા લોનના આંકડા અને બજેટ સુસંગત થતાં નથી. જે વ્યક્તિ પાસે પૈસાનો કોઈ અન્ય સ્ત્રોત ન હોય તે વ્યક્તિએ બુકીંગ કેન્સલ કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે બની ગયેલી ઇમારતો પર જંત્રીદરનો વધારો 20% જ રાખવામાં જેથી નાનો માણસ પોતાનું ઘરનું ઘર લઇ શકે.